GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

નીલોફર વાવાઝોડું કચ્છ-સૌરાષ્ટ્ર પર ત્રાટકશે


ગાંધીનગર, તા. ૨૬
ત્રણ દિવસ પૂર્વે અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વ ભાગમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ હવે શક્તિશાળી બની રહ્યું છે અને આજે સવારે ૧૧.૩૦ વાગે અરબી સમુદ્રમાં પશ્ચિમમધ્ય અને નજીકના દક્ષિણપશ્ચિમ ભાગથી આ સિસ્ટમ સહેજ ઉત્તર તરફ ગતિ કરી છે. આગામી ચોવીસ કલાકમાં તે 'નીલોફર' વાવાઝોડાના રૂપમાં શક્તિશાળી બનશે. આગામી ૭૨ કલાકમાં વાવાઝોડું વધુ શક્તિશાળી બનીને હાલના સ્થાન પરથી અરબી સમુદ્રમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં ઓમાન તરફ ગયા બાદ વળાંક લઇ ઉત્તરપૂર્વમાં સૌરાષ્ટ્ર, ઉત્તર કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં ૧૨૦થી ૧૪૫ કિમી પવનની ઝડપ સાથે ત્રાટકી શકે છે, તેમ ભારતીય હવામાન ખાતાએ આજે જારી કરેલાં બુલેટિનમાં જણાવ્યું છે. હવામાન ખાતાએ અમદાવાદ હવામાન કચેરીને પણ આ અંગે એલર્ટ્સ મોકલી આપ્યા છે અને રાજ્ય સરકાર સાથે પણ સતત સંપર્કમાં રહેવાની સૂચના જારી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ૨૯મીથી ભારે વરસાદ ખાબકી શકે છે.
અસર દેખાવા લાગી, વાદળછાયું વાતાવરણ સર્જાયું
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના દક્ષિણ ભાગ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી અફઘાનિસ્તાનના બર્ફીલા વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ભારત તરફ ગતિ કરી રહ્યું છે આને કારણે છેલ્લા બે દિવસથી તાપમાન નીચું આવી ગયું છે.
અમરેલી-સુરત બેલ્ટમાં ૨૯મી સુધીમાં આવી શકે છે : હવામાન વિભાગ

નીલોફર વાવાઝોડું ગુજરાતના ઉત્તર સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો પર ત્રાટકશે. હજુ તેને ગુજરાત અને પાકિસ્તાન તરફ ગતિ કરતાં બે દિવસ થશે. ઓમાન તરફ વધતાં વાવાઝોડાની ગતિ અને દિશામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ફેરફાર થયો છે. નીલોફર જ્યારે જમીન પર ત્રાટકશે ત્યારે તેના પવનની ગતિ ૧૨૦થી ૧૩૦ કિમીની રહેશે અને ગસ્ટી વિન્ડ સ્પીડ ૧૪૫ કિમીની રહેશે. હુડહુડની ગતિ ૧૭૫ કિમીની હતી અને ગસ્ટિંગ વિન્ડ ૨૦૦ કિમીની હતી તેને કારણે વિશાખાપટ્ટનમથી માંડીને છેક નેપાળ સુધીના પટ્ટામાં તેણે વિનાશ વેર્યો હતો. નીલોફર વાવાઝોડું પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાંથી સીધું અમરેલી-સુરત બેલ્ટમાં ૨૯મી સુધીમાં આવી શકે છે. ગુજરાત પર ત્રાટક્યા બાદ આ સિસ્ટમ ઉત્તરપ્રદેશ-બિહાર તરફ ગતિ કરી શકે છે.

SandeshNews

No comments: