ઉત્તરાયણ. સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ, દેવોનો દિવસ શરૂ થાય. ભીષ્મપિતામહને ઇચ્છામૃત્યુનું વરદાન હતું એટલે દેહ છોડવા ઉત્તરાયણની રાહ જોઈ, ગંગાનું અવતરણ, પૃથ્વીને ઉત્તરાયણે ભેટ્યાં. ઉત્તરાયણથી શરૂ થઈને સૂર્ય 6 માસમાં મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન રાશિઓમાં પ્રયાણ કરશે. શિશિર, વસંત અને ગ્રીષ્મ ઋતુઓ અનુક્રમે આ દિવસથી જ શરૂ થશે. વેદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વરસના દરેક સારા પ્રસંગો, ઉત્તમ યજ્ઞો, આ પવિત્ર સમયગાળામાં શરૂ કરી શકાય, રાજાઓનો - નવાબોનો પતંગોત્સવ, જેમાં પતંગ ઉડાવવાવાળા નિષ્ણાતો બોલાવી, રાજા આનંદ માણતા તે છેલ્લી સદીથી ગુજરાતમાં જન-જન રાજા બની પતંગોત્સવ માણે છે. તલ એ શનિ મહારાજનું ધાન અને ગોળ સૂર્યનું - આ માન્યતાએ તલ-ગોળ ભેગા કરી, ગાયોને દાન કરવાનો રિવાજ તે શનિ-સૂર્યને રીઝવવાનું જ તાત્પર્ય. આવતા સપ્તાહે સુભગ યોગાયોગ સમાન સ્વામી વિવેકાનંદજીની જન્મ-જયંતી 12 જાન્યુઆરી સાથે પોષ વદ સાતમનો પણ સુયોગ છે. વિવેકાનંદજીના સ્વપ્નોના ભારતને સાકાર કરીને જ આપણે વિવેકાનંદ જયંતીની સાર્થક ઉજવણી કરી શકીએ...!
સંસ્કૃત દેવોની ભાષા છે. ભારતની દરેક ભાષાઓનું મૂળ સંસ્કૃત છે. નવા શાસનમાં ભણતરમાં સંસ્કૃતના વિકાસને પ્રાધાન્ય, જેથી દરેક સારા-નરસા પ્રસંગોએ સંસ્કૃતમાં ઉચ્ચારાતા શ્ર્લોકો, શાસ્ત્ર આસાનીથી સમજી શકાય. દૈવી સાહિત્યનો ખજાનો પટારામાં રાખવા કરતાં, રોજ-બરોજના ઉપયોગથી દિવ્ય સમાજનું ઉત્તરોત્તર નિર્માણ થાય. આમ છતાં મીડિયામાં બેઠેલા લોકો આને ‘મોદી-ફિકેશન ઓફ સંસ્કૃત’ કહે તેમાં કચાશ ક્યાંની છે? ભણતરની સમજણ, અહેવાલકથન કે પછી ‘વિશેષ લેખ’ લખવામાં આધારભૂત માહિતીની પ્રધાનમંત્રીએ, કોલ્હાપુરમાં ‘પુઢારી’ છાપાના એક સમારોહમાં મીડિયાને ‘આલોચનાવાળા સ્વસ્થ અહેવાલ’ લખવા કહ્યું, જેથી લોકતંત્રને ફાયદો થાય, ઇન્ટરનેટના આ જમાનામાં ગતિના કારણે આલોચના અને સત્ય આ બંનેનો ભોગ લેવાયો છે અને માત્ર ‘આરોપ-આક્રમણ’ થાય છે, જે સમાજને ખૂબ નુકસાન કરે છે. ભારતની બહાર અનેક દેશોમાં 50થી વધુ વિશ્ર્વવિદ્યાલયોમાં સંસ્કૃત ભણાવાય છે. ભગવદ્ગીતા દુનિયાના અનેક દેશોમાં સ્થાનિક ભાષામાં અનુવાદિત થઈ છે. રામાયણને સ્વાહિલી ભાષામાં આફ્રિકામાં શિખવાડાય છે. જર્મન યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગમાં આ ભાષા તેમને સૌથી સરળ લાગી છે અને ભારતીય જીવન-દર્શન, તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રોને ભણવાનો અનેરો આનંદ એ જ ભાષાની સમજથી સવિશેષ મળી શકે તેમ હોવા છતાં તેના ઉપર ચર્ચા નહીં અને માત્ર અહેવાલ?
આવી જ એક વિવાદાસ્પદ સલાહ પ્રખ્યાત લેખિકા તવલીન સીંગે હમણાં રા.સ્વ.સંઘના પ્રચારકોને ખજૂરાહોનાં શિલ્પસ્થાપત્યો જોવા જવાની અને ‘સેક્સ’ ‘કામ-ભોગ’ વિશેની સંઘની ધારણા કેટલી ખોટી છે - તે સમજવાનો આગ્રહ કર્યો. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ આ લેખમાં તેમણે સંઘને ‘સાંસ્કૃતિક સંગઠન’ તરીકે પાછા વળવાની અને કામ કરવાની સલાહ આપી. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનો આદર, માતૃશક્તિ તરીકેની વિભાવના, ગાર્ગી, મૈત્રેયી, મદાલસા, કુંતી, કૌશલ્યા જેવી અનેક જ્ઞાની, પ્રતિભાસંપ્ન્ન અને પૂજનીય સ્ત્રીઓનાં ચરિત્રો, કળીયુગમાં ‘કામદેવ’ને 32 વર્ષ સુધી પરીક્ષિત રાજાની વિદ્વત્તા, પવિત્રતાના કારણે બહાર રહેવું પડ્યું હતું તે અંગેનો શ્રીમદ્ ભાગવતનો પ્રસંગ કે દિવ્ય પેઢીઓના નિર્માણ માટે વાસના-મુક્ત ‘કામ’, તથા ઋષિ-મુનિઓનો, દેવોના આગ્રહથી વસેલો ગૃહસ્થાશ્રમ તથા તેજસ્વી બાળકોના સંકલ્પ પછી જ કૌટુંબિક વૃદ્ધિ અર્થે ભોગવેલ ‘કામ’, 7 બાળકોને જન્મ આપીને ગર્ભસંસ્કારથી જ સંન્યાસમાં પ્રવેશવાની તપસ્યા અને પતિના આગ્રહથી જ આઠમા બાળકને ‘રાજા’ બનાવવા તૈયાર કરતી મદાલસાનાં ચરિત્રો (દ્ષ્ટાંતોનો મહાસાગર છે, અહીં સમાવવાં શક્ય નથી) જાણ્યા વગર આવા લેખો લખી સંસ્થાઓને સલાહ આપવી, કે અન્ય અલ્પજ્ઞ લોકોને ગુમરાહ કરવા આવો અવિવેક ક્યાંથી? કે પછી ક્યાંકથી મેળવેલ અધકચરી માહિતીના આધારે જ દુનિયાના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠનને રાહ ચીંધવાની કેળવણી ક્યાંક મહોરું બનીને તો નથી આપતાને?!
Sadhana
No comments:
Post a Comment