GANDHI IN WEB WORLD: ગાંધીજી અંગેની વેબસાઈટો કેવી છે?
ગાંધીજી હવે ડિઝિટલ સ્વરૃપે પણ ઉપલબ્ધ છે
કેટલીક વેબસાઈટો પર ગાંધીજી તમામ માહિતી
અમદાવાદ, ઓક્ટોબર ૨, ૨૦૧૪ડિઝિટલ યુગમાં ગાંધીજી અંગેની વેબસાઈટો ન હોય એવુ તો શક્ય નથી. એક કહેતા અનેક વેબસાઈટો છે. એ પૈકીની કેટલીક નોંધપાત્ર વેબસાઈટોનો પરિચય
https://www.gandhiheritageportal.org/
આ બેવસાઈટ ઇન્ટરનેટ પર ગાંધીજી હાજરા-હજુર હોય એવી છે. ગાંધીજી વિશે ભાગ્યે જ કોઈ એવી વિગત હશે જે અહીંથી ન મળે. પરિણામે ગાંધીજી વિશે પ્રાથમિક જાણકારી ઈચ્છનારથી લઈને ગાંધીજી વિશે સંશોધન કરતા બૌદ્ધિકોને પોતાને જોઈએ એવી જાણકારી આ સાઈટ આપે છે. ગાંધીજીના જન્મથી માંડીને પરિવારજનો સુધીની તસવીરો, વિવિધ વિડિયો, ઓડિયો રેકોર્ડિંગ, કાર્ટૂન વગેરે વેબસાઈટના ગેલેરી વિભાગમાં મળી રહે છે. ગાંધીજીના તમામ લખાણો, હિન્દ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ, મંગળપ્રભાત, વિવિધ સમાચારપત્રોના લેખો, આત્મકથા સહિતના પુસ્તકો આખેઆખા જ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવાયા છે. ગાંધીજી વિશે લખવામાં દુનિયાના વિદ્વાનો, ગાંધીજીના સમકાલીનોએ કોઈ કસર નથી છોડી. અહીં તેમના પુસ્તકો પણ મુકવામાં આવ્યા છે. એટલે જેમને ઈન્ટરનેટ પર વાચંવાની ફાવટ હોય એમને ગાંધીજી વિશે કોઈ પણ માહિતી અન્યત્ર શોધતા પહેલા અહીં નજર નાખવી રહી.
ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ઉપરાંત આત્મકથા જેવા લખાણો તો અન્ય ભારતીય ભાષામાં પણ છે. ભારત સરકારે આ પ્રોજેક્ટ ગાંધી આશ્રમને સોંપ્યો હતો, જેમણે સર્વાંગ-સંપૂર્ણ કહી શકાય એવી સાઈટ તૈયાર કરી દીધી છે.
http://gandhimemorial.org
ગાંધીજીના સ્મારકોમાં તો એવુ છે ને કે ક્યાં નથી એ સવાલ થાય. દરેક મોટા શહેરમાં મહાત્મા ગાંધી રોડ છે તો વળી દુનિયાભરમાં તેના પુતળાંઓ છે. આ વેબસાઈટ પુરેપુરી તો નહીં પણ થોડી માત્રામાં ગાંધી મેમોરિયલ (સ્મારકો)ની જાણકારી આપે છે. વોશિંગ્ટન, ટ્રિનિટી, એટલાન્ટા.. વગેરે સહિત અમેરિકામાં ક્યાં ક્યાં ગાધીજીના કેવા સ્મારકો છે, તેની લિંક્સ અહીં આપી છે. સાથે સાથે ગાંધીજીના કેટલાક કોપી-રાઈટ મુક્ત ફોટોગ્રાફ્સ પણ છે.
http://www.gandhiashram.org.in
આ સાબરમતી આશ્રમની વેબસાઈટ છે. આશ્રમનો ઇતિહાસ, પ્રવૃત્તિઓ, ગાંધીજી વિશેની પ્રાથમિક જાણકારી, કસ્તુરબા અને ગાંધીજીના સબંધો, આશ્રમમા રહેલા મહાનુભાવોના અનુભવો વગેરેની વિગતો અહીં આપી છે. આશ્રમ અંગેના સવાલ-જવાબ (FAQ)માં પ્રથમવખત આવનારા પ્રવાસીને ઘણી મદદ મળી રહે એમ છે. આશ્રમ ક્યારે જોઈ શકાય એવી પ્રાથમિક માહિતી ઉપરાંત આશ્રમના કેટલાક ભાગના વિડિયો પણ છે. જોકે હૃદયકુંજ, ગાંધીજીનો ખંડ, આશ્રમનો ઉપવન વગેરે સહિતના વિડિયો મુકવા ખાતર મુકી દીધા હોય એ પ્રકારના છે. વિડિયોમાં આશ્રમના જે-તે સ્થળના દર્શન અવશ્ય થાય છે, પરંતુ તેની સાથે કોઈ કોમેન્ટ્રી નથી એટલે વિડિયો જોવાનો ખાસ મતલબ સરતો નથી. ઉલટાનો દરેક વિડિયો સાથે લગ્નના વિડિયોમાં હોય એવો ઘોંઘાટ આવે છે.
http://www.gandhiashramsevagram.org
વર્ધાના સેવાગ્રામ આશ્રમની આ સાઈટ છે. થોડા વર્ષે પહેલા ગાંધીજીના ચશ્માં ચોરાયા ત્યારે આ આશ્રમ સમાચારોમાં ચમક્યો હતો. તેની સાઈટમાં આશ્રમની સ્થાપના ક્યા સંજોગોમાં થઈ, આશ્રમમાં કેટલા વિભાગો છે, ફોટો-વિડિયો વગેરે છે. ઉપરાંત ગાંધીજીના લખાણોના વિભાગમાં તેમની આત્મકથા, તેનું અર્થશાસ્ત્ર, ખાદી વિશે તેમના વિચારો.. વગેરે જાણકારી પણ મળી રહે છે. ૨૦૧૧માં આ આશ્રમે ૭૫ વર્ષ પુરા કર્યાં છે. જોકે તેનો કોઈ ખાસ ઉલ્લેક સાઈટ પર નથી.
http://www.mkgandhi.org
પહેલી નજરે ગાંધીજીને સાયન્સ સાથે કોઈ સબંધ હોય એવુ લાગે નહીં. પરંતુ આ સાઈટ ગાંધીજી અને વિજ્ઞાાનનો તંતુ સાધી આપે છે. જોકે એ વિભાગમાં જે લેખો છે એ તો જાણીતા જ છે, પણ તેને જોવાની અલગ દૃષ્ટિ આ સાઈટ જરૃર પુરી પાડે છે. જેમ કે અહિંસા. અહિંસાનો ગાંધીજીએ હથિયાર તરીકે ઉપયોગ કર્યો, પણ એ પેહલા ગાંધીજી અહિંસાના વિજ્ઞાાનને પુરેપુરી રીતે સમજી શક્યા હોય તો જ એ શસ્ત્ર એમને કામ લાગે ને! જોકે અન્ય વિષયોને વિજ્ઞાાન સાથે ખાસ લેવા-દેવા નથી. બાકીની સામગ્રી અન્ય ગાંધી સાઈટો પર હોય એવી જ છે.
http://www.mahatma.org.in
મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા આ વેબ સાઈટ ચલાવાય છે, જેના પાયામાં ગાંધીજીના વારસદાર તુષાર ગાંધી છે. વેબસાઈટ કેટલી અણઘડ હોઈ શકે તેનો આ ઉત્તમ નમુનો છે. વેબસાઈટમાં સંખ્યાબંધ વિભાગો છે, પરંતુ સરકારી વિભાગોની માફક અડધોઅડધ કામ નથી કરતા. કોઈ વિભાગમાં પહોંચીએ તો વિભાગના નામ જેવી કોઈ વિગત ત્યાં મળતી જ નથી. વેબસાઈટ ૨૦૦૧માં કાર્યરત થઈ છે અને ૨૦૦૨ની ૨જી ઓક્ટોબરે છેલ્લી વખત અપડેટ થઈ છે. એટલે સંચાલકો વેબસાઈટ પ્રત્યે કેટલા ગંભીર છે તે સમજી શકાય એમ છે.
http://www.kamat.com/
ગાંધીજીના વિવિધ પ્રકારના ચિત્રો, રેખાચિત્રો, ટપાલ ટિકિટો, કાર્ટૂન, કઠપૂતળી, રંગોળી વગેરે અહીં મુકાયા છે. જે-તે સમયના મહાન કલાકારોએ ક્યારેક ને ક્યારેક તો ગાંધીજી પર પોતાની કળા અજમાવી જ હોય. અહીં તેનો સમન્વય થયો છે. ઉપરાંત ગાંધીજી અને ભગતસિંહ, ગાંધીજી-ચર્ચીલ, ગાંધીજી-રાધાકૃષ્ણન, ગાંધીજીનુ ગીતા પ્રવચન, ગાંધીજી અને મહિલાઓ.. વગેરે સમિકરણો પણ સાઈટ પર મુકાયા છે. ગાંધીજીના જીવન વિશેની પ્રાથમિક જાણકારી તો ખરી જ. ગાંધીજીના વિવિધ પ્રવચનો અને વિવિધ વિષયો પરના ભાષણો પર લિંક્સ નામના પેટા વિભાગમાંથી શોધવા સરળ પડે એમ છે.
http://www.gandhiserve.org/
જર્મનીનું એક ફાઉન્ડેશન આ વેબસાઈટ ચલાવે છે. વેબસાઈટ પર ગાંધીજીના ઓડિયો, વિડિયો, ફોટોગ્રાફ્સ, પુસ્તકો અને પત્રોની વિગતો મળી રહે છે. ગાંધી સર્વનો સૌથી રસપ્રદ ભાગ છે, મહાત્મા વિશેની ક્વિઝનો વિભાગ. 'ગાંધી ક્વિઝ' પર ક્લિક કરી નામ અને મેઈલ-આઈડી જેવી પ્રાથમિક વિગતો પુરી પાડશો એટલે એનિમેટેડ સાબરમતિ આશ્રમ ખુલશે. આશ્રમનો એક દરવાજો ખુલશે જે ગાંધીજીના રૃમનો હશે. સફેદ ગાદી તકિયા પર ખુદ ગાંધીજી બેઠા હશે અને તમને આવકારશે.
વેબસાઈટ જર્મનીની છે, પણ અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે.ગાંધીજી સુધી પહોંચ્યા પછી ગાંધીજી તમને આવકારશેઃ નમસ્તે! હેલ્લો, આઈ એમ મહાત્મા ગાંધી. લેટ્સ પ્લે ધ ગેમ.. એમ થોડુ અભિવાદન કરી ગાંધીજી જ સુત્રધાર તરીકે એક પછી એક સવાલ પુછતા જશે. જો જવાબ સાચો હશે તો ગાંધીજી કહેશેઃ ઓહ યા, યુ હેવ ડન ઈટ (અરે વાહ, તમારો જવાબ સાચો છે)! ગાંધીજીને રમતિયાળ રીતે લોકપ્રિય કરવાનો અત્યંત રસપ્રદ રસ્તો છે.
Source: Gujarat Samachar
No comments:
Post a Comment