ગુજરાત
ઇતિહાસ
પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ
સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ અઢીથી પાંચ લાખ વર્ષ જેટલો વિસ્તરે છે. આથી પ્રાગ-ઐતિહાસિક કાલને ‘યુગ’ (age) સંજ્ઞા આપવામાં આવે છે. આ કાલમાં માનવ-કૃત ટકાઉ ચીજો મુખ્યત્વે પાષાણ(અશ્મ)ની ઘડવામાં આવતી. આથી એ યુગને ‘પાષાણયુગ’ કે ‘અશ્મયુગ’ કહે છે.
ગુજરાતમાં પ્રાગ-ઐતિહાસિક યુગની શોધ સર્વ પ્રથમ ઈ. સ. 1893માં રૉબર્ટ બ્રુસ ફુટ દ્વારા થઈ હતી. પ્રાગ-ઐતિહાસિક યુગ પછી આદ્ય-ઐતિહાસિક કાલ આવે છે. આ કાલનાં ઓજારો મોટે ભાગે તામ્ર અને પાષાણનાં બનેલાં હોવાથી તેને તામ્ર-પાષાણ કાલ પણ કહે છે. આ કાલમાં લેખન કલાની શરૂઆત થઈ હતી પરંતુ તે લખાણ ઉકલી શકાયું નથી. તે લખાણ ઉકેલવાના અનેક પ્રયત્નો થયા છે પરંતુ તે સર્વમાન્ય રહ્યા નથી.
ગુજરાતના અશ્મયુગોના મુખ્યત્વે બે વિભાગ પડે છે : તેમાં પ્રથમ પ્રાચીનાશ્મયુગ અને બીજો અન્ત્યાશ્મયુગ છે. ગુજરાતમાં નવાશ્મયુગનાં વિશિષ્ટ સ્થાનો નથી. ભારતના ઘણા ભાગોમાં પ્રાચીનાશ્મયુગ વિદ્યમાન હતો. તેના અવશેષો ભારતમાં આશરે દોઢથી બે લાખ વર્ષ કરતાં પ્રાચીન ગણાતા હતા; પરંતુ પ્રાપ્ત માહિતી પ્રમાણે તે 14થી 20 લાખ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે.
પ્રાચીનાશ્મયુગમાં પતરી, ગાભ આદિ પથ્થરનાં ઓજારો ગુજરાતની નદીઓની ભેખડોમાં દટાયેલાં લાંબા વખતથી જાણીતાં હતાં; પરંતુ આ ઓજારો છોટાઉદેપુર તથા રાજપીપળા વિસ્તારમાંની ટેકરીઓ પરથી મળ્યાં છે. પ્રમાણોના આધારે જે પહાડી વિસ્તારમાં પાણીની છત હતી ત્યાંથી માનવવસવાટનાં ચિહનો પ્રાપ્ત થવા માંડ્યાં છે.
મોટેભાગે પથ્થર ફોડીને તેના અશ્મકુઠાર, અશ્મછરા તથા અન્ય સાધનો બનાવવામાં આવતાં હતાં. તે ક્વાર્ટ્ઝ, ક્વાર્ટ્ઝાઇટ, રાયોલાઇટ જેવા પથ્થરોમાંથી મુખ્યત્વે બનાવવામાં આવતાં, કારણ કે આ પથ્થરો ફોડવાથી તેની પર સારી ધાર તૈયાર થઈ શકે છે. આ ઓજારોની સાથે યુરોપમાં જેમ મારેલાં પશુઓનાં અસ્થિઓ મળે છે તેવા ભારતમાં મોટેભાગે તે મળતાં નથી; આ પરિસ્થિતિને લીધે ભારતમાં પ્રાચીનાશ્મયુગમાં, માનવ મોટેભાગે વનસ્પતિજન્ય આહાર મેળવતો હોવાની વિભાવના પેદા થાય છે. ગુજરાતના વનપ્રદેશની વનસ્પતિના અધ્યયનથી આ પ્રદેશમાં આખું વર્ષ વનસ્પતિજન્ય ફળ, ફૂલ, પાંદડાં, મૂળ ઇત્યાદિ આહાર મળી રહે તેવી પરિસ્થિતિ હોવાનું સ્પષ્ટ થવાથી અહીંના માનવીના આહારમાં વનસ્પતિનો ફાળો ઘણો મોટો હોય તેમ લાગે છે.
આ પ્રાચીનાશ્મયુગનાં ઓજારોમાંથી ક્રમશ: પ્રમાણમાં નાનાં ઓજારો બનાવનાર લોકોનાં મધ્ય તથા અંતિમ પ્રાચીનાશ્મયુગનાં ઓજારો સાબરકાંઠા, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત આદિ ભાગોમાંથી મળવાની શરૂઆત થઈ છે. તેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારનાં ઓજારો ચર્ટ જેવા પથ્થરોનાં બનાવેલાં છે, જ્યારે બીજાં સ્થળોએ તે પથ્થરની જૂની પરંપરા પ્રમાણે પથ્થરોનો ઉપયોગ કરતા દેખાય છે. આ યુગનાં ઓજારો પૈકી સમાંતર બાજુવાળી પતરીઓ કાઢવાની પદ્ધતિનો વિકાસ થયો હતો તેથી તેના અનુગામી કાળનાં ઓજારો બનાવવાની કારીગરી વિકસી ચૂકી હતી.
આ યુગનાં ઓજારોનાં સ્થળોનું અધ્યયન ગુજરાતમાં કાલનિર્ણય માટે આવશ્યક છે; પરંતુ તેના કાલનિર્ણય માટે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી મળતી સમયરેખા તેને આશરે 25,000 વર્ષથી 10,000થી 11,000 વર્ષ જેટલા પ્રાચીન સમયનાં ગણાવે છે તે સૂચક છે.
આ ઓજારોને મુકાબલે ઘણાં નાનાં ઓજારોના ઘડતરનો સમય પ્રમાણમાં પાછળના સમયના છે. તેની સમયરેખા આશરે 8,000થી 10,000 વર્ષથી શરૂ થઈને ઐતિહાસિક ગણાતા સમય સુધી વિસ્તરતી દેખાય છે. નાનાં ઓજારોને લીધે આ યુગને લઘુઅશ્મયુગ કે અન્ત્યાશ્મયુગ કહેવામાં આવે છે. આ યુગને યુરોપના વર્ગીકરણને લીધે મધ્યાશ્મયુગ પણ કહેવાનો મત છે. આ યુગનાં સ્થળો ગુજરાતમાં ઘણી સંખ્યામાં મળ્યાં છે. આ સ્થળોએથી મળતાં બાલેન્દુ, ત્રિકોણ, પાનાં, પતરી, ગર્ભો જેવાં પથ્થરનાં ઓજારો તેમજ તે બનાવવા માટે વપરાતા પથ્થરોમાં કૅલ્સેડની, ચર્ટ અને જૅસ્પર જેવા અકીકને નામે જાણીતા પથ્થરો હોય છે. સામાન્યત: પુરાતન કાળમાં જે સ્થળે જે પથ્થરો મળતા હોય તે સ્થળે તે પથ્થરોનાં ઓજારો મળતાં હતાં તે પરિસ્થિતિ આ યુગથી પલટાય છે. ઉત્તર ગુજરાત તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં ઘણાં સ્થાનોએ પથ્થરો મળતા નથી ત્યાંથી પણ આ યુગની માનવપ્રવૃત્તિના અવશેષો પ્રાપ્ત થયા છે.
આ પરિસ્થિતિ માનવો દ્વારા પથ્થરો લઈ જવા-લાવવાની પ્રવૃત્તિ સૂચવીને તેની સાથે અન્નજળ માટે થતાં સ્થળાંતરો દર્શાવતી લાગે છે. આ સ્થળાંતરો કરનાર પ્રજાના અવશેષોનાં પ્રાપ્તિસ્થાનો પરથી મળેલાં અસ્થિઓમાં પાળેલાં ગાય, ભેંસ અને ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓનાં હાડકાં સારા પ્રમાણમાં દેખાય છે. આથી આ યુગમાં પશુપાલન વિકસ્યું હોવા બાબત શંકા રહેતી નથી. આ યુગના પશુપાલકો સામાન્ય રીતે ભટકતું જીવન ગુજારતા હોઈ તેમના નેસના અવશેષો સૂચવતાં તેમનાં સ્થાનો હોવાનો મત બંધાય. ભટકતા જીવનને લીધે તેઓ સમુદ્રકિનારેથી મળતી ડેન્ટેલિયમ જેવી વસ્તુઓ ગુજરાતમાં સમુદ્રથી આશરે 200 કિલોમીટરને અંતરે લઈ જતા હતા. આ યુગથી ગુજરાતમાં ચિત્રકલાનો આરંભ થયો હોવાનું તરસંગ જેવાં સ્થાનોના અવશેષો સૂચવે છે તથા ચંદ્રાવતીથી મળેલા અવશેષો શિલ્પના કોતરકામનો વિકાસ દર્શાવે છે. આ પશુપાલકોનાં કેટલાંક સ્થાનો પરથી ખેતી કરનાર અને ધાતુ ગાળનાર લોકો સાથેનો તેમનો સંપર્ક સૂચવાય છે. આ સંપર્કમાં લાંઘણજ જેવાં સ્થળોએથી મળેલી તાંબાની છરી જેવી વસ્તુ છે તથા કનેવાલ જેવા સ્થળેથી મૂળ લઘુઅશ્મ વાપરનાર લોકોના નેસ પર ખેતી કરનારના કૂબા મળ્યા છે, તે કૂબા અને ખેતરોનો ત્યાગ થયા પછી પણ લઘુઅશ્મ ઓજારો વાપરનાર પશુપાલકોની આ સ્થળે પ્રવૃત્તિ ચાલુ રહી હોવાનું સૂચન કરતા અવશેષો મળે છે.
આમ, પશુપાલકોના નેસ અને ખેતી કરનારનાં ગામોનો સંબંધ આશરે પાંચેક હજાર વર્ષથી ગુજરાતમાં દેખાય છે. પશુપાલકો અને ખેડૂતો વચ્ચેના સંબંધોની આ લાંબી પરંપરામાં ખેડૂતોનાં ગામોમાં કૂબા, માટીનાં વાસણો, લઘુઅશ્મ ઓજારો, તાંબાની અને ક્વચિત્ સોનાની વસ્તુઓ આદિ મળે છે. આથી માત્ર પથ્થરનાં ઓજારો વાપરવાની પદ્ધતિમાં તાંબાનાં ઓજારો વાપરવાની અને તે બનાવવાની પ્રક્રિયા ઉમેરાઈ હોવાનું આ ગામો દર્શાવે છે. જ્યારથી પથ્થર અને તાંબાનાં ઓજારો વાપરવાની પરંપરા શરૂ થઈ ત્યારથી તામ્રાશ્મયુગ શરૂ થવાની માન્યતા છે. ગુજરાતમાં આ સંસ્કૃતિનાં ઘણાં ગામો ઉપરાંત તત્કાલીન સમાજનાં મોટાં નગરોના અવશેષો સુરકોટડા, લોથલ, ધોળાવીરા જેવાં સ્થળોએથી મળ્યા છે.
સામાન્ય રીતે આ તામ્રાશ્મકાળના અવશેષોને સિંધુ નદીની સંસ્કૃતિને નામે ઓળખવાનો ચાલ છે. પણ ઉપલબ્ધ પ્રમાણો જોતાં આ સંસ્કૃતિનાં ઘણાં સ્થળો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત આદિ વિસ્તારોમાંથી મળતાં હોઈ સિંધુ નદી સાથે સરસ્વતીને સાંકળવાની પારિભાષિક વિચારણા પ્રચલિત થવા માંડી છે. આ સંસ્કૃતિને હડપ્પા સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે.
આ યુગની વિકસિત સામગ્રીમાં પકવેલી માટીની ઈંટો, વિવિધ ઘાટનાં વાસણો તથા બીજા પદાર્થો, પથ્થરની મુદ્રાઓ, મણકા, શંખ અને છીપની વસ્તુઓ, તાંબા તથા કાંસાની વસ્તુઓ ઇત્યાદિ મળે છે. ગોળ કૂબા અને ચોરસ કે લંબચોરસ મકાનોવાળાં ગામો, મોટાં વ્યવસ્થિત હારબંધ બાંધેલાં મકાનોને લીધે તૈયાર થયેલા સીધા એકબીજાને કાટખૂણે કાપતા માર્ગોવાળાં નગરો જોવામાં આવે છે. આવાં નગરોમાં દરબારગઢ કે રાજગઢી અને પ્રજાના આવાસો જેવા સ્પષ્ટ વિભાગો પડતા દેખાય છે. આ નગરોમાં વિવિધ પ્રકારનાં જળાશયો, ઓવારા, ઘાટ આદિની રચના દેખાય છે. તે પૈકી કેટલાંક બંદરો હોવાનો અભિપ્રાય પણ સારા પ્રમાણમાં ફેલાયેલો છે, જે માટે કોઈ સમર્થન મળતું નથી.
આ યુગનાં માટીનાં વાસણોના ઘણા પ્રકારો છે. તેની મદદથી તામ્રાશ્મયુગનું વિભાગીકરણ કરીને તેનાં પ્રાગ્-હડપ્પાકાલીન, અનુ-હડપ્પાકાલીન આદિ નામો પાડવામાં આવે છે. છતાં સમગ્ર દૃષ્ટિએ તેમાં માટીનાં વાસણોની કેટલીક પરંપરા ચાલુ રહેતી અને કેટલીક લુપ્ત થતી દેખાય છે. માટીનાં વાસણોની ચાલુ રહેતી પરંપરામાં જાડા બરનાં વાસણો, નીલલોહિત વાસણો ઇત્યાદિ ગણાય છે. તેનું કાલગણનામાં મહત્વ ઓછું છે પણ સાંસ્કૃતિક પરંપરાની દૃષ્ટિએ તેનું મહત્વ સવિશેષ છે.
આ યુગથી લેખનકળાનો પ્રારંભ થતો દેખાય છે. આ લેખનમાં વપરાયેલાં પ્રતીકો પરથી તે કઈ ભાષાનાં છે તે બાબત ઘણો વિવાદ ચાલે છે; પરંતુ જ્યાં સુધી તે વાંચવા માટે જાણીતી લિપિ સાથે આ પ્રતીકોનાં પ્રમાણો ન મળે ત્યાં સુધી એ પ્રશ્ન વિવાદગ્રસ્ત રહે છે.
ગુજરાતમાંથી આ યુગના અવશેષોમાં યજ્ઞશાળાના જેવા અવશેષો મળ્યા છે તેવા રાજસ્થાન, મધ્યપ્રદેશ આદિમાંથી પણ મળે છે. ઉપરાંત અંત્યેષ્ટિમાં ભૂમિદાહનાં પ્રમાણો પ્રાપ્ત થાય છે.
આ સમયમાં દેશ-પરદેશ સાથે ચાલતા વ્યાપારનાં પ્રમાણો પૂરતી સંખ્યામાં મળતાં હોઈ, આ યુગથી ગામો, નગરો, ઉદ્યોગો, વ્યાપાર આદિનો ખેતી, પશુપાલન સાથે વિકાસ થઈ ચૂક્યો હોવાથી આજની સંસ્કૃતિના લગભગ બધા અંશોનો પ્રાદુર્ભાવ થયો હોવાનું સ્પષ્ટ થાય છે.
તામ્રાશ્મયુગનાં લખાણો મળ્યાં છે તે વંચાયાં નથી તેથી આ યુગને આદ્ય-ઐતિહાસિક યુગ પણ કહેવામાં આવે છે. આ માન્યતાની સાથે ભારતના સૌથી જૂના સાહિત્ય વેદની સંહિતાઓ અને સંસ્કૃતિની તુલના કરવામાં આવે તો તેમાં પથ્થરનાં અને તાંબા અથવા કાંસાનાં ઓજારોનો ઉપયોગ, યજ્ઞયાગાદિ ક્રિયાઓ, ગામો, નગરો, ખેડૂતો, પશુપાલકો આદિનું ચિત્ર ઊભું થાય છે અને સંહિતાઓ આ તામ્રાશ્મયુગમાં તૈયાર થયેલી વાઙ્મય સામગ્રી હોવાનું તારણ દૃઢ થતાં, પદાર્થ કે દ્રવ્યગત સામગ્રી અને વાઙ્મય સામગ્રીની અતીતના અધ્યયન માટેની ઉપયોગિતા વધે છે.
સામાન્યત: આ તામ્રાશ્મ સંસ્કૃતિનો તેની અનુકાલીન સંસ્કૃતિ સાથે સંબંધ ન હતો એ માન્યતા પણ બદલાય એવાં પ્રમાણો પંજાબનાં સ્થળોએથી મળ્યાં છે. વળી આ સંસ્કૃતિમાં વિકસેલાં નીલલોહિત વાસણો, જાડા બરનાં વાસણો આદિ માટીકામની પરંપરા સાચવતાં દેખાય છે. તામ્રાશ્મ સંસ્કૃતિમાં લોખંડનો ઉપયોગ ઓજારોના ઘડતર માટે થતો ન હતો. લોખંડનો ઉપયોગ ભારતમાં આશરે ત્રણેક હજાર વર્ષ પહેલાં વિકસ્યો છે. તેનો વિકાસ થતાં પ્રાગ્-ઇતિહાસનો આખરી તબક્કો લોહયુગનો ગણાય છે.
ગુજરાતમાં આ લોહયુગનાં ગામો તેમજ નગરોના અવશેષો મળ્યા છે. તેમાં નીલલોહિત વાસણો, તેની સાથેનાં બીજાં માટીકામનાં વાસણો તથા લોખંડના અવશેષો પ્રાપ્ત થાય છે. આ અવશેષો આજથી ત્રણેક હજાર વર્ષ કરતાં જૂના નથી. આ સમયગાળા માટે પુરાવસ્તુવિદોએ પ્રમાણમાં ઓછું કામ કરેલું હોઈ તેની વિગતો ઘણી ઓછી મળે છે. પરંતુ જે વિગતો પ્રાપ્ત થાય છે તેમાં નીલલોહિત વાસણોનો વ્યાપ ઘણો મોટો છે. તે વાસણોની વપરાશ સૂચવતાં સ્થળોએથી કાળાં ચળકતાં વાસણો મળે છે. તે પ્રાગ્-મૌર્યકાળના અને બુદ્ધ કે મહાવીરના યુગમાં પ્રચારમાં હતાં. તેથી આ સામગ્રી પ્રાપ્ત થતાં અને તેની સાથે વાંચી શકાય એવા અશોકના ખડકલેખો કે સ્તંભલેખો મળતાં પ્રાગ્-ઇતિહાસ પૂરો થઈને ઐતિહાસિક કાળનો પ્રારંભ થાય છે.
ર. ના. મહેતા
પ્રાચીન કાળ
પ્રમાણિત ઇતિહાસ
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી આરંભાય છે. જૈન અનુશ્રુતિ એ પહેલાં ગુજરાતમાં અવંતિપતિ પાલક અને મગધના નંદ રાજાઓનું શાસન પ્રવર્ત્યું હોવાનું જણાવે છે, પરંતુ એને ઐતિહાસિક પુરાવાનું સમર્થન મળ્યું નથી. ગુજરાતના પ્રમાણિત ઇતિહાસના પ્રાચીન કાળને નીચે જણાવેલા કાળખંડોમાં વિભક્ત કરાયો છે.
મૌર્યકાળ : મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય (રાજ્યપાલ) વૈશ્ય પુષ્યગુપ્તે સુરાષ્ટ્રના પાટનગર ગિરિનગરમાં સુદર્શન નામે જળાશય કરાવ્યું હતું એવું રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખમાંના વૃત્તાંત પરથી જાણવા મળ્યું છે. અશોક મૌર્યના રાષ્ટ્રીય યવનરાજ તુષાસ્ફે એ જળાશયમાંથી નહેરો કરાવી એવો ઉલ્લેખ પણ એમાં કરાયો છે. આ પરથી મગધના મૌર્ય વંશના સ્થાપક રાજા ચંદ્રગુપ્ત (લગભગ ઈ. પૂ. 322–298) અને એના પૌત્ર રાજા અશોક(લગભગ ઈ. પૂ. 293–237)ના સમયમાં ગુજરાત પર મૌર્ય વંશનું શાસન પ્રવર્ત્યું હોવાનું માલૂમ પડે છે. જૂનાગઢ–ગિરનાર માર્ગ ઉપરના એક શૈલ પર દેવોના પ્રિય પ્રિયદર્શી રાજા અશોકે કોતરાવેલા 14 ધર્મલેખો પરથી આ હકીકતને સબળ સમર્થન મળ્યું છે. અશોકના પૌત્ર રાજા સંપ્રતિ(લગભગ ઈ. પૂ. 229–200)નું પણ ગુજરાતમાં શાસન પ્રવર્તેલું એવું જૈન અનુશ્રુતિ પરથી માલૂમ પડે છે. ગુજરાતમાં આ કાળના આહત સિક્કા મળ્યા છે.
અનુ-મૌર્યકાળ : મૌર્ય વંશ પછી શુંગ વંશની રાજસત્તા ગુજરાતમાં પ્રવર્તી હોવાના કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી. પરંતુ ગંધારમાં સત્તારૂઢ થયેલા ભારતીય યવન રાજાઓ પૈકી એઉક્રતિદ (લગભગ
ઈ. પૂ. 265થી ઈ. પૂ. 155), મિનન્દર (લગભગ ઈ. પૂ. 155થી ઈ. પૂ. 130) અને અપલદત્ત બીજા(લગભગ ઈ. પૂ. 115થી ઈ. પૂ. 95)ના ચાંદીના અનેક સિક્કા ગુજરાતમાં મળ્યા છે. વળી ‘પેરિપ્લસ’માં જણાવ્યા મુજબ આમાંના છેલ્લા બે રાજાઓના સિક્કા ભરૂચમાં પહેલી સદીમાંય ચલણમાં હતા. લાટના રાજા બલમિત્રે અર્થાત્ વિક્રમાદિત્યે ઉજ્જૈનમાં શકોનું શાસન હઠાવી માલવગણ (વિક્રમ) સંવત પ્રવર્તાવ્યો એવી જૈન અનુશ્રુતિ છે. આ બધો સમય ગુજરાતમાં કોઈ પ્રબળ રાજ્યનું શાસન પ્રવર્ત્યું ન હોઈ, આ કાળને અનુ-મૌર્યકાળ તરીકે ઓળખવામાં આવે છે.
શક ક્ષત્રપકાળ : ઈસવી સનનો આરંભ થયો એ અરસામાં પશ્ચિમ ભારતમાં શક જાતિના રાજાઓનું શાસન પ્રવર્ત્યું. તેઓ ‘રાજા મહાક્ષત્રપ’ કે ‘રાજા ક્ષત્રપ’ એવાં રાજપદ ધરાવતા. ઘણી વાર રાજા મહાક્ષત્રપ તરીકે અને યુવરાજ ક્ષત્રપ તરીકે સંયુક્ત શાસન કરતા ને બંને પોતાના નામના સિક્કા પડાવતા. આ રાજાઓને ‘પશ્ચિમી ક્ષત્રપો’ તરીકે ઓળખવામાં આવે છે.
શક ક્ષત્રપ રાજાઓનાં 56 કુળ વારાફરતી સત્તારૂઢ થયાં. ક્ષહરાત કુળમાં ભૂમક અને નહપાન નામે રાજા થયા. તેની તરત પહેલાં અધુદક નામે રાજાએ સિક્કા પડાવ્યા હોવાનું માલૂમ પડ્યું છે. આ રાજાઓ ગુજરાત ઉપરાંત દક્ષિણ રાજસ્થાન, માળવા અને ઉત્તર મહારાષ્ટ્ર પર સત્તા ધરાવતા. નહપાનના સમયનાં વર્ષ 41થી 46ના શિલાલેખ મળ્યા છે. આ એના રાજ્યકાળનાં વર્ષ લાગે છે. ક્ષહરાતોની રાજસત્તાનો દખ્ખણના સાતવાહન રાજાએ અંત આણ્યો.
કાર્દમક કુળના શક ક્ષત્રપ રાજા ચાષ્ટને સાતવાહન રાજા પાસેથી ક્ષત્રપોના ઘણા પ્રદેશ પાછા મેળવ્યા ને ઈ. સ. 78માં શક સંવત પ્રવર્તાવ્યો. એનો પૌત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામા પહેલો ઘણો પ્રતાપી હતો. એની રાજધાની ઉજ્જૈનમાં હતી. એના રાજ્યપતિ સુવિશાખે ગિરિનગરના સુદર્શન જળાશયનો સેતુ સમરાવ્યો (ઈ. સ. 150). રાજા રુદ્રસિંહ પહેલાના સમય(શક વર્ષ 101થી 120)થી આ વંશના રાજાઓના સિક્કા પર વર્ષની સંખ્યા દર્શાવા લાગી. તેમના સિક્કા પ્રાય: ચાંદીના, નાના કદના અને ગોળ આકારના છે. એમાં રાજાનું તથા તેના પિતાનું નામ આપવામાં આવતું. ચાષ્ટનના વંશજોએ શક વર્ષ 226 સુધી રાજ્ય કર્યું. એ પછી રુદ્રસિંહ બીજો, રુદ્રદામા બીજો, સિંહસેન અને સત્યસિંહના વંશજો સત્તારૂઢ થયા. છેલ્લા રાજા રુદ્રસિંહ ત્રીજાએ ઈ. સ. 415 સુધી રાજ્ય કર્યું.
આ દરમિયાન શક વર્ષના 154ના અરસામાં પ્રાય: આભીર જાતિના રાજા ઈશ્વરદત્તે અને અંત ભાગમાં પ્રાય: મૈત્રક જાતિના રાજા શર્વે ક્ષત્રપ ઢબના સિક્કા પડાવ્યા હતા.
ગુપ્તકાળ : મગધના ગુપ્ત સમ્રાટો પૈકી ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે માળવા જીતી લીધું ને પછી કુમારગુપ્ત મહેન્દ્રાદિત્યે ગુજરાતમાં શાસન પ્રસાર્યું. ગુજરાતમાં એના ચાંદીના સેંકડો સિક્કા મળ્યા છે. કુમારગુપ્ત (ઈ. સ. 415–455) પછી સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468) ગાદીએ આવ્યો. એણે સુરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે પર્ણદત્તને નિયુક્ત કર્યો હતો. એના પુત્ર ચક્રપાલિતે સુદર્શનના સેતુને પુન: સમરાવ્યો. સ્કંદગુપ્તના મૃત્યુ બાદ અહીં ગુપ્ત શાસનનો અંત આવ્યો. ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટક વંશની સત્તા સ્થપાઈ હતી.
મૈત્રકકાળ : ગુપ્ત સામ્રાજ્યની પડતી થતાં સેનાપતિ ભટ્ટાર્કે વલભીમાં પોતાની રાજસત્તા સ્થાપી. એ મૈત્રકકુળનો હતો તેથી એનો વંશ મૈત્રક વંશ તરીકે ઓળખાય છે. મૈત્રક રાજ્યની સ્થાપના લગભગ ઈ. સ. 470માં થઈ. આ વંશનો કુળધર્મ શૈવધર્મ હતો. મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગુહસેન (લગભગ ઈ. સ. 555થી 570) થયો. મૈત્રક વંશના રાજાઓએ ધાર્મિક હેતુથી અનેક ભૂમિદાન દઈ એમનાં રાજશાસન તામ્રપત્રો પર કોતરાવ્યાં છે. એ પરથી એ રાજાઓની વંશાવળી તથા સાલવારી બંધ બેસાડાઈ છે. શીલાદિત્ય પહેલો (લગભગ ઈ. સ. 595થી 612) ‘ધર્માદિત્ય’ કહેવાતો. એણે પશ્ચિમ માળવા પર મૈત્રક સત્તા પ્રસારી. ચીની મહાશ્રમણ યુએન શ્વાંગે ઈ. સ. 640ના અરસામાં ગુજરાતની મુલાકાત લીધી ત્યારે વલભીમાં મહારાજ ધ્રુવસેન બીજો રાજ્ય કરતો હતો. એ ચક્રવર્તી હર્ષવર્ધનનો જમાઈ થતો હતો. એના પુત્ર ધરસેન ચોથાએ ‘મહારાજાધિરાજ’ અને ‘ચક્રવર્તી’ જેવાં મહાબિરુદ ધારણ કર્યાં. એના વંશજોએ મહાબિરુદ ચાલુ રાખ્યાં, પરંતુ તેમના સમયમાં ભરૂચ પ્રદેશ નાંદીપુરીના ગુર્જરોએ જીતી લીધો. મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તતી. આઠમી સદીમાં ગુજરાત પર સિંધના આરબોના હુમલા થયા. ઈ. સ. 788માં આરબ હુમલાએ મૈત્રક રાજ્યનો અંત આણ્યો. વલભીમાં કવિ ભટ્ટિએ ‘રાવણવધ’ નામે દ્વિસંઘન મહાકાવ્ય રચ્યું. વલભીમાં અનેક બૌદ્ધ વિહાર આવેલા હતા. વલભી વિદ્યાપીઠની ગણના મગધની નાલંદા વિદ્યાપીઠની હરોળમાં થતી.
મૈત્રકકાળ દરમિયાન સૌરાષ્ટ્રમાં ગારુલકો અને સૈંધવો સામંતો તરીકે સત્તા ધરાવતા. દક્ષિણ ગુજરાતમાં ત્રૈકૂટકો, કટચ્ચુરિઓ, ચાહમાનો, સેંદ્રકો, ચાલુક્યો અને રાષ્ટ્રકૂટોનાં રાજ્ય થયાં.
અનુ-મૈત્રકકાળ : મૈત્રક રાજ્યનો અંત આવતાં લાટના રાષ્ટ્રકૂટોએ ઉત્તર ગુજરાત સુધી સત્તા પ્રસારી રાજધાની ખેટક(ખેડા)માં રાખી. ઈ. સ. 900ના અરસામાં એની જગ્યાએ દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનું સીધું શાસન પ્રવર્ત્યું. ઉત્તર ગુજરાતમાં અણહિલવાડ પાટણમાં વનરાજ ચાવડો અને એના વંશજોની રાજસત્તા પ્રવર્તી. સૌરાષ્ટ્રમાં સૈંધવો, ચાલુક્યો અને ચાપોનાં રાજ્ય હતાં. તેમનાં પર રાજસ્થાનના ગુર્જર-પ્રતીહારોનું આધિપત્ય પ્રવર્તતું. આમ ઈ. સ. 788થી 942ના અંતરાલ-કાળ દરમિયાન ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તા પ્રવર્તી ન હોઈ, આ કાળને અનુ-મૈત્રકકાળ તરીકે ઓળખવામાં આવે છે. આ કાળ દરમિયાન ગુજરાતમાં જૈન લેખકોએ અનેક ગણનાપાત્ર કૃતિઓ રચી. બૌદ્ધ ધર્મ હવે લુપ્ત થતો જતો હતો. હિંદુ તથા જૈન ધર્મનો અભ્યુદય થયો. ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન અર્થે વતન તજી સંજાણમાં આવી વસ્યા; તેઓ પારસીઓ તરીકે જાણીતા છે.
સોલંકીકાળ : ગુજરાતના ઇતિહાસમાં આ સુવર્ણકાળ ગણાય છે. ચૌલુક્ય (સોલંકી) કુળના મૂળરાજે અણહિલવાડ પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી ત્યાં પોતાની રાજસત્તા સ્થાપી. (ઈ. સ. 942). પ્રાય: એના પિતા ગુર્જરદેશ(દક્ષિણ રાજસ્થાન)ના અધિપતિ હોઈ મૂળરાજે સત્યપુર (સાંચોર) મંડલથી સારસ્વત મંડલ સુધી પોતાની સત્તા પ્રસારી ત્યારથી ‘ગુર્જરદેશ’ નામ હાલના ઉત્તર ગુજરાતને લાગુ પડ્યું લાગે છે. સમય જતાં સોલંકી-સત્તાના વિસ્તારની સાથે એ નામ હાલના સમસ્ત ગુજરાતને લાગુ પડ્યું.
મૂળરાજના પુત્ર ચામુંડરાજ પછી એના પુત્ર વલ્લભરાજ અને દુર્લભરાજ રાજા થયા. પછી ભીમદેવ પહેલો ગાદીએ આવ્યો (ઈ. સ. 1022). એના સમયમાં સુલતાન મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી લિંગના ટુકડા કર્યા. ભીમદેવે ત્યાં પથ્થરનું નવું મંદિર બંધાવ્યું. મોઢેરાનું સૂર્યમંદિર એ અરસામાં બંધાયું. ભીમદેવે વિમલ મંત્રીને આબુનો દંડનાયક નીમ્યો; એણે ત્યાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું. કચ્છ મંડલ સોલંકીરાજ્યની અંતર્ગત હતું. કર્ણદેવે નવસારી પ્રદેશ પર પોતાની આણ વરતાવી. કવિ બિલ્હણે ‘કર્ણસુંદરી’ નાટિકા રચી. કર્ણદેવે આશાપલ્લી જીતી એની પાસે કર્ણાવતી વસાવી. જયસિંહ (ઈ. સ. 1094–1142) જે સિદ્ધરાજ તરીકે ખ્યાતિ પામ્યો તે સોલંકી વંશનો સહુથી લોકપ્રિય રાજવી હતો. એણે સોરઠ પર આક્રમણ કરી ત્યાં પોતાની આણ વરતાવી. સોરઠમાં સિંહ સંવત પ્રચલિત થયો. સિદ્ધરાજે માળવા જીતી એના રાજા યશોવર્માને કેદ કર્યો. જયસિંહ ‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ અને ‘બર્બરકજિષ્ણુ’ તરીકે ખ્યાતિ પામ્યો. એણે પોતાની સત્તા સમસ્ત ગુજરાત ઉપરાંત માળવા, મેવાડ અને મારવાડ સુધી પ્રસારી સોલંકી રાજ્યને સામ્રાજ્ય રૂપે વિકસાવ્યું. રુદ્રમહાલય અને સહસ્રલિંગ સરોવર એનાં ચિરંતન સ્મારક ગણાયાં. કુમારપાલ (ઈ. સ. 1142–1172) પણ પ્રતાપી રાજવી હતો. એણે શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય કર્યો; કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કરાવ્યો. કુમારપાલ જૈન ધર્મનો પ્રભાવક હતો. આચાર્ય હેમચંદ્ર અને એમના શિષ્યોએ સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં વિદ્યા તથા સાહિત્યનો વિકાસ સાધ્યો. કુમારપાલનો ઉત્તરાધિકાર અજયપાલને પ્રાપ્ત થયો. એના પુત્ર મૂળરાજ બીજાએ આબુની તળેટીમાં મુહમ્મદ ઘોરીએ મોકલેલી ફોજના હુમલાને પાછો હઠાવ્યો. ભીમદેવ બીજાએ ઈ. સ. 1178થી 1242 સુધી લાંબું રાજ્ય ભોગવ્યું, પરંતુ ઈ. સ. 1210–25ના ગાળા દરમિયાન ચૌલુક્ય કુળના જયસિંહ બીજાએ પાટનગરની આસપાસના પ્રદેશો પર પોતાની સત્તા પ્રવર્તાવેલી. ધોળકાના રાણા વીરધવલ તથા એના મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલે સોલંકીરાજ્યના સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવેલો. ઈ. સ. 1244માં મૂળરાજના વંશની સત્તા અસ્ત પામી.
હવે વાઘેલા સોલંકી વંશનો વીસલદેવ જે ધોળકાનો રાણો હતો, તેણે ગુજરાતના મહારાજાધિરાજ તરીકેની સત્તા સંભાળી. એના વંશમાં કર્ણદેવ ઈ. સ. 1296માં ગાદીએ આવ્યો. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીની ફોજે ઈ. સ. 1299માં ગુજરાત પર ચડાઈ કરી, કર્ણદેવ ભાગીને દખ્ખણમાં ચાલ્યો ગયો; લાગ મળતાં એણે પાછા ફરી સત્તા હસ્તગત કરી, પરંતુ ઈ. સ. 1304માં ખલજીની ફોજે બીજી ચડાઈ કરી, એને ભગાડી, ગુજરાત પર સલ્તનતની કાયમી હકૂમત સ્થાપી દીધી.
સોલંકીકાળનાં અન્ય રાજ્યોમાં કચ્છનું જાડેજા રાજ્ય, સોરઠનું ચૂડાસમા રાજ્ય (જેના રા’ખેંગાર પહેલાને સિદ્ધરાજ જયસિંહે હરાવેલો), ઘૂમલીનું જેઠવા રાજ્ય, સોમનાથ પાટણનું વાજા રાજ્ય, ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય અને લાટમાં બાસપે સ્થાપેલું ચાલુક્ય રાજ્ય ખાસ નોંધપાત્ર છે.
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્વરૂપોની અનેકાનેક કૃતિઓ રચાઈ, જેમાં હેમચંદ્રાચાર્ય તથા મહામાત્ય વસ્તુપાલ અને તેમનાં વિદ્યામંડલોનું પ્રદાન વિપુલ છે. રાજશાસનોની ભાષા સંસ્કૃત હતી. જૈન વિદ્વાનોએ પ્રાકૃત ભાષામાં રચેલી કથાઓ ભારતીય સાહિત્યમાં ગણનાપાત્ર છે. લોકભાષા અપભ્રંશ હતી. ગૌર્જર અપભ્રંશમાંથી સમય જતાં ગુજરાતી ભાષાનો ઉદય થવા લાગ્યો. ધર્મસંપ્રદાયોમાં હિંદુ અને જૈન ધર્મનો અભ્યુદય ચાલુ રહ્યો. ગુજરાતમાં હવે મુસ્લિમોનો વસવાટ થતાં ઇસ્લામ પણ પ્રચલિત થયો. અગ્નિપૂજક પારસીઓ ખંભાતમાં પણ વસ્યા હતા. સ્થાપત્યમાં અનેક સુપ્રસિદ્ધ દુર્ગો, જળાશયો અને દેવાલયોનું નિર્માણ થયું. દેવાલયનું સ્થાપત્યકીય સ્વરૂપ પૂર્ણ વિકાસ પામ્યું. શિલ્પકલા તથા ચિત્રકલાનો પણ ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. હુન્નરકલાઓ અને વેપારવણજના વિકાસે આર્થિક સંપત્તિ વધારી. બંદરોમાં અલ્પ વ્યવસાય કરીનેય વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થતી. આમ આ કાળ દરમિયાન ગુજરાતમાં અનેક રીતે સુવર્ણકાળ પ્રવર્ત્યો.
દિલ્હીની સલ્તનત : દિલ્હીના સુલતાન દ્વારા નિયુક્ત સૂબાઓ ગુજરાતનું શાસન ચલાવતા. દિલ્હીના સુલતાન અલાઉદ્દીને 1297થી 1304 દરમિયાન ગુજરાત જીત્યું હતું. ખલજી વંશના અન્ય સુલતાનો મુબારકશાહ અને ખુસરોખાન હતા. આ વંશનું શાસન માત્ર 17 વરસ ટક્યું હતું.
અલાઉદ્દીને જીવનજરૂરિયાતની વસ્તુઓનું ભાવ-નિયમન કડકાઈથી કર્યું હતું. 1320માં ગિયાસુદ્દીને તુગલુક વંશની સ્થાપના કરી. તેનો અનુગામી મુહમ્મદશાહ તુગલુક તરંગી અને વિદ્વાન હતો. તેનો ઘણો સમય તઘી વગેરે અમીરોના બળવાને શમાવવામાં ગયો હતો. તેણે જૂનાગઢના રા’ખેંગાર અને ઘોઘાના મોખડાજી ગોહિલને હરાવ્યા હતા. 1342માં ઇબ્ન બતૂતાએ ખંભાત, કાવી, ગાંધાર અને ઘોઘાની મુલાકાત લીધી હતી. તેણે ખંભાતનાં સમૃદ્ધ વેપાર, ભવ્ય મકાનો અને ચાંચિયાગીરીનો ઉલ્લેખ કર્યો છે. 1398માં તૈમૂરે દિલ્હી ઉપર ચડાઈ કરી ત્યારે નાસિરુદ્દીન મહમૂદ સુલતાન હતો.
ગુજરાતની સલ્તનત : 1304માં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના તાતારખાન(મુહમ્મદશાહ) દ્વારા થઈ. હવે દિલ્હીના સૂબાને બદલે પ્રાંતિય સુલતાનો શાસન કરવા લાગ્યા. ગુજરાતના સુલતાનોનું રાજ્ય 1404થી 1573 સુધી ટક્યું હતું. આ સુલતાનો મૂળ રજપૂત હતા અને તેમણે ગુજરાતનાં રજપૂત રાજવી કુટુંબો સાથે લગ્નસંબંધ બાંધ્યા હતા. તેમણે ગુજરાતની આબાદીમાં ખૂબ રસ લીધો હતો.
આ વંશના કુલ 14 સુલતાનો થઈ ગયા. આ વંશનો સ્થાપક મુઝફ્ફરશાહ હતો (1407–1411). તે પૈકી અહમદશાહ પહેલો, મહમૂદશાહ બેગડો અને બહાદુરશાહ ખૂબ પરાક્રમી હતા. તેમનું રાજ્ય ખાનદેશ, માળવા, મેવાડ, મારવાડ અને ઉત્તર કોંકણ સુધી વિસ્તરેલું હતું. રાજસ્થાનમાં નાગોર સુધી અને દક્ષિણમાં ઉત્તર કોંકણ સુધી તેમના સામ્રાજ્યની સીમા હતી. અમદાવાદનું સુરેખ સ્થાપત્ય તેમને આભારી છે.
1411માં અહમદખાન ‘અહમદશાહ’ નામ ધારણ કરી ગાદીએ બેઠો. તેણે પાટણથી રાજધાની ખસેડી આશાવલ નજીક અમદાવાદ વસાવીને તેને રાજધાની બનાવી. ઈડરના રાવ તથા માળવાના સુલતાનો સાથે તેને અવારનવાર લડાઈઓ થતી હતી. તેણે ઝાલાવાડ, ચાંપાનેર, નાંદોદ અને જૂનાગઢના રજપૂત રાજાઓને તથા બહમની સુલતાન અહમદશાહને હરાવ્યા હતા. 1415માં સિદ્ધપુરના રુદ્રમાળનો તેણે નાશ કર્યો હતો. તેણે હાથમતીને કિનારે પોતાના નામ ઉપરથી અહમદનગર (હાલનું હિંમતનગર) વસાવ્યું હતું. તે અસહિષ્ણુ હતો અને હિંદુઓનાં મંદિરો તોડવા તેણે ખાસ અધિકારી નીમ્યો હતો. તેણે જજિયાવેરો પણ નાખ્યો હતો. અમદાવાદમાં જુમા મસ્જિદ, ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા વગેરે તેણે બંધાવ્યાં હતાં.
અહમદશાહના 1442માં મૃત્યુ બાદ મુહમ્મદશાહ બીજો (1442–51) અને કુતબુદ્દીન (1451–59) સુલતાન થયા. કુતબુદ્દીને કાંકરિયા તળાવ, નગીનાવાડી તેમજ વટવા અને સરખેજમાં મસ્જિદો તથા મકબરા બંધાવ્યાં હતાં.
ગુજરાતના સુલતાનો પૈકી ખૂબ પરાક્રમી સુલતાન મહમૂદશાહ બેગડાએ 1459થી 1511 સુધી રાજ્ય કર્યું હતું. તેણે જૂનાગઢ અને પાવાગઢના બે મજબૂત ગઢ જીત્યા હતા તેથી તે બેગડો કહેવાયો હોવાની લોકમાન્યતા છે. રા’માંડલિક અને ચાંપાનેરના જયસિંહનાં રાજ્યો તેણે જીતી ખાલસા કર્યાં હતાં. તેણે સિંધના જમીનદારો, માળવાના સુલતાન અને ઈડરના રાવને સખત હાર આપી હતી. થાણા પાસે પૉર્ટુગીઝોને તથા દ્વારકાના ચાંચિયાઓને પણ હાર આપી હતી. દિલ્હીના શહેનશાહો તેને ભેટ મોકલતા હતા.
તેણે મહેમદાવાદ તથા નવું ચાંપાનેર વસાવ્યાં હતાં. તેનો નૌકાધિપતિ દીવનો હાકેમ મલિક અયાઝ હતો. દાદા હરિરની, અડાલજની અને ભોજની (વડોદરા જિલ્લો) વાવ તથા મહેમદાવાદનો ભમરિયો કૂવો તેના સમયમાં બંધાયાં હતાં.
મુઝફ્ફરશાહ બીજો પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય હતો. તેણે ઈડર, ચિતોડ અને માળવા સાથે યુદ્ધ કરી તેમને હરાવ્યાં. પૉર્ટુગીઝો સાથેના દરિયાઈ યુદ્ધમાં મલિક અયાઝે તેમને સફળ થવા દીધા ન હતા. સૂરતનો મલિક ગોપી અને દીવનો હાકેમ મલિક અયાઝ તેના બળવાન અમીરો હતા. તેણે વિદ્વાનોને આશ્રય આપ્યો હતો.
મુઝફ્ફરશાહ બીજા પછી સુલતાન સિકંદર (1526) અને સુલતાન મહમૂદશાહ બીજો (1526) થઈ ગયા. તેમના અલ્પકાલીન શાસન પછી બહાદુરશાહ ગાદીએ આવ્યો. તેણે 1531થી 1537 સુધી રાજ્ય કર્યું. તેણે ચિતોડ અને માળવાના સુલતાનોને સખત હાર આપી હતી. અહમદનગર, ખાનદેશ અને વરાડના સુલતાનો તેની સત્તા સ્વીકારતા હતા. હુમાયુ સામે લડવા તેણે પૉર્ટુગીઝોની નજીવી મદદ બદલ દીવમાં કિલ્લો બાંધી વેપાર કરવા પરવાનગી આપવાની ભૂલ કરી હતી. પૉર્ટુગીઝ ગવર્નરને તેના વહાણમાં મળ્યા બાદ પાછા ફરતાં દગાથી તેને મારી નાખવામાં આવ્યો હતો. છેલ્લો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો સત્તા માટેની અમીરોની ખેંચતાણ અંગે કાવતરાનો ભોગ બન્યો હતો. તેના વઝીર ઇતિમાદખાને અકબરને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું હતું. અકબરે 1572–73માં સમગ્ર ગુજરાત કબજે કર્યું.
મુઘલકાળ : મુઘલ વંશે ગુજરાતમાં 187 વર્ષ રાજ્ય કર્યું હતું. અકબરના સમયમાં રાજા ટોડરમલે ભાગ-બટાઈ પદ્ધતિને બદલે જમીનની માપણી કરી જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની નવી પદ્ધતિ દાખલ કરી હતી. અકબર સહિષ્ણુ હતો. તેણે રજપૂતો સાથે લગ્નસંબંધ બાંધ્યો હતો. હજની દરિયાઈ મુસાફરી માટે અકબરને પણ પરવાના માટે પૉર્ટુગીઝ સત્તાને એક ગામ આપવું પડ્યું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જહાંગીરના વખતમાં પ્રથમ સૂરત અને ત્યારબાદ ઘોઘા, ખંભાત અને અમદાવાદમાં તેમની વેપારની કોઠી નાખી હતી. જહાંગીરે અમદાવાદની ટંકશાળમાંથી રાશિવાળા સિક્કા પડાવ્યા હતા. શાહજહાંની સૂબાગીરી દરમિયાન શાહીબાગ બન્યો હતો. મુઘલ સૂબા આઝમખાને વાત્રક ઉપર કિલ્લો અને અમદાવાદમાં ભદ્રના કિલ્લા પાસે મુસાફરખાનું બંધાવ્યાં હતાં.
ઔરંગઝેબે તેના ભાઈઓ મુરાદ, દારા અને શુજાનો વધ કરાવી તથા પિતા શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કરી દિલ્હીનું તખ્ત કબજે કર્યું હતું. તેણે ગુજરાતમાંથી ગેરકાયદે ઉઘરાવાતા વેરા નાબૂદ કર્યા હતા અને એકસરખી આબકારી જકાત રાખી હતી. બધા કારીગરોનું સમાન વેતન તેણે કરાવ્યું હતું. તે ચુસ્ત સુન્ની અને અસહિષ્ણુ સ્વભાવનો હતો. તેણે હિંદુઓ ઉપર જજિયાવેરો નાખ્યો હતો. તેણે હોળી અને દિવાળી જેવા સામાજિક અને ધાર્મિક ઉત્સવો ઊજવવા ઉપર પ્રતિબંધ મૂકી હોળી પ્રગટાવવાની અને દિવાળીમાં રોશની કરવાની મનાઈ કરી હતી. મુઘલકાળ દરમિયાન સૂરત બંદર આબાદ થયું હતું. તે ‘બાબુલ મક્કા’ એટલે કે મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું. અંગ્રેજ, ડચ, ફ્રેન્ચ વેપારીઓની કોઠીઓ અહીં હતી. તેથી આબાદી વધી હતી. અમદાવાદ સુતરાઉ, રેશમી અને ગરમ કાપડના ઉત્પાદન માટે જાણીતું હતું. ખંભાતથી કાપડ, ગળી, જરીવાળું કાપડ વગેરે નિકાસ થતાં હતાં. સૂરત વગેરે બંદરોમાં વહાણો બંધાતાં હતાં. અકબરથી શાહજહાંના સમય દરમિયાન ખુશ્કી અને તરી વેપારનો વિકાસ થયો હતો. ઈ. સ. 1664 અને 1670માં સૂરત ઉપર શિવાજીએ ચડાઈ કરીને લૂંટ ચલાવી હતી. શિવાજી સાથે દક્ષિણમાં લાંબા વખત સુધી લડાઈને કારણે મુઘલ સત્તા નબળી પડી હતી.
ઔરંગઝેબના મૃત્યુ પછી (1707) મુઘલ સત્તા નબળી પડી હતી અને ગાયકવાડ તથા પેશ્વાના હુમલા તેઓ ખાળી શક્યા ન હતા. વજીર સૈયદ ભાઈઓ, અજિતસિંહ, જવાંમર્દખાન બાબી, મોમિનખાન વગેરેએ ગુજરાતમાં મુલકગીરી દ્વારા ખંડણી ઉઘરાવવા સિવાય લોકકલ્યાણની કોઈ પ્રવૃત્તિ હાથ ધરી ન હતી. મુઘલ અને મરાઠા વચ્ચેના સંઘર્ષમાં પ્રજાના જાનમાલની સલામતી રહી ન હતી અને લોકો ખૂબ જ ત્રાસી ગયા હતા. મુઘલ બાદશાહની નબળાઈનો લાભ લઈને જૂનાગઢનો ફોજદાર, જવાંમર્દખાન, મોમિનખાન વગેરે સ્વતંત્ર બનીને જૂનાગઢ, રાધનપુર અને ખંભાતનાં રાજ્યોના શાસક બન્યા હતા. સૂરત અને ખંભાતનાં બંદરોની જાહોજહાલી અસ્ત થઈ હતી, દામાજીરાવ ગાયકવાડના પુત્રો વચ્ચેના આંતરકલહનો લાભ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લીધો અને 1759માં સૂરતના નવાબને તથા ભરૂચના નવાબને હરાવીને અંગ્રેજોએ તેમની સત્તા દક્ષિણ ગુજરાતમાં દૃઢ કરી. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર અને જામનગરના રાજવીઓએ નાનાં રાજ્યો ઉપર સત્તા જમાવી. સર્વત્ર અંધાધૂંધી હતી. 1719માં પિલાજી ગાયકવાડે સોનગઢમાં થાણું નાખી સૂરત અને આસપાસના પ્રદેશ પર હુમલા કરી ચોથ ઉઘરાવી હતી. પિલાજીરાવ પછી દામાજીરાવ બીજાનું શાસન થયું (1732થી 1768). 1761માં પાણીપતના યુદ્ધમાં તેમણે ભાગ લીધો હતો. દામાજીરાવ બીજાએ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને રાજપીપળામાંથી ખંડણી ઉઘરાવી અને સોનગઢથી પાટણ રાજધાની ફેરવી. 1759માં અંગ્રેજોએ મુઘલ નૌકાકાફલાના અધિપતિ સીદી યાકૂબને હાર આપી સૂરતનો કિલ્લો હાથ કર્યો અને નવાબને પેન્શન આપી સત્તાભ્રષ્ટ કર્યો. 1782ના સાલબાઈના કરારથી અંગ્રેજોએ જીતેલો પેશ્વાનો પ્રદેશ પાછો આપ્યો અને રઘુનાથરાવને રૂ. 25,000નું વાર્ષિક પેન્શન બાંધી આપ્યું.
ગુજરાતનાં દેશી રાજ્યો
દેશ આઝાદ થયો ત્યારે ભારતનાં કુલ 562 દેશી રાજ્યોમાં સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં 366 દેશી રાજ્યો હતાં. સૌરાષ્ટ્રના 56,980 ચોકિમી.ના વિસ્તારમાં આશરે 40 લાખની વસ્તી અને નાનાંમોટાં 222 દેશી રાજ્યો આવેલાં હતાં. તેમાં જૂનાગઢ, નવાનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, મોરબી, ગોંડળ, વાંકાનેર અને રાજકોટ સહિત 14 સલામીના અધિકારવાળાં મોટાં રાજ્યો, 17 બિનસલામીવાળાં રાજ્યો અને 191 નાનાં રાજ્યો હતાં. તેમાંથી 46 નાનાં દરેક રાજ્યનું ક્ષેત્રફળ 5.18 ચોકિમી. અથવા તેનાથી ઓછું અને તેમાંનાં આઠ રાજ્યોનું દરેકનું ક્ષેત્રફળ 1.295 ચોકિમી. જેટલું હતું.
તળ ગુજરાતમાં 17 પૂર્ણ અધિકારક્ષેત્ર ધરાવતાં દેશી રાજ્યો અને 127 અર્ધ-અધિકારક્ષેત્રના તથા અધિકારક્ષેત્ર વગરના એકમો હતા. રાજપીપળા, દેવગઢબારિયા, લુણાવાડા, છોટાઉદેપુર વગેરે રાજ્યોના રાજાઓ ચૌહાણ, સોલંકી, સિસોદિયા, પરમાર અને ગોહિલ કુળના રજપૂતો હતા. વાડાસિનોર, ખંભાત, સચિન, રાધનપુર અને પાલણપુરના શાસકો મુસ્લિમો હતા. મરાઠા લશ્કરના સરદાર પિલાજીરાવ ગાયકવાડે વડોદરાને પાટનગર રાખી, ગુજરાતમાં રાજ્ય સ્થાપ્યું હતું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (1875–1939) પ્રબુદ્ધ રાજવી હતા અને તેમના સમયમાં વડોદરા રાજ્યે નોંધપાત્ર વિકાસ સાધ્યો હતો. વડોદરા રાજ્યનો વિસ્તાર 21,331.24 ચો. કિમી. અને વાર્ષિક આવક રૂપિયા સાત કરોડ હતી. ભારતના પ્રગતિશીલ દેશી રાજ્ય તરીકે તેની પ્રતિષ્ઠા હતી.
ઈ. સ. 1807માં હંમેશને માટે મુકરર કરેલી ખંડણી વડોદરા રાજ્યને આપે તે માટે કર્નલ વૉકર તથા ગાયકવાડના પ્રતિનિધિએ સૌરાષ્ટ્રના રાજવીઓ સાથે કરાર કર્યો અને ગાયકવાડની મુલકગીરી બંધ પડી. જૂનાગઢ, મહીકાંઠા તથા અન્ય રાજ્યોએ પણ આવી યોજના સ્વીકારી. ગાયકવાડ વતી ખંડણી ઉઘરાવવાનું 1820માં કંપની સરકારે સ્વીકાર્યું અને તેથી ગુજરાતમાં શાંતિ પ્રવર્તી અને મુલકગીરી બંધ પડી.
વડોદરાના મલ્હારરાવને 1875માં અંગ્રેજ સરકારે પદભ્રષ્ટ કર્યા. દત્તક લીધેલ સગીર મહારાજા સયાજીરાવ ત્રીજાના દીવાન તરીકે સર ટી. માધવરાવે શિક્ષણ, ન્યાયતંત્ર, આરોગ્ય, બાંધકામ, મહેસૂલ વગેરેમાં સુધારા કર્યા. સયાજીરાવે ગાદીનશીન થયા બાદ પ્રાથમિક કેળવણી ફરજિયાત કરી, સમગ્ર રાજ્યમાં ગ્રંથાલયો તથા વ્યાયામશાળાઓ સ્થાપ્યાં અને મહેસૂલ, ન્યાય તથા વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી.
કચ્છના રાવ ખેંગારજીએ ભુજમાં સંસ્કૃત પાઠશાળા, ફર્ગ્યુસન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરી. તેમણે ખેતીવાડી તથા સિંચાઈને ઉત્તેજન આપ્યું. નવાનગર(જામનગર)ના મહારાજા રણજિતસિંહ અગ્રણી ક્રિકેટર હતા. એમણે જામનગરને આધુનિક બનાવ્યું. રેલવેને ઓખા સુધી વિસ્તારી તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું. રાજકોટના લાખાજીરાજે ઉદ્યોગો અને શિક્ષણનો વિકાસ કરી, પ્રજાવત્સલ રાજવી તરીકે ખ્યાતિ મેળવી. ગોંડળના ભગવતસિંહજીએ રાજ્યમાં શાળાઓ, દવાખાનાં, રસ્તા, અદાલતો તાર-ટપાલની કચેરીઓ શરૂ કરાવ્યાં. તેમણે ‘ભગવદ્ ગોમંડળ’ના ગ્રંથો તૈયાર કરાવ્યા અને ક્ધયાકેળવણી ફરજિયાત કરી. તેઓ સૌરાષ્ટ્રના અગ્રણી રાજવી બન્યા હતા. ભાવનગરમાં દીવાન ગૌરીશંકર ઓઝા, શામળદાસ મહેતા અને પ્રભાશંકર પટણીએ રાજ્યનો નોંધપાત્ર વિકાસ કર્યો. 1884માં શામળદાસ કૉલેજ સ્થાપવામાં આવી. જૂનાગઢ રાજ્યની સ્વતંત્ર ટંકશાળ હતી અને તેમાં સિક્કા પાડવામાં આવતા હતા. 1900માં જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી. મોરબીના લખધીરસિંહજીએ રેલવે-લાઇન નાખીને વેપારને ઉત્તેજન આપ્યું હતું.
બ્રિટિશ યુગ
ઈ. સ. 1818માં પેશવાઈનો અંત આવ્યો અને ગુજરાતમાં બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપની સાર્વભૌમ સત્તા બની. કંપનીને ગુજરાતમાં મળેલા પ્રદેશો પાંચ જિલ્લામાં વહેંચાયેલા હતા. આ પાંચ જિલ્લા સૂરત, ભરૂચ, અમદાવાદ, ખેડા અને પંચમહાલ હતા. 1818 પછી સૂરતના વેપારની પડતી થઈ હતી, પણ 1840 પછી વેપારધંધા સુધરવા લાગ્યા. 1858માં રેલવે નાખવાનું શરૂ થયું. 1850માં સૂરતમાં એન્ડ્રૂઝ લાઇબ્રેરી સ્થાપવામાં આવી. 1852માં સૂરતમાં સુધરાઈની સ્થાપના થઈ. 1830થી 1843 સુધી સૂરત કલેક્ટરેટ હેઠળ ભરૂચ પેટા કલેક્ટરેટ તરીકે હતું. પંચમહાલ જિલ્લો તથા પાવાગઢ અને ચાંપાનેર ગ્વાલિયરના સિંધિયાના તાબામાં હતાં. આ પ્રદેશોનો વહીવટ કરવાનું ગ્વાલિયરથી મુશ્કેલ હોવાથી સિંધિયાએ 1853માં દસ વર્ષ માટે બ્રિટિશ સરકારને આ પ્રદેશ સોંપ્યો. ત્યારબાદ 1861માં સિંધિયાએ ઝાંસીની આસપાસના વિસ્તારના બદલામાં આ પ્રદેશ બ્રિટિશ સરકારને સોંપી દીધો. તેમ થવાથી પંચમહાલમાં સારા રસ્તા થયા, મહેસૂલ અને ન્યાયવ્યવસ્થા સારી થઈ તથા શાળાઓ અને દવાખાનાં શરૂ થયાં. તે પછી રેલમાર્ગો પણ શરૂ થયા. ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી ગરાસિયા નબળા પડ્યા. દેસાઈ, પટેલ સહિત બધા વતનદારોના અધિકારો અને સત્તા છીનવી લેવામાં આવ્યાં. સામાન્ય લોકોના સુખમાં વધારો થયો. પીંઢારાઓના હુમલા બંધ થયા અને નિષ્પક્ષ ન્યાય મળવા લાગ્યો. રાજકીય પરિવર્તનની અસર સામાજિક ઇતિહાસના ઘડતર ઉપર પણ પડી. બ્રિટિશ સરકારે પણ સામાજિક સુધારા કરવા માંડ્યા.
1857નો વિપ્લવ : કેટલાંક વરસોથી વિવિધ કારણોને લીધે ગુજરાતમાં પણ અંગ્રેજ શાસન પ્રત્યે લોકોનો રોષ વધ્યો હતો. ગુજરાતમાં વિપ્લવની શરૂઆત અમદાવાદસ્થિત લશ્કરની 7મી ટુકડીએ જૂન, 1857માં કરી. તેમની યોજના અમદાવાદ કબજે કરી વડોદરા ઉપર ચડાઈ કરવાની હતી; પરંતુ તેમને દબાવી દેવામાં આવ્યા. જુલાઈમાં પંચમહાલમાં ગોધરા, દાહોદ અને ઝાલોદમાં ભીલ, કોળી તથા નાયક જાતિઓની મદદથી સરકારી કચેરીઓ કબજે કરવામાં આવી; પરંતુ રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટે તેમને હરાવીને ત્રાસ ગુજાર્યો. આ દરમિયાન ખેરાળુ, પાટણ, ભીલોડા, વિજાપુર વગેરે સ્થળોએ જાગીરદારોએ ધારાળા, કોળી, ઠાકરડા વગેરેની મદદથી બળવા કર્યા. આણંદના મુખી ગરબડદાસ પટેલ અને તેમના સાથીઓએ મહીકાંઠા તથા ખેડા જિલ્લામાં અંગ્રેજોનો સામનો કર્યો. મુંડેટીના ઠાકોર સૂરજમલે ઈડરના રાજા સામે બળવો પોકાર્યો. નાંદોદ-રાજપીપળાના સિપાઈઓએ આરબ, મકરાણી, સિંધી સૈનિકોનો સાથ મેળવી રાજા સામે બળવો કર્યો; પરન્તુ રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટે તેમને હરાવ્યા. ઓખાના વાઘેરોએ જોધા માણેકની આગેવાની હેઠળ અંગ્રેજો સામે બળવો કર્યો. સાચા અર્થમાં આ પ્રજાકીય બળવો હતો. તેમાં વાઘેરોએ અંગ્રેજોને ખૂબ હંફાવ્યા. જૂન, 1858 સુધીમાં સરકારે ગુજરાતની પ્રજાને સંપૂર્ણપણે નિ:શસ્ત્ર કરી દીધી. તાત્યા ટોપેએ ગુજરાતમાં પ્રવેશી છોટાઉદેપુર કબજે કર્યું; પરંતુ બ્રિટિશ લશ્કર તાત્કાલિક ગોઠવી દેવામાં આવ્યું અને તેને પંચમહાલ અને રજપૂતાના તરફ નાસી જવું પડ્યું.
બ્રિટિશ તાજનો વહીવટ : બ્રિટિશ તાજે ઈસ્ટ ઇંડિયા કંપની પાસેથી 1858માં ભારતનો વહીવટ સંભાળી લીધો. મુંબઈ ઇલાકાનો વહીવટ ગવર્નર-ઇન-કાઉન્સિલ મારફતે કરવામાં આવતો હતો. ગુજરાતના ઉપર્યુક્ત પાંચ જિલ્લા બ્રિટિશ પ્રદેશ તરીકે ઓળખાતા હતા. બ્રિટિશ સરકારે 1860માં આવકવેરો શરૂ કર્યો. તેની સામે સૂરતના 2000થી વધુ વેપારીઓએ અને વસઈના લોકોએ હડતાળ પાડી, ધરપકડ વહોરી તથા જેલની સજા ભોગવીને વિરોધી આંદોલન ચલાવ્યું હતું. 1861માં અમેરિકામાં આંતરવિગ્રહ શરૂ થયો. ગુજરાતના વેપાર-ઉદ્યોગ પર એની સારીનરસી અસરો થઈ હતી. સરકારે 1878માં લાઇસન્સ ટૅક્સ નામનો નવો કર નાખ્યો. સૂરતમાં તેની વિરુદ્ધ આંદોલન થયું. વેપારીઓએ પાંચ દિવસ હડતાળ પાડી. સરકારે દમનનીતિ આચરી, ગોળીબાર કર્યા તેમાં ત્રણ જણા માર્યા ગયા અને કેટલાક ઘવાયા. લોકોએ ધરપકડ વહોરી અને જેલની સજા ભોગવી. બ્રિટિશ સરકાર દ્વારા 1834માં અમદાવાદમાં અને તે પછી સૂરત, ભરૂચ, ખેડા, નડિયાદ વગેરે નગરોમાં સુધરાઈઓ શરૂ કરવામાં આવી. 1879 પછીનાં વરસોમાં કેળવણી તથા સ્થાનિક સ્વરાજ્યના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
શિવપ્રસાદ રાજગોર
ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામ
ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ ઓગણીસમી સદીમાં શરૂ થઈ. કવિ નર્મદે ગુજરાતમાં દેશભક્તિની જ્યોત જગાવી. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘સ્વતંત્રતા’ નામના અખબારે દેશભક્તિનો પ્રચાર કર્યો. દાદાભાઈ નવરોજીએ મુંબઈ અને ગુજરાતમાં આર્થિક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગ્રત કરી. 1871માં સૂરત તથા ભરૂચમાં અને 1872માં અમદાવાદમાં ‘પ્રજાસમાજ’ નામની રાજકીય સંસ્થા સ્થપાઈ. 1882માં ડૉ. હરિ હર્ષદ ધ્રુવ અને ઊકાભાઈ પરભુદાસે ‘પ્રજાહિતવર્ધક સભા’ સ્થાપી. 1884માં અમદાવાદમાં ‘ગુજરાત સભા’ની સ્થાપના કરવામાં આવી. તેના આગેવાનો રમણભાઈ નીલકંઠ,
ડૉ. બેન્જામિન, હરિલાલ દેસાઈભાઈ તથા વકીલ ગોવિંદરાવ પાટીલ હતા. તે સભા અરજીઓ દ્વારા લોકોના પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન દોરતી. ગુજરાતમાં સ્વદેશીનો પ્રચાર ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી શરૂ થયો. 1876માં અંબાલાલ સાકરલાલ દેસાઈએ અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી સ્થાપી. તેના અન્ય આગેવાનો રણછોડલાલ છોટાલાલ, પ્રેમાભાઈ હિમાભાઈ, મણિભાઈ જશભાઈ વગેરે હતા. 1885ના ડિસેમ્બરમાં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો. મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગુજરાતી સંસ્થા ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં મળ્યું. તેમાં સૂરતના 6, અમદાવાદના 3, વીરમગામના 1 તથા મુંબઈના 18માંથી મોટાભાગના પ્રતિનિધિઓ ગુજરાતી હતા. કાગ્રેસમાં આગેવાન ગુજરાતીઓ દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડૉ. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ સાકરલાલ દેસાઈ વગેરે હતા. 1902માં અમદાવાદમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું તે ગુજરાત સભાને આભારી હતું. તેની સ્વાગત સમિતિના પ્રમુખ અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. આ અધિવેશને અમદાવાદની જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર કર્યો.
1903માં અમદાવાદમાં સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી દ્વારા સ્વદેશી ચળવળને વેગ આપવામાં આવ્યો. બંગાળમાં 1905માં સ્વદેશીની ચળવળ શરૂ થયા બાદ ‘સ્વદેશી મિત્રમંડળ’ સ્થાપવામાં આવ્યું, તેણે ‘સ્વદેશી કીર્તનસંગ્રહ’ પ્રગટ કર્યો. 1906માં અમદાવાદમાં ગાંધી માર્ગ પરના એક મકાનમાં સ્વદેશીની ચળવળ અંગે ભરાયેલી સભામાં, આશરે 50 વિદ્યાર્થીઓમાં બંગાળીઓ પણ હતા. તેમાં પ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીતનું ગુજરાતી રૂપાંતર ગાવામાં આવ્યું. તે સભામાં બૅરિસ્ટર જીવણલાલ દેસાઈએ આ ચળવળમાં બંગાળીઓના જુસ્સાની પ્રશંસા કરી. 1909માં સ્વદેશી મિત્રમંડળે અમદાવાદમાં સ્વદેશી સ્ટોર શરૂ કર્યો. તેનું સંચાલન કૃપાશંકર પંડિત કરતા હતા. 1907માં સૂરતમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે ત્રિભોવનદાસ માળવી સ્વાગત સમિતિના પ્રમુખ હતા. તેમાં વડોદરાના પ્રોફેસર ટી. કે. ગજ્જરે મવાળ અને જહાલ જૂથ એક થાય તે માટે પ્રયાસો કર્યા હતા.
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા વડોદરાની કૉલેજના પ્રોફેસર અરવિંદ ઘોષ પાસેથી મળી. આ સમયે કચ્છી-ગુજરાતી શ્યામજી કૃષ્ણવર્માએ 1905માં લંડનમાં ‘ધી ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ નામનું માસિક શરૂ કરીને તથા ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપીને ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિનો પ્રચાર કરવા માંડ્યો. લીંબડીના સરદારસિંહ રાણા તથા માદામ ભિખાઈજી કામા પણ પૅરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રચાર કરતાં હતાં. ખેડા જિલ્લાના નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે બંગાળી પુસ્તક ‘મુક્તિ કૌન પથેર’નો ગુજરાતીમાં અનુવાદ કરી ‘વનસ્પતિની દવાઓ’, ‘યદુકુળનો ઇતિહાસ’ વગેરે નામે પ્રગટ કરી, તેમાં બૉમ્બ બનાવવાની રીતો વર્ણવી. કઠલાલના મોહનલાલ કામેશ્વર પંડ્યા અને વકીલ પૂંજાભાઈ ભટ્ટ, વલભીપુરના બેચરદાસ પંડિત, મક્ધાજી દેસાઈ, કૃપાશંકર પંડિત વગેરે આ પ્રવૃત્તિમાં સક્રિય હતા. 13 નવેમ્બર, 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહારથી જતી વાઇસરૉય લૉર્ડ મિન્ટોની બગી ઉપર બે બૉમ્બ નાખવામાં આવ્યા. તેમાં બેઠેલાં લૉર્ડ અને લેડી મિન્ટો બચી ગયાં; પરંતુ પાછળથી થયેલા બૉમ્બના ધડાકાથી એક સફાઈ કામદાર મરણ પામ્યો. આ બનાવ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓને પકડવામાં સરકારને નિષ્ફળતા મળી. 1929માં અમદાવાદમાં એક દરજીના મકાનમાં બૉમ્બ ફૂટ્યો હતો. 1933માં અમદાવાદમાં બે વિદેશી કાપડની દુકાનો ઉડાવી દેવા એકઠા કરેલા રાસાયણિક પદાર્થો એક મકાનમાંથી મળી આવ્યા હતા.
અમદાવાદમાં થિયૉસૉફિસ્ટ મગનભાઈ ચતુરભાઈ પટેલે ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા સ્થાપી. નડિયાદ, સૂરત, ઉમરેઠ, ભરૂચ, ગોધરા વગેરે સ્થળોએ હોમરૂલ લીગની શાખાઓ સ્થાપવામાં આવી. ખેડા જિલ્લામાં હોમરૂલ લીગની 86 શાખાઓ સ્થપાઈ હતી. અમદાવાદની આસપાસનાં ગામોમાં હોમરૂલ(સ્વરાજ)નો પ્રચાર કરવા સભાઓ યોજવામાં આવી હતી. ગુજરાતમાં હોમરૂલનો પ્રચાર કરવા મુંબઈથી ‘બૉમ્બે ક્રૉનિકલ’ના તંત્રી બી. જી. હૉર્નિમૅન, જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ મુનશી વગેરે નેતાઓ ગુજરાતનાં શહેરોમાં જઈને ભાષણો કરતા. એની બેસન્ટે ફેબ્રુઆરી–માર્ચ, 1918માં ગુજરાતનો પ્રવાસ ખેડી ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં સભાઓ યોજી પ્રચાર કર્યો હતો. મુંબઈમાં જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા, શંકરલાલ બૅંકર, મનસુખરામ માસ્તર, રતનજી શેઠ વગેરે ગુજરાતીઓ હોમરૂલ લીગના અગ્રણીઓ હતા. આ ચળવળ દરમિયાન ગુજરાતના લોકોમાં રાજકીય જાગૃતિ આવી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત આવ્યા અને 1915ના મેની 25મીએ અમદાવાદમાં કોચરબમાં બૅરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. વીરમગામ જંક્શને જકાત વગેરેની તપાસમાં મુસાફરોને ત્રાસ વેઠવો પડતો. ગાંધીજીએ તે અંગે સરકારને લખ્યું. વાઇસરૉય ચેમ્સફર્ડને વીરમગામની જકાતબારીની પ્રજાની હાડમારી અંગે વાત કરી. સરકારે એ જકાત રદ કરી.
આ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. અમદાવાદના મિલમાલિકોને ઘણો નફો થતો હતો. વિશ્વયુદ્ધને કારણે મોંઘવારી વધી હતી. તેથી મિલમજૂરોએ 35 ટકા પગારવધારાની માગણી કરી. મિલમાલિકોએ મજૂરોની માગણી નહિ સ્વીકારતાં ગાંધીજીએ તેમને પંચ નીમવા વીનવ્યા. માલિકોએ તેનો અસ્વીકાર કરતાં ગાંધીજીએ મજૂરોને હડતાળ પાડવાની સલાહ આપી. હડતાળિયા મજૂરોની સભા રોજ ભરાતી. તેમાં ગાંધીજી મજૂરોને તેમણે લીધેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવી, શાંતિ જાળવવાની તથા સ્વમાન સાચવવાની આવશ્યકતા સમજાવતા. એકવીસ દિવસ ચાલેલી આ હડતાળ દરમિયાન મજૂરો ડગવા લાગ્યા; તેથી ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. છેવટે આનંદશંકર ધ્રુવ પંચ તરીકે નિમાયા અને હડતાળ છૂટી. ગાંધીજીને ત્રણ જ ઉપવાસ કરવા પડ્યા. પંચના ચુકાદા મુજબ મજૂરોને 35 ટકાનો પગારવધારો મળ્યો. હડતાળ દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહી. આ ‘ધર્મયુદ્ધ’માંથી મજૂરો અને માલિકોએ પંચ દ્વારા ઝઘડાનો નિકાલ કરવાની પ્રેરણા મેળવી અને 1920માં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના થઈ.
1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવા છતાં અધિકારીઓએ ખેડૂતોનું મહેસૂલ માફ કર્યું નહિ. છ આની પાક થાય તો અર્ધું મહેસૂલ અને ચાર આની પાક થાય તો પૂરું મહેસૂલ મુલતવી રાખવાનો નિયમ હતો. તે વરસે 600 ગામોમાંથી એક જ ગામનું આખું અને 104 ગામોનું અર્ધું મહેસૂલ અધિકારીઓએ મુલતવી રાખ્યું. કઠલાલના મોહનલાલ કામેશ્ર્વર પંડ્યા અને શંકરલાલ દ્વા. પરીખે બાવીસ હજાર ખેડૂતોની સહીઓવાળી અરજીઓ મુંબઈ સરકારને મોકલીને મહેસૂલ મુલતવી રાખવા જણાવ્યું. તેમણે અનેક ઠરાવો પસાર કરી અધિકારીઓને મોકલી આપ્યા. વિઠ્ઠલભાઈ પટેલ અને ગોકળદાસ પારેખે વીસેક ગામોની તપાસ કરી, કલેક્ટર સમક્ષ રજૂઆત કરી પણ તેઓ નિષ્ફળ ગયા. ગુજરાત સભાના મંત્રીઓ કમિશનરને મળ્યા, પરંતુ તેણે સારો વર્તાવ ન દાખવ્યો. ગાંધીજી ચંપારણથી આવ્યા બાદ જિલ્લાના કાર્યકરો તેમને મળ્યા. ગાંધીજીએ કાર્યકરોને પાકની માહિતી લેવા મોકલ્યા. ગાંધીજીએ અને વલ્લભભાઈએ પણ ત્રીસ-ત્રીસ ગામોની તપાસ કરી. આમ 425 ગામોની તપાસના હેવાલો પરથી ગાંધીજીએ કલેક્ટરને પત્ર લખી જે ગામોમાં ચાર આનીથી ઓછો પાક હોય ત્યાં મહેસૂલ મુલતવી રાખવા માગણી કરી. પરંતુ અમલદારો જીદે ચડ્યા હોવાથી લડત શરૂ કરવી પડી. નડિયાદમાં ખેડૂતોની સભામાં ગાંધીજીએ સત્યાગ્રહની અનિવાર્યતા, તે માટે લેવાની પ્રતિજ્ઞા, જાનમાલનું જોખમ, જેલમાં જવાની તૈયારી વગેરે બાબતો સમજાવી. ગાંધીજી, વલ્લભભાઈ તથા જિલ્લાના કાર્યકરોએ ખેડૂતોનો જુસ્સો જાળવી રાખ્યો. સરકારની ધમકીઓ, જપ્તીઓ તથા જુલમ સામે ખેડૂતો અણનમ રહ્યા. શંકરલાલ પરીખની જમીનનું મહેસૂલ તેમના ખેડૂતે તેમને પૂછ્યા વિના ભરી દેવાથી એ જમીન શંકરલાલે સાર્વજનિક ઉપયોગ માટે આપી દીધી. માતર તાલુકાના નવાગામમાં ખાલસા કરેલાં ખેતરોમાંના એક ખેતરનો નોટિસમાં ઉલ્લેખ ન હતો. ગાંધીજીની સલાહ મુજબ તેમાંનો ડુંગળીનો પાક ઉતારી લેવા ગયેલ મોહનલાલ પંડ્યા અને ખેડૂતોની પોલીસે ધરપકડ કરી. તેમને જેલની સજા કરવામાં આવી. સજા પૂરી થયા બાદ લોકોએ તેમનું સન્માન કરી મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નો ખિતાબ આપ્યો. છેવટે સુખી ખેડૂતો મહેસૂલ ભરે તો ગરીબ ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવાની શરતે સમાધાન થયું. આ લડતથી ખેડૂતોમાં જાગૃતિ અને નીડરતા આવ્યાં તથા લોકોને વલ્લભભાઈ જેવા મહાન નેતા મળ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ, હિંદ સંરક્ષણ ધારાની મુદત પૂરી થતી હોવાથી ક્રાંતિકારી ચળવળને દબાવી દેવા માટેની સત્તા હાથ ધરવા સરકારે 1919માં રૉલેટ કાયદા પસાર કર્યા. આ ‘કાળા કાયદા’ વિરુદ્ધ લોકમત કેળવીને ગાંધીજીએ 30 માર્ચના રોજ પ્રાર્થના, ઉપવાસ અને હડતાળ પાડવાનો લોકોને અનુરોધ કર્યો. પાછળથી તે તારીખ બદલીને 6 એપ્રિલ નક્કી કરવામાં આવી. ગુજરાતમાં 6 એપ્રિલના દિવસે અમદાવાદ અને નડિયાદમાં હડતાળ પડી. અમદાવાદ, સૂરત, અમલસાડ તથા નડિયાદમાં સરઘસો કાઢીને સભાઓમાં રૉલેટ કાયદાનો વિરોધ કરતાં ભાષણો તથા ઠરાવો કરવામાં આવ્યાં. 10 એપ્રિલના રોજ ગાંધીજીની ધરપકડના સમાચાર અને અનસૂયાબહેન સારાભાઈની ધરપકડની અફવા અમદાવાદમાં ફેલાવાથી મિલમજૂરોએ હડતાળ પાડીને દુકાનો બંધ કરાવી. બીજે દિવસે લોકોનાં ટોળાંએ સરકારી અને મ્યુનિસિપાલિટીનાં મકાનોનો નાશ કર્યો. એક યુરોપિયન સાર્જન્ટને મારી નાખ્યો. શહેરમાં લશ્કર બોલાવવા છતાં આગના બનાવો ચાલુ રહ્યા. ગોળીબારથી 28 માણસો મરણ પામ્યા અને 123થી વધારે ઘવાયા. વીરમગામમાં લોકોનાં ટોળાંએ સરકારી મકાનોને આગ લગાડી. પોલીસના ગોળીબારમાં છ માણસો માર્યા જવાથી ગોળીબારનો હુકમ આપનાર હિંદી અધિકારીને સળગાવી દીધો. લોકોએ રેલવેનાં વૅગનો અને સરકારી તિજોરીમાં લૂંટ કરી. મુંબઈથી ગોરા લશ્કરની ટ્રેનને અમદાવાદ જતી અટકાવવા નડિયાદના યુવાનોએ રેલના પાટા ઉખાડી નાખ્યા. આણંદમાં 13 એપ્રિલે લોકોએ હડતાળ પાડી, અંગ્રેજ સ્ટેશન માસ્તર તથા વેન્ડરનાં મકાનો બાળી નાખ્યાં. ગાંધીજીએ અમદાવાદ આવી, હિંસાના પ્રાયશ્ચિત્તરૂપે ત્રણ દિવસના ઉપવાસ કરી, શાંતિ સ્થાપી. અમદાવાદમાં 217 માણસો ઉપર કેસ કરીને 106 જણને સજા કરવામાં આવી. વીરમગામમાં 50 માણસો ઉપર કેસ કરીને 27 જણને સજા કરવામાં આવી. ગાંધીજી નડિયાદ ગયા. ત્યાં તેમને લાગ્યું કે લોકોને કાયદાનો સવિનયભંગ કરવા નોતરવામાં ઉતાવળ કરી તે ‘હિમાલય જેવડી ભૂલ’ હતી. સરકારે મિ. હંટરના અધ્યક્ષપદે ડિસઑર્ડર ઇન્ક્વાયરી કમિટી નીમીને તોફાનોની તપાસ કરાવી.
1919માં ગાંધીજીએ ‘નવજીવન’ તથા ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિકો પ્રગટ કરીને પ્રજાને સત્યાગ્રહની તાલીમ આપવા માંડી.
ખિલાફત, પંજાબના અત્યાચારો અને અધૂરા મૉન્ટફર્ડ સુધારાને કારણે અસહકારના આંદોલનનો 1 ઑગસ્ટ, 1920થી આરંભ કરવામાં આવ્યો. 1920ના સપ્ટેમ્બરમાં મળેલી કૉંગ્રેસની બેઠકમાં અસહકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તેમાં સરકારી ખિતાબો, સરકારી શિક્ષણ, સરકારી નોકરીઓ તથા વકીલો દ્વારા અદાલતોનો ત્યાગ, ધારાસભાઓ અને વિદેશી માલનો બહિષ્કાર તથા દારૂબંધી અને અસ્પૃશ્યતાનિવારણ સાથે ખાદી અને રેંટિયાને અપનાવી સ્વદેશી માલ વાપરવાનો અનુરોધ કરવામાં આવ્યો. ગુજરાતમાં પણ આ કાર્યક્રમો ચાલતા હતા.
18 ઑક્ટોબર, 1920ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપવામાં આવી. અમદાવાદની મૉડેલ હાઈસ્કૂલ, પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને સિટી હાઈસ્કૂલ; આણંદની ડી. એન. હાઈસ્કૂલ, ભરૂચની યુનિયન હાઈસ્કૂલ, સૂરતની સિટી હાઈસ્કૂલ અને ગોધરાની ન્યૂ હાઈસ્કૂલે સરકાર સાથેનો સંબંધ તોડી નાખ્યો. વડોદરા, રાજકોટ, ભાવનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા રાજ્યોમાં પણ સરકારી કેળવણીનો બહિષ્કાર થયો. અમદાવાદ, સૂરત અને વડોદરાની કૉલેજોના કેટલાક અધ્યાપકોએ રાજીનામાં આપ્યાં. ગુજરાત કૉલેજના 35 વિદ્યાર્થીઓએ કૉલેજનો ત્યાગ કર્યો. સૂરતની હાઈસ્કૂલોના 890 વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલો છોડી.
અમદાવાદમાં વલ્લભભાઈ પટેલ, કૃષ્ણલાલ દેસાઈ, ગ. વા. માવળંકર, કાલિદાસ ઝવેરી સહિત નડિયાદ, ગોધરા, સૂરત અને મોડાસાના વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. ગાંધીજીએ ‘કૈસરે હિંદ’નો સુવર્ણપદક વાઇસરૉયને પરત કર્યો. ખેડા, સૂરત અને પંચમહાલ જિલ્લાના અનેક તલાટીઓએ રાજીનામાં આપ્યાં. વિદેશી કાપડની દુકાનો પર સ્વયંસેવિકાઓએ પિકેટિંગ કર્યું અને વિદેશી કાપડની હોળી કરવામાં આવી. 1921માં ગાંધીજીએ ‘એક વર્ષમાં સ્વરાજ’નો નાદ દેશભરમાં ફેલાવ્યો. ડિસેમ્બર, 1921માં અમદાવાદમાં ભરાનાર કૉંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ હતા. તેમાં સવિનય કાનૂનભંગનો ઠરાવ કરવામાં આવ્યો. અને બારડોલી તાલુકામાં નાકરની લડત શરૂ કરવાનું ઠરાવ્યું. આ દરમિયાન ઢસાના દરબાર ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈએ ગાદીત્યાગ કરીને દેશભક્તિનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું. સૂરત જિલ્લાના નેતાઓ દયાળજીભાઈ, કલ્યાણજી મહેતા તથા પરાગજીભાઈએ અને ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈ(છોટે સરદાર)એ પોતાની સમગ્ર મિલકત દેશને અર્પણ કરી. ખાદીના પ્રચારમાં સ્ત્રીઓ, જ્ઞાતિપંચો, સાધુસંતો અને ધર્મગુરુઓએ ભાગ લીધો. દારૂનિષેધ માટે સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પિકેટિંગ કર્યું. તેમાં સમાજના બધા વર્ગોએ સહકાર આપ્યો. અમદાવાદ, નડિયાદ, સૂરત, જંબુસર અને બોરસદની મ્યુનિસિપાલિટીઓએ રાષ્ટ્રીય શિક્ષણના ઠરાવો કર્યા. હિંદુ-મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતાનિવારણના ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ. ટિળક સ્વરાજ ફાળામાં દેશી રાજ્યો સહિતના ગુજરાતે રૂ. 15 લાખનો ફાળો આપ્યો; પરંતુ મુંબઈ અને ચૌરીચૌરામાં થયેલી હિંસાના કારણે આ ચળવળ બંધ કરવામાં આવી.
13 એપ્રિલ, 1923ના રોજ નાગપુરમાં સિવિલ લાઇન્સમાં ધ્વજ સહિતના સરઘસને પ્રવેશવા ન દેતાં, શરૂ થયેલા ઝંડા સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી. તેમાં મોહનલાલ પંડ્યા, પરીક્ષિતલાલ મજમુદાર, સૂરતના ડૉ. ઘિયા, ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ ગુજરાતના સત્યાગ્રહીઓની ટુકડીઓએ ધરપકડ વહોરી જેલવાસ વેઠ્યો.
બોરસદ તાલુકામાં બહારવટિયાઓને પકડવામાં નિષ્ફળ ગયેલી સરકારે ત્યાં મૂકેલી વધારાની પોલીસનો ખર્ચ વસૂલ કરવા લોકો ઉપર નાખેલા રૂ. 2,40,074ના વધારાના કર સામે લડત આપવા દરબાર ગોપાળદાસના પ્રમુખપદે સંગ્રામ સમિતિ રચાઈ. લોકોએ અન્યાયી કર નહિ ભરવાની પ્રતિજ્ઞા કરી અને એ માટે મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ તથા વલ્લભભાઈ પટેલે લોકોને અણનમ રાખ્યા. અમલદારોએ જપ્તીઓ દરમિયાન દમન કર્યું. છેવટે મુંબઈ ઇલાકાના ગૃહમંત્રીની ભલામણ મુજબ વધારાનો કર પાછો આપવાનું નિવેદન કરવામાં આવતાં, બોરસદ સત્યાગ્રહમાં પ્રજાનો વિજય થયો.
1928માં બારડોલી તાલુકામાં સરકારે મહેસૂલમાં 25 ટકાનો વધારો કર્યો અને 23 ગામોને ઉપલા વર્ગમાં ચડાવ્યાં. એટલે આખા તાલુકાનું મહેસૂલ 30 ટકા વધી ગયું. તાલુકાના આગેવાનો કલ્યાણજી મહેતા અને કુંવરજીભાઈની વિનંતીથી વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહની સરદારી સંભાળી. તેમની સૂચના મુજબ ડૉ. ચંદુલાલ દેસાઈ, રવિશંકર મહારાજ, મોહનલાલ પંડ્યા, ફૂલચંદ શાહ, બળવંતરાય મહેતા, ડૉ. ઘિયા, ડૉ. સુમન્ત મહેતા અને તેમનાં પત્ની શારદાબહેને આવીને જુદી જુદી છાવણીઓ સંભાળી લીધી. અબ્બાસ તૈયબજી અને ઇમામસાહેબે તાલુકાના મુસલમાનોને માર્ગદર્શન આપ્યું. વલ્લભભાઈએ તેમનાં જુસ્સાદાર ભાષણો દ્વારા લોકોમાં શૂરાતન સીંચ્યું. જમીનો ખાલસા અને મિલકતો જપ્ત થવા છતાં ખેડૂતોએ ખમીર જાળવી રાખ્યું. સમસ્ત દેશમાં લોકોએ ‘બારડોલી દિન’ ઊજવીને બારડોલી તાલુકાના ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. ગવર્નરની કાઉન્સિલના સભ્ય સર ચૂનીલાલ મહેતાના પ્રયાસોથી જપ્ત થયેલી જમીનો પાછી આપવી, સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવા, બરતરફ તલાટીઓને નોકરીમાં લેવા તથા તપાસ સમિતિ નિમાય તે પછી મહેસૂલ ભરવું એ રીતે સમાધાન થયું. ખેડૂતોનો જ્વલંત વિજય થયો. આ લડતમાં સફળ નેતૃત્વ કરવા બદલ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નો ખિતાબ લોકો તરફથી મળ્યો. તપાસ સમિતિએ સૂચવેલ મહેસૂલથી ખેડૂતોને લાભ થયો.
12 ઑક્ટોબર, 1928ના રોજ સાઇમન કમિશન બીજી વાર મુંબઈ આવ્યું ત્યારે અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને હડતાળ પાડીને સત્રાંત પરીક્ષા ન આપી. કૉલેજના આચાર્ય શીરાઝે તેમની સામે વેરવૃત્તિ રાખી તેથી રોહિત મહેતા(પાછળથી જાણીતા થિયૉસૉફિસ્ટ)ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ 39 દિવસની હડતાળ પાડી. સરદાર પટેલ, આચાર્ય કૃપાલાની, ગ. વા. માવળંકર, ડૉ. હરિપ્રસાદ દેસાઈ તથા ડૉ. કાનૂગોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ગાંધીજીએ વિદ્યાર્થીઓની હડતાળને ન્યાયી ગણાવી, 30 જાન્યુઆરી, 1929ના રોજ દેશનાં અનેક શહેરોની કૉલેજોએ હડતાળ પાડીને ‘અખિલ ભારત ગુજરાત કૉલેજ દિન’ ઊજવી શીરાઝના પગલાને ધિક્કાર્યું. ગવર્નર-જનરલ લૉર્ડ અર્વિનની સૂચનાથી વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારાવાથી હડતાળનો અંત આવ્યો.
1929માં લાહોરમાં મળેલા કૉંગ્રેસના અધિવેશને સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ કર્યો. તે મુજબ 26 જાન્યુઆરી, 1930નો દિવસ દેશમાં સૌપ્રથમ વાર સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવાયો. 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સહિત સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી. દરરોજ સાંજે જુદા જુદા ગામે ભરાતી સભામાં ગાંધીજી દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ અને ખાદીના પ્રચાર સાથે સરકારી નોકરીનો ત્યાગ કરવાનો બોધ આપતા. 6 એપ્રિલે દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો. તે પછી સમગ્ર દેશમાં સવિનય કાનૂનભંગ શરૂ થયો. 5 મેના રોજ ગાંધીજીની ધરપકડ થઈ. સૂરત જિલ્લાના ધરાસણામાં ઇમામસાહેબના નેતૃત્વ હેઠળ મીઠાના અગરો પર ધાડ પાડવા ગયેલા સત્યાગ્રહીઓ ઉપર નિર્દયતાથી લાઠીમાર કરવામાં આવ્યો તેની દેશવિદેશનાં વર્તમાનપત્રોએ નોંધ લીધી. બારડોલી અને બોરસદ તાલુકામાં નાકરની લડત ચાલી. બારડોલી તાલુકાનાં ચાર હજાર ખેડૂત કુટુંબોએ પાંચ મહિના સુધી હિજરત કરી. ચરોતરના રાસ ગામના ખેડૂતોએ મહેસૂલ ન ભર્યું અને હિજરત કરી નાકરની લડતને સફળ બનાવી. ધોલેરા અને વીરમગામ પણ મીઠાના કાયદાભંગનાં કેન્દ્રો બન્યાં. ગાંધી-અર્વિન કરાર (માર્ચ, 1931) બાદ લંડનમાં બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી પાછા ફર્યા બાદ 1932માં કૉંગ્રેસના નેતાઓની ધરપકડ થતાં લોકોએ બમણા વેગથી લડત આરંભી. ગુજરાતમાંથી હજારો સત્યાગ્રહીઓ જેલમાં ગયા. લોકોએ ચળવળ ચાલુ રાખી અને સરકારના દમનનો ભોગ બન્યા. ઑગસ્ટ, 1932માં કોમી ચુકાદો જાહેર થતાં ગાંધીજીએ તેના વિરોધમાં ઉપવાસ કર્યા અને હરિજનોને હિંદુઓથી અલગ ગણાતા અટકાવ્યા, તે પછી દેશભરમાં અછૂતોદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી.
1938–39નાં વર્ષો દરમિયાન ગુજરાતનાં દેશી રાજ્યોમાં પ્રજામંડળો સ્થપાયાં. ઉત્તર ગુજરાતના માણસા રાજ્યમાં દરબારે ખેડૂતોના જમીન પરના હક નાબૂદ કરી જુલમ કર્યો. તેથી ખેડૂતોએ જાન્યુઆરી, 1938થી મહેસૂલ ભરવાનું બંધ કરી સત્યાગ્રહ શરૂ કર્યો. લોકોએ દરબારનો બહિષ્કાર કર્યો. છેવટે સરદાર પટેલે માણસાના દીવાન સાથે બંને પક્ષને ન્યાય થાય એવું સમાધાન કર્યું. રાજકોટના રાજા ધર્મેન્દ્રસિંહના અમલ દરમિયાન દીવાન વીરાવાળાએ અનેક કરવેરા લાદ્યા, ઇજારા આપ્યા તથા જુલમ કર્યો. ઉછરંગરાય ઢેબરે તે સામે લોકોને જાગ્રત કરતાં તેમને જેલમાં પૂરવામાં આવ્યા. રાજ્યની મિલના કામદારોએ 14 કલાક લેવાતા કામ વિરુદ્ધ લડત આપી વિજય મેળવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો. સરદાર પટેલની દોરવણી મુજબ લોકોએ જુલમ સામે લડત ચાલુ રાખી. સરદાર સાથે થયેલા સમાધાનનો વીરાવાળાએ ભંગ કરતાં ગાંધીજીએ તે સામે 3 માર્ચ, 1939થી ઉપવાસ કર્યા. છેવટે સમાધાન થયા બાદ વીરાવાળાએ એને નિષ્ફળ કરવાના પ્રયાસો કર્યા. પરંતુ પ્રજાનું ઘડતર થયું અને જાગૃતિ આવી એ મોટો લાભ થયો. લીંબડીમાં 24 ડિસેમ્બર, 1938ના રોજ રસિકલાલ પરીખે પ્રજામંડળની સ્થાપના કરી. ત્યાંના દરબારે પ્રજામંડળના કાર્યકરો સામે જુલમ કરીને ભયનું વાતાવરણ ફેલાવ્યું. એનાથી ત્રાસીને 13,000 માણસોએ હિજરત કરી. તે દરમિયાન વૃદ્ધ રાજાનું અને યુવરાજનું અવસાન થતાં અંગ્રેજ વહીવટદાર નિકલસન સાથે સમાધાન કરી, લડત બંધ કરવામાં આવી. આ દરમિયાન વડોદરા રાજ્યમાં પ્રજામંડળ દ્વારા 1940માં જવાબદાર પ્રધાનમંડળ રચવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ સ્થપાયા બાદ ખાખરેચી, મોરબી, ધ્રાંગધ્રા, વણોદ, જામનગર, પાલિતાણા, વળા તથા રાજકોટ મુકામે સત્યાગ્રહ થવાથી લોકોમાં નવીન ચેતનાનો સંચાર થયો.
ભારતના લોકોની સંમતિ વિના ભારતને બીજા વિશ્વયુદ્ધમાં જોડાયેલ દેશ તરીકે જાહેર કરવાના સરકારના પગલા વિરુદ્ધ પ્રાંતોમાંથી કાગ્રેસી પ્રધાનમંડળોએ નવેમ્બર, 1939માં રાજીનામાં આપ્યાં. રામગઢ કૉંગ્રેસના ઠરાવ મુજબ યુદ્ધના વિરોધનો પ્રચાર કરવા વ્યક્તિગત સત્યાગ્રહ કરવા માટે ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેને પસંદ કર્યા. વિનોબાએ 17 ઑક્ટોબર, 1940ના રોજ પવનાર ગામે યુદ્ધવિરોધી પ્રવચન કરી સત્યાગ્રહનો આરંભ કર્યો. ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈ તથા સૂરતના કનૈયાલાલ દેસાઈની તેઓ સત્યાગ્રહ કરે તે પહેલાં ધરપકડ કરવામાં આવી. 3 માર્ચ, 1941 સુધીમાં 296 સત્યાગ્રહીઓની ધરપકડ થઈ અને રૂ. 6,150નો દંડ કરવામાં આવ્યો. આ લડત દરમિયાન નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ હડતાળો પાડી. શાળા-કૉલેજો, બજારો, મિલો વગેરે બંધ રાખ્યાં તથા ધરપકડોનો વિરોધ કરવા જાહેર સભાઓમાં મોટી સંખ્યામાં હાજરી આપી.
મુંબઈમાં મળેલી કૉંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઑગસ્ટે ‘હિંદ છોડો’નો ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો. 9 ઑગસ્ટની વહેલી સવારે મુંબઈમાં દેશનેતાઓ સહિત અમદાવાદમાં ગ. વા. માવળંકર, ભોગીલાલ લાલા, અર્જુન લાલા સહિત 17; સૂરતમાં ચંપકલાલ ઘિયા, છોટુભાઈ મારફતિયા સહિત 40; વડોદરામાં છોટુભાઈ સુતરિયા, પ્રાણલાલ મુનશી સહિત 21 તથા પંચમહાલ, ભરૂચ, ખેડા જિલ્લા અને સૌરાષ્ટ્રમાંથી વામનરાવ મુકાદમ, માણેકલાલ ગાંધી, દિનકરરાય દેસાઈ, બળવંતરાય મહેતા, ઉછરંગરાય ઢેબર વગેરે કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. ગુજરાતમાં પ્રાંતિક, જિલ્લા અને તાલુકા કૉંગ્રેસ સમિતિઓ ગેરકાયદે જાહેર કરવામાં આવી.
9 ઑગસ્ટથી અમદાવાદની મિલો, બજારો, શાળાઓ તથા કૉલેજોમાં હડતાળો પડી. અમદાવાદનાં બધાં બજારો તથા અમદાવાદ અને સૂરતની કાપડની મિલોમાં 105 દિવસની હડતાળ પડી, જે આખા દેશ માટે અદ્વિતીય ઘટના હતી. ગુજરાતનાં અનેક શહેરો તથા ગામોમાં હડતાળો પડી. 9મીએ અમદાવાદમાં ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા મરણ પામ્યો. લૉ કૉલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનું સરઘસ ગુજરાત કૉલેજમાં પ્રવેશતાં વિનોદ કિનારીવાલા સામી છાતીએ, ગોળીબારથી શહીદ થયો. વિદ્યાર્થીઓ સભા-સરઘસોમાં જોડાતા, તાર-ટેલિફોનનાં દોરડાં કાપતા, પત્રિકાઓ વહેંચતા, રસ્તામાં અંતરાયો મૂકતા તથા પોલીસો ઉપર પથ્થરમારો કરતા. વડોદરાથી 34 વિદ્યાર્થીઓ આણંદ પાસેનાં ગામોમાં લડતનો પ્રચાર કરીને પાછા ફરતા હતા ત્યારે, 18 ઑગસ્ટની સાંજે અડાસ સ્ટેશન પાસે પોલીસે તેમના ઉપર ગોળીબાર કરવાથી, ત્રણ જણ તરત અને બે જણ પાછળથી મરણ પામ્યા અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ. અમદાવાદ, વડોદરા, સૂરત, ભાવનગર, મહેસાણા સહિત અનેક સ્થળે સરઘસોમાંથી અનેક માણસોની ધરપકડો કરવામાં આવી. ગુજરાતમાં અનેક સ્થળેથી પ્રગટ થતી ગુપ્ત પત્રિકાઓમાં ચળવળના સમાચાર તથા કાર્યક્રમ આપવામાં આવતો. ગાંધીજી ગુપ્ત પ્રવૃત્તિના વિરોધી હોવા છતાં અમદાવાદમાં બી. કે. મજમુદાર, જયંતી ઠાકોર, કાંતિલાલ ઘિયાએ; ભરૂચ જિલ્લામાં છોટુભાઈ પુરાણીએ તથા સૌરાષ્ટ્રમાં રતુભાઈ અદાણીએ ગુપ્ત સંગઠન સાધી, અચ્યુત પટવર્ધનનું માર્ગદર્શન મેળવી ભાંગફોડની પ્રવૃત્તિની યોજના ઘડી. અમદાવાદમાં ‘આઝાદ સરકાર’ની રચના કરી. ‘જયાનંદ’ નામથી જયંતી ઠાકોરને શહેરસૂબા બનાવવામાં આવ્યા. બી. કે. મજમુદાર શ્રીમંતો પાસેથી નાણાં મેળવી આપતા. ઉપરાંત ફાળો કરીને કે લૂંટ દ્વારા નાણાં મેળવી હથિયારો ખરીદવાં, બૉમ્બ બનાવવા તથા ગુપ્તવાસ સેવનારાના નિભાવાર્થે તેનો ઉપયોગ થતો.
અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ‘હિંદ છોડો’ ઠરાવને ટેકો આપ્યો, કચેરીઓ બંધ રાખી, સરકારના જુલમને વખોડી કાઢવાથી સરકારે સુધરાઈને બરતરફ કરી. કર્મચારીઓની હડતાળને કારણે કલેક્ટરે રાષ્ટ્રીય ધ્વજ ચડાવવાની પરવાનગી આપી, તે કર્મચારીઓનો જ્વલંત વિજય હતો. સરકારે સૂરત, વલસાડ, નડિયાદ અને ખેડાની સુધરાઈઓ તથા પંચમહાલ, સૂરત અને ખેડા જિલ્લા લોકલ બૉર્ડ તથા સ્કૂલ બૉર્ડનો વહીવટ સંભાળી લીધો.
કિશોરલાલ મશરૂવાળાએ 23 ઑગસ્ટના ‘હરિજન’ના અંકમાં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ પ્રગટ કર્યું. તેની લાખો પત્રિકાઓ સમગ્ર દેશમાં વહેંચવામાં આવી. તે મુજબ ગુજરાતમાં અનેક સ્થળે તાર-ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં. પોલીસ પાર્ટી, પોલીસવાન, પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો અને હડતાળ ન પાડતી દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો. પોળોમાં ઘૂસીને મારતા પોલીસો પર ઍસિડ ભરેલા બલ્બ નાખી, તેમને પોળોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. અમદાવાદમાં સરકારી કચેરીઓ, પોલીસ ચોકીઓ, સુધરાઈની શાળાઓને લોકોએ આગ લગાડી. સૂરત જિલ્લાનાં અનેક ગામોના ચૉરા, જલાલપુર તાલુકાની 19 પોસ્ટ ઑફિસો, ગોધરામાં શાળામંડળની કચેરી અને કેટલાંક ગામોના ચૉરાને આગ લગાડી દફતરો બાળવામાં આવ્યાં. ખેડા જિલ્લામાં પિજ ગામના વિઠ્ઠલભાઈ પટેલ સહિત યુવાનોએ ટપાલના થેલા લૂંટ્યા, તાર-ટેલિફોનનાં દોરડાં કાપ્યાં, રેલવેની ફિશ-પ્લેટો કાઢી કેટલાંક ગામોના ચૉરાઓને આગ લગાડી. નડિયાદમાં ચંપકલાલ શાહની આગેવાની હેઠળ યુવાનોએ આવકવેરા કચેરીનું દફતર બાળી નાખ્યું.
અમદાવાદમાં વિવિધ જૂથોએ બૉમ્બ બનાવી અરાજકતા ફેલાવવા પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો તથા સરકારી કચેરીઓ પર બૉમ્બ નાખ્યા. શહેરસૂબાની સૂચનાથી ગોવિંદભાઈ શિણોલ સૌરાષ્ટ્રમાંથી દારૂગોળો, રિવૉલ્વરો અને કારતૂસો ખરીદી લાવ્યા. પોલીસ ચોકી ઉપર નાખવા લઈ જતાં બૉમ્બ ફૂટવાથી નારણભાઈ પટેલ અને નાનજી પટેલ મરણ પામ્યા. રાયપુર, પીપરડીની પોળમાં રાસાયણિક બૉમ્બ બનાવતાં ધડાકો થવાથી નંદલાલ જોશી અને નરહરિ રાવળ મરણ પામ્યા. જમાલપુરમાં રસાયણોનું મિશ્રણ કરતાં ધડાકો થવાથી પી. કે. ચૌધરી અને શાંતિલાલ પટેલને ગંભીર ઈજાઓ થઈ. મનહર રાવળ, રામપ્રસાદ શાહ, બાલમુકુન્દ આચાર્ય વગેરે યુવાનોએ મિલો ખૂલે નહિ તે માટે 22 નવેમ્બર, 1942ની સાંજે પાંચ ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં 16 બૉમ્બ મૂક્યા. તેના ધડાકાથી અમદાવાદમાં અંધકાર થયો. પરંતુ એક જ કલાકમાં વીજળી ચાલુ થતાં યોજના નિષ્ફળ ગઈ. મામુનાયકની પોળમાં રાસાયણિક બૉમ્બ બનાવતાં ગોવિંદલાલ પટેલ અને બાબુલાલ શંકરલાલને ઈજાઓ થઈ.
સૂરત જિલ્લામાં બૉમ્બ ફૂટવાના 34 અને આગના 51 બનાવો બન્યા. જલાલપુર તાલુકામાં 30 ગામોના તલાટીઓનાં અને 40 ગામોની શાળાઓનાં દફતરો બાળી નાખવામાં આવ્યાં. ચીખલી, વડોદરા, મહેસાણા, સિદ્ધપુર, શિનોર તથા પંચમહાલ જિલ્લામાં મોરખલા, ઝાલોદ, વેજલપુર, અંબાલી અને હાલોલમાં બૉમ્બ ફૂટ્યા હતા. છોટુભાઈ પુરાણીએ પ્રકટ કરેલી ‘ગેરીલા વૉરફેર’ પુસ્તિકા મુજબ બૉમ્બ બનાવવામાં આવ્યા. ભરૂચ, નડિયાદ, ખેડા અને બોરસદમાં પણ બૉમ્બ ફૂટવાના બનાવો બન્યા. રાજકોટ, બોટાદ, જોરાવરનગર અને વાંકાનેરમાં બનાવેલા બૉમ્બના સૌરાષ્ટ્રમાં ધડાકા થયા હતા.
અમદાવાદમાં માદલપુર તથા કોચરબના ચૉરા તથા પંચમહાલ જિલ્લાનાં બોડીદરા, વાઘજીપુરા અને કુવાજર ગામોમાં લૂંટ કરવામાં આવી. હાલોલ તાલુકાના અંબાલી અને ભરૂચ જિલ્લાનાં વેડચ તથા સરભોણ પોલીસ સ્ટેશનો પર ચંદ્રશંકર ભટ્ટ, છોટુભાઈ પુરાણી, ગુણવંત પુરોહિત, જશવંત મહેતા વગેરેએ હુમલા કરી બંદૂકો, કારતૂસો વગેરેની લૂંટ કરી. ચંદ્રશંકર ભટ્ટ અને સાથીઓએ સૌરાષ્ટ્રમાં લખતર પાસે ટ્રેન અટકાવી સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયાની લૂંટ કરી. ખેડા જિલ્લામાં યુવાનોએ ટપાલના થેલામાંથી નાણાં લૂંટ્યાં. આ બધાં નાણાંનો ઉપયોગ લડત માટે કરવામાં આવ્યો. કરાડી પાસે ગોંસાઈભાઈ પટેલે પોલીસની રાઇફલ ખૂંચવી લઈ કેદી ડાહ્યાભાઈ કેસરીને છોડાવ્યા. ઉત્તર ગુજરાતમાં સઈજ ગામમાં પોલીસ ગોળીબારથી ઉશ્કેરાયેલા લોકોએ ચૉરાને આગ લગાડી તથા ચૉરામાંથી નાસતા ચાર પોલીસો ને ફોજદારને મારી નાખ્યા. વડોદરા રાજ્યના ચોરંદા ગામે અંબાલાલ ગાંધીના નેતૃત્વ હેઠળ લોકોએ રેલના પાટા ઉખાડી નાખ્યા. બારડોલી તાલુકાના લોકોએ બારડોલીથી ગંગાધરા સુધીના રેલના પાટા ઉખાડી, પુલોની ભાંગફોડ કરી. ઉત્તર ગુજરાતમાં કલોલ પાસે તથા સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે રેલવેની ફિશ-પ્લેટો કાઢી નાખવાથી માલગાડીના ડબા ઊથલી પડ્યા. આ રીતે ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ ચાલી હતી.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ કૅબિનેટ મિશન યોજના અનુસાર 1946માં વચગાળાની સરકાર રચવામાં આવી. લૉર્ડ માઉન્ટબૅટન ગવર્નર-જનરલ તરીકે આવ્યા, તેમની 3 જૂન, 1947ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું. 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત અને પાકિસ્તાન, બે સ્વતંત્ર રાજ્યોનો ઉદભવ થયો.
1 નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની અલગ રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડ્યું અને ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની નીચે આ માટે લડત શરૂ થઈ. 8મી ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં કૉંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યા. તેમાં ચાર યુવાનો માર્યા ગયા અને એક સો જેટલા ઘવાયા. નડિયાદ, આણંદ, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં હડતાળો પડી. થોડા દિવસોમાં ચળવળ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ સપ્ટેમ્બર, 1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા. સમગ્ર ગુજરાતમાં વિવિધ વર્ગોના લોકોએ ચળવળને ટેકો આપ્યો. અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. છેવટે માર્ચ, 1960માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો અને 1 મે, 1960થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી. ગાંધીનગર તેનું પાટનગર બન્યું.
26 જાન્યુઆરી, 2001 સવારે 8.46 કલાકે આવેલ ધરતીકંપની પ્રથમ પ્રાકૃતિક આપત્તિ 6.9થી 7.9નો રિક્ટર સ્કેલ ધરાવતી હતી. રાજ્યના વ્યાપક ભાગોમાં અસર કરનાર આ આપત્તિથી ભુજ, અંજાર, ભચાઉ અને 600 ગામો લગભગ ધરાશાયી થયાં હતાં. કચ્છના નવ તાલુકાઓનાં લગભગ 964 ગામડાંઓ અસરગ્રસ્ત થયાં અને તેથી માનવજીવન અને સંપત્તિને પારાવાર નુકસાન થયું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગ જેવા કે મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ અને અન્ય 70 ગામો ઘણે અંશે ધ્વસ્ત થયાં. એ જ રીતે ખેડા આસપાસના પંચમહાલ વિસ્તારનાં 60 જેટલાં નાનાં-મોટાં ગામો અને નગરો સંપૂર્ણ નાશ પામ્યાં. અમદાવાદ શહેરમાં રહેણાકનાં જૂનાં અને નવાં ઘણાં બહુમાળી મકાનો જમીનદોસ્ત થયાં અને તેમાં વસવાટ કરતાં કુટુંબોમાં પારાવાર જાનહાનિ થઈ. રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ ધરતીકંપને કારણે ભારે નુકસાન અને જાનહાનિ થઈ હતી, જેમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, પાટણ, ગોધરા, આણંદ, વડોદરા, ભરૂચ, સૂરત, બનાસકાંઠા અને સાબરકાંઠા વગેરેનો ઉલ્લેખ કરી શકાય. ભૂકંપના કારણે થયેલા મૃત્યુનો આંક લગભગ 20,000નો હતો.
2006ના ઑગસ્ટ માસ દરમિયાન અતિભારે વરસાદને કારણે નર્મદા બંધ, ઉકાઈ બંધ તથા ગુજરાત રાજ્યના અન્ય બંધો છલકાયા. આથી દક્ષિણ ગુજરાતમાં અને વિશેષે સૂરત શહેરમાં ભારે તબાહી સર્જાઈ. પૂર પછી તુરત વિવિધ શહેરોમાં રોગચાળો ફેલાયો જેમાં મુખ્યત્વે ચિકુનગુન્યા તાવના રોગે ગુજરાત રાજ્યને ભરડો લીધો. એમ ગુજરાત રાજ્ય અનેક આફતોમાંથી પસાર થઈ રહ્યું છે.
જયકુમાર ર. શુક્લ
રક્ષા મ. વ્યાસ
સમાજ
પુરાવશેષીય માહિતીને આધારે જાણવા મળે છે કે 5,000 વર્ષ પહેલાં પણ ગુજરાતમાં માનવવસ્તી હતી. લોથલની સિંધુ-સંસ્કૃતિનો માનવ તો વિવિધ જાતિતત્વોનું સંમિશ્રણ હતો. આમ પ્રાચીન સમયથી પચરંગીપણું એ ગુજરાતનું વસ્તીલક્ષણ હતું. છેલ્લાં 2,000 વર્ષથી તો વિવિધ જાતિઓનું ગુજરાતમાં આગમન થતું રહ્યું છે.
પુરાણો અનુસાર માનવકુળના મૂળ પુરુષ મનુએ પોતાના પુત્રોને ભારતના પ્રદેશો વહેંચી આપ્યા ત્યારે, આર્યાવર્તની નૈર્ઋત્યે આવેલો આ પ્રદેશ શર્યાતિ નામના તેમના પુત્રને મળ્યો. આમ શર્યાતિએ આનર્ત સ્થાપ્યું તે ગુજરાતમાં આર્યોના આગમનનું દ્યોતક છે. સૌરાષ્ટ્રમાં શર્યાતો તથા દક્ષિણમાં રેવાકાંઠે ભૃગુકચ્છમાં ભાર્ગવો વસ્યા હતા. એવી રીતે રેવાકાંઠે દક્ષિણમાં હૈહયો સત્તા ધરાવતા હતા. શર્યાતિના પુત્ર આનર્તના નામ પરથી આ પ્રદેશ આનર્ત તરીકે ઓળખાયો. મથુરાના યાદવો સલામત સ્થળ શોધતા સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા હતા. તેમના અગ્રણી શ્રીકૃષ્ણ હતા. ત્યારબાદ મદિરાના દૂષણને લીધે યાદવસત્તા નાશ પામી.
વિષ્ણુપુરાણમાં ઉલ્લેખેલી આર્યેતર નાગ જાતિ નર્મદાના પ્રદેશમાં પ્રસરેલી હતી. પુલિંદ જાતિના લોકો દક્ષિણમાંથી અહીં આવેલા જણાય છે. એ રીતે નિષાદ, શબર, ભીલ, આભીર વગેરે પ્રાચીન જાતિઓના પણ ઉલ્લેખો મળે છે. મૌર્યકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણ તથા ગુલામોના વર્ગોમાં સમાજ વહેંચાયેલો હતો. યવન કે ઈરાની જાતિના લોકોની વસ્તી પણ તે સમયે અહીં હતી. ઈ. પૂ.ની બીજી સદીમાં યવન, શક અને અરબ જેવા પરદેશીઓનું આગમન ગુજરાતમાં થવા માંડ્યું હતું. ત્યારપછી શક-પહલવો, મૈત્રકો, સૈંધવો (જેઠવા), મેહરો, સેંદ્રકો, ગુર્જરો વગેરેનું સ્થળાંતર થયું. ઈ. સ.ની આઠમી સદીમાં ગુજરાતમાં મુસલમાનો તથા દસમી સદીમાં પારસીઓ વસતા હતા. સોલંકી કાળ દરમિયાન આ પ્રદેશને ‘ગુર્જર દેશ’ અથવા ‘ગુજરાત’ નામ મળ્યું.
સોલંકી વંશના સ્થાપક મૂલરાજે ઉત્તરના બ્રાહ્મણોને ગુજરાતમાં તેડાવી વસાવ્યા હતા. દસમી સદીનાં દાનપત્રોમાં કાયસ્થો(લહિયા)નો ઉલ્લેખ મળે છે. ‘દ્વયાશ્રય’માં આભીર, કિરાત, ધીવર, ચાંડાલ, નિષાદ, ભિલ્લ, મ્લેચ્છ, યવન, શક, શબર, હૂણ વગેરે જાતિઓના ઉલ્લેખ આવે છે. સલ્તનતકાલીન સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – એ ચાર વર્ણો ઉપરાંત કંદોઈ, કાછિયા, કુંભાર, માળી, સુથાર, ભરવાડ, તંબોળી, સોની, છીપા, લુહાર, મોચી વગેરે અઢાર ‘વરણ’ ગણાતી. આ સમયના સાહિત્યમાં બ્રાહ્મણોની 84 અને વણિકોની 84 જ્ઞાતિ હોવાના ઉલ્લેખ મળે છે. ક્ષત્રિયોનાં ચૂડાસમા, ચાવડા, જાડેજા, સોલંકી, પરમાર, વાઘેલા, ચૌહાણ, રાઠોડ, જેઠવા, ગોહિલ, પઢિયાર વગેરે કુળોનો ઉલ્લેખ મળે છે.
દસમી સદીમાં રજપૂતાના તથા મારવાડથી જૈન વાણિયા મોટી સંખ્યામાં ગુજરાતમાં આવીને વસ્યા હતા.
પ્રાચીન કાળથી ખેતી કરતા ખેડૂતો તરીકે કણબીઓનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓમાં લેઉઆ અને કડવા નામે ઓળખાતા કણબીઓમાં ગુર્જર જાતિના પરદેશીઓ મોટા પ્રમાણમાં ભળી ગયા છે. આ ઉપરાંત દલિતો તથા કોળી, ભીલ, દૂબળા, ચોધરા, ગામિત, નાયક, નાયકડા વગેરે નામે ઓળખાતા આદિવાસીઓ સેંકડો વર્ષોથી ગુજરાતમાં વસે છે.
ગુજરાતનો મુસ્લિમ સમાજ મુખ્યત્વે બે વિભાગો–દેશી અને વિદેશી–નો બનેલો હતો. વિદેશી મુસ્લિમો અરબસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાંથી વેપારીઓ, સૈનિકો અને ધાર્મિક ઉપદેશકો તરીકે આવ્યા હતા. દેશી મુસલમાનો ધર્માંતર કરીને બનેલા મુસલમાનો છે. ઇસ્લામની સમાનતાની અને બંધુત્વની ભાવનાથી આકર્ષાઈને હિંદુ સમાજના નીચલા વર્ગે ઇસ્લામ સ્વીકાર્યો હતો. કેટલાકે રાજકીય લાભ માટે તથા કેટલાકે બળાત્કારે ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો. ઇસ્લામના પ્રચારાર્થે ભારતમાં આવેલા સૂફીઓ, ફકીરો અને દરવેશોના ઉચ્ચ ચારિત્ર્યથી પ્રેરાઈને ઘણા લોકોએ ઇસ્લામ સ્વીકાર્યો હતો. કેટલાક લોકોએ રાજ્યની નોકરી, ધન, રાજ્યકૃપા કે ઊંચા હોદ્દા મેળવવાની લાલચે ધર્મપરિવર્તન કર્યું હતું. અહમદશાહ પહેલો, મહમૂદ બેગડો અને મહમૂદ 2જાએ બળાત્કારે હિંદુઓને મુસલમાન બનાવ્યા હતા. જે રાજપૂતો આ રીતે ઇસ્લામમાં આવ્યા તેઓ મોલેસલામ કહેવાયા અને વાણિયાઓ તથા બ્રાહ્મણો વહોરાઓમાં ભળી ગયા. આ રીતે બનેલ મુસ્લિમ સમાજ અનેક જ્ઞાતિઓ, કોમો અને પેટાકોમોમાં વિભક્ત હતો. અન્ય દેશોના મુસ્લિમો કરતાં ભારતીય અને ગુજરાતી મુસ્લિમોનું સામાજિક રૂપ જુદું છે. ગુજરાતના ધર્માંતર કરેલ મુસલમાનોની 78 જાતો છે. તેમના સામાજિક રીતરિવાજો, રહેણીકરણી, લગ્નપ્રથા વગેરે અલગ પડે છે. તે જાતિઓમાં પઠાણ, સૈયદ, શેખ, મુઘલ, બલૂચ, મકરાણા, કુરેશી, મેમણ, મોમિન વગેરેનો સમાવેશ થાય છે.
પૉર્ટુગીઝોએ સોળમી સદીમાં દમણનો અને દીવનો કબજો લીધો એની સાથે ગુજરાતમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ થયો. મુઘલ અને મરાઠા કાળ દરમિયાન ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવાની શરૂઆત થઈ. પૉર્ટુગીઝોએ વિધર્મીઓ પ્રત્યે કડક વલણ રાખ્યું હતું. બ્રિટિશકાલીન ગુજરાતના ખ્રિસ્તી સમાજને બે વિભાગોમાં વહેંચી શકાય : (ક) યુરોપના દેશોમાંથી આવેલા વિદેશી ખ્રિસ્તીઓ અને (ખ) ધર્માંતર કરીને થયેલા ગુજરાતી ખ્રિસ્તીઓ. વિદેશી ખ્રિસ્તીઓ વહીવટી તંત્ર, લશ્કર અને વેપારનાં ક્ષેત્રોમાં ઘણા આગળ હતા. ધર્માંતર કરેલા ગુજરાતી ખ્રિસ્તીઓ અમદાવાદ, ખેડા જિલ્લો, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કેટલાક રાજકોટ, ભાવનગર વગેરે સ્થળે વસતા હતા. હિંદુઓમાં કોળી, ભીલ, કણબી, લોહાણા, ગોંસાઈ, વણકર વગેરે લોકોએ, છપ્પનિયા કાળમાં ખ્રિસ્તી મિશનરીઓએ કરેલ સેવાભાવી પ્રવૃત્તિથી આકર્ષાઈને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો.
ગુજરાતમાં આદિમ જાતિઓની વસ્તી બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, સૂરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં આવેલી છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે. તેઓમાં વ્યક્તિ કરતાં સમાજનું વધુ મહત્વ જોવા મળે છે.
આ રીતે ગુજરાતમાં પ્રાચીન કાળથી પચરંગી પ્રજાની વસ્તી જોવા મળે છે.
નલિની ત્રિવેદી
સામાજિક સુધારણા
1818માં બ્રિટિશ શાસનની અસરથી ગુજરાતમાં સમાજસુધારો થયો તે પહેલાં ઓગણીસમા સૈકાના આરંભમાં આ દિશામાં કામ કરનાર સૌપ્રથમ સહજાનંદ સ્વામી (1781–1830) હતા. તેઓ મૂળ અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામના હતા, પણ 1800માં સૌરાષ્ટ્રમાં આવીને સ્થાયી થયા. તેમણે શરૂ કરેલા નૈતિક આંદોલનને પરિણામે ગુજરાતસૌરાષ્ટ્રના અસંખ્ય કાઠી, ગરાસિયા કે બહારવટિયા જેવી કોમો ઉપરાંત મોચી, દરજી, સુથાર જેવા કારીગર વર્ગો અને સમાજના કચડાયેલા વર્ગો સંસ્કારી બન્યા. સહજાનંદે સતી, દૂધપીતી કરવાની ચાલ, વ્યસનમુક્તિ જેવી સામાજિક રૂઢિઓ અને અંધશ્રદ્ધા સામે આંદોલન કર્યું.
ભારતના ઇતિહાસમાં ઓગણીસમી સદી મહત્વનો સૈકો ગણાય છે; કારણ કે આ સૈકામાં માત્ર રાજકીય જ નહિ, પરંતુ સામાજિક અને ધાર્મિક જેવાં માનવજીવનને ઊંડાણથી સ્પર્શતાં ક્ષેત્રોમાં નવચેતના કે નવજાગૃતિના યુગની શરૂઆત થઈ. ભારતમાં બ્રિટિશ શાસનના આગમનની સાથે કેટલાક નવા વૈચારિક પ્રવાહો દાખલ થયા; દા. ત., રાજકીય ક્ષેત્રે સ્વદેશાભિમાનની જ્યોત પ્રગટી તો ધાર્મિક ક્ષેત્રે ધર્મસહિષ્ણુતા અને સામાજિક ક્ષેત્રે ન્યાય અને સમતા જેવા ખ્યાલો પ્રબળ થતા ગયા. ધર્મ એ સમાજજીવનનું મહત્વનું અંગ હોવાથી અને ભારતીય સમાજ પર સદીઓથી ધાર્મિક વિચારોની પકડ હોવાથી ધર્મસુધારા વિના સામાજિક સુધારણા શક્ય ન હતી અને તેથી જ ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા એકબીજાને પૂરક સાબિત થયા છે. જે વિવેકબુદ્ધિ વિચારશીલ લોકોને સમાજમાં રહેલાં અનિષ્ટ તત્વો દૂર કરવા પ્રેરે છે તે જ વિવેકબુદ્ધિ ધર્મમાં દાખલ થયેલા વહેમો તથા આચારોની જડતા દૂર કરવા સમાજને પ્રેરે છે.
સત્તરમી અને અઢારમી સદી દરમિયાન હિંદુ ધર્મમાં માત્ર ધાર્મિક જડતા જ નહિ, પરંતુ અનેક પ્રકારની સામાજિક વિકૃતિઓ અને અનિષ્ટો દાખલ થઈ ચૂક્યાં હતાં. આ ગાળા દરમિયાન ગુજરાતમાં વલ્લભ સંપ્રદાયનું જોર વધ્યું હતું. આ જ સમયમાં ધાર્મિક અને સામાજિક બાબતો અંગે જુદા જુદા મતમતાંતરો પ્રચલિત બન્યા હતા.
ગુજરાતમાં અંગ્રેજી અમલની શરૂઆત થઈ તેની સાથોસાથ સામાજિક સુધારાનાં મંડાણ થયાં છે અને તેમાં ભારતીય સમાજમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવેશે મહત્વોનો ભાગ ભજવ્યો છે. દેશમાં અને ગુજરાતમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ ત્યારથી આ કેળવણીપ્રથા સમાજસુધારાનું માધ્યમ બની છે. મુંબઈમાં રહેતા યુરોપિયનોએ 1815માં ‘ધ બૉમ્બે એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના કરી, જેણે પશ્ચિમ ભારતમાં આધુનિક શિક્ષણની શરૂઆત કરી. આ સોસાયટીએ 1817માં સૂરતમાં અને 1820માં ભરૂચમાં શાળાઓ ખોલી. આ સમય દરમિયાન 1819માં મુંબઈના ગવર્નર એલ્ફિન્સ્ટનના પ્રમુખપદે આ સોસાયટીએ નેટિવ સ્કૂલ અને સ્કૂલ બુક કમિટી બનાવવા અંગે તેમજ તેમાં બાર (12) ભારતીયોનો સમાવેશ કરવા અંગેનો ઠરાવ કર્યો. આ કમિટીનો આશય પ્રાદેશિક ભાષાઓમાં પુસ્તકો તૈયાર કરવાનો હતો, જેમાં ધાર્મિક બાબતોનો ઉલ્લેખ કર્યા વગર નૈતિક ધોરણો સુધારવાનો, સમજણશક્તિ વધારવાનો અને સામાન્ય તેમજ ઉપયોગી જ્ઞાનની ખિલવણીનો હતો. 1820માં મુંબઈમાં નેટિવ સ્કૂલબોર્ડ અને નેટિવ સ્કૂલ સોસાયટી સ્થાપવામાં આવી. 1825માં સરકારે ભરૂચમાં ‘નેટિવ એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના કરી. આ સંસ્થાઓ દ્વારા ખ્રિસ્તી પાદરીઓએ હિંદુ ધર્મની રૂઢિઓ અને અજ્ઞાનતાનાં છિદ્રો ખુલ્લાં કર્યાં. ઉપરાંત હિંદુ સંસ્કૃતિના અનેક અનિષ્ટ રિવાજો; દા.ત., બાળલગ્ન, વિધવાપુનર્લગ્નનિષેધ તથા અનેક દાંભિક ધાર્મિક આચારોની સામે ઝુંબેશ શરૂ થઈ. બંગાળમાં બ્રહ્મોસમાજના મહાન પ્રવર્તક રાજા રામમોહન રાયે સામાજિક પરિવર્તન લાવવાના હેતુથી અંગ્રેજી કેળવણીના પ્રચાર માટે પ્રયત્નો કર્યા.
ગુજરાતમાં સુધારાનો યુગ 1809માં સૂરતમાં જન્મેલા દુર્ગારામ મહેતાથી શરૂ થયો હતો; તે પૂર્વે તેમના ગુરુ અને ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પિતામહ રણછોડદાસે કેળવણી દ્વારા સુધારાના છૂટાછવાયા પ્રયાસ કર્યા હતા. દુર્ગારામે 1844માં ‘માનવધર્મ સભા’ સ્થાપી હતી. પ્રથમ તેમનું લક્ષ વિધવાઓની સ્થિતિ તરફ ખેંચાયું અને તેને લીધે ગુજરાતમાં વિધવાવિવાહની પ્રચંડ જેહાદ તેમણે શરૂ કરી. આ જેહાદને કારણે તેમને રૂઢિચુસ્ત વર્ગનો રોષ સહન કરવો પડ્યો, પરંતુ તેની પરવા કર્યા વિના તેમણે વિધવાવિવાહનો પ્રચાર ચાલુ રાખ્યો, જે પાછળથી તેમણે કુંવારી કન્યા સાથે લગ્ન કરવાને કારણે પડતો મૂકવો પડ્યો હતો.
1844ના જૂન મહિનામાં દુર્ગારામ તથા તેમના સુધારાવાદી સાથીઓએ જે માનવધર્મ સભાની સ્થાપના કરી હતી તેનું મુખ્ય ધ્યેય સત્યધર્મનું સ્વરૂપ છતું કરવાનું હતું. આ સંસ્થાએ એકેશ્વરવાદનો સિદ્ધાંત સ્વીકાર્યો હતો. સંસ્થાની દર રવિવારે મળનાર સભાનું કાર્ય જ્ઞાતિભેદ તોડવા, વિધવાઓનાં પુનર્લગ્ન કરાવવાં, મૂર્તિપૂજાની પ્રથા બંધ કરાવવી, બ્રાહ્મણોનો ખરો બ્રાહ્મણધર્મ જાણવો અને જણાવવો જેવા વિષયો ઉપર ચર્ચા કરવાનું હતું. વળી તેનું સૌથી મહત્વનું અને અસરકારક કાર્ય તે વહેમ, ભૂત, ડાકણ વિશેની માન્યતા, જાદુ અને મેલી વિદ્યાનો નાશ કરવાનું હતું. સમાજમાં રહેલી ખોટી માન્યતાઓ દૂર કરવા માટે દુર્ગારામ મહેતાજી તથા માનવધર્મ સભાએ ભગીરથ પ્રયત્નો કર્યા હતા.
1850 પછી દુર્ગારામે સૂરત છોડ્યું અને માનવધર્મસભા પણ વીખરાઈ ગઈ, પરંતુ તેમનું કામ તે પછીના ગાળામાં ત્રણ નન્નાની ત્રિપુટીએ ઉપાડી લીધું. આ ત્રણ નન્ના એટલે નર્મદાશંકર કવિ, નંદશંકર અને નવલરામ હતા. આ ગાળાને નર્મદાશંકરે ‘સુધારાનો બોધકાળ’ ગણાવ્યો છે.
1850–51માં મુંબઈમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ સ્થપાઈ અને 1860 સુધીમાં તેના મંચ પરથી સુધારા વિશે ઘણી સભાઓ યોજાઈ, કન્યાશાળા શરૂ કરવામાં આવી અને દર મહિને પ્રચારપત્રિકાનો સિલસિલો શરૂ થયો જેમાં સ્ત્રીકેળવણી, દેશાટન, દેશાભિમાન અને વિધવાવિવાહ જેવા વિષયોને અગ્રસ્થાન આપવામાં આવતું. આ બધી ચળવળોનાં વૃત્તાંત કાઠિયાવાડ અને કચ્છમાં પહોંચવા લાગ્યાં, તેને પરિણામે ત્યાં પણ સભાઓ દ્વારા સમાજસુધારણાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. રાજકોટ ખાતે ‘વિદ્યાગુણપ્રકાશ’ ધર્મસભા મારફત કરસનદાસ મૂળજીએ સક્રિય ભાગ ભજવી, સમાજસુધારાને પોતાનો ટેકો આપ્યો. આવી જ પ્રવૃત્તિઓ જૂનાગઢ અને ભાવનગર ખાતે પણ સ્થાનિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવી.
1851થી 1861ના દાયકા દરમિયાન સામાજિક સુધારાને સક્રિય ટેકો આપનારાઓમાં કવિ નર્મદાશંકર, કરસનદાસ મૂળજી, મુંબઈના ગંગાદાસ કિશોરદાસ, કરસનદાસ માધવદાસ, ડૉ. ધીરજરામ અને અમદાવાદમાં મહીપતરામ રૂપરામ તથા કવિ દલપતરામ ડાહ્યાભાઈ મુખ્ય ગણાય. 1859માં દલપતરામ મુંબઈ આવ્યા ત્યારે ત્યાંની બુદ્ધિવર્ધક સભાના આશ્રયે ‘ગુજરાતી હિંદુઓની સ્થિતિ અને તેને સુધારવાના ઉપાયો’ શીર્ષક હેઠળ એક નિબંધ પ્રકાશિત કર્યો. આ જ સંસ્થાની નિશ્રામાં નર્મદાશંકરે સ્ત્રીકેળવણી, દેશાભિમાન અને વૈધવ્ય જેવા વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં. 1855માં સ્થપાયેલા ‘સત્યપ્રકાશ’ માસિકમાં સમાજસુધારાની પ્રવૃત્તિ વિશે યુવકોના લેખો છપાતા.
નર્મદાશંકર, કરસનદાસ અને મહીપતરામ આ ત્રણેએ સુધારા અંગેના પોતાના સિદ્ધાંતો આચરણમાં ઉતાર્યા હતા; દા.ત., કવિ નર્મદાશંકરે વિધવાવિવાહને ટેકો તો આપ્યો હતો જ, પણ તે ઉપરાંત એક વિધવાને પોતાના ઘરમાં આશ્રય પણ આપ્યો હતો અને 1869માં તો નર્મદાગૌરી નામની વિધવા સાથે તેમણે લગ્ન પણ કર્યાં હતાં. 1866માં પ્રકાશિત થયેલા ‘હિંદુઓની પડતી’ શીર્ષક હેઠળના કાવ્યમાં તેમણે ‘વહેમ જવન’ સામે મોરચો માંડ્યો હતો. બ્રાહ્મણો અને જોગીઓનો મૂર્તિપૂજા અંગેનો આડંબર, નિરક્ષર અને અજ્ઞાની લોકો દ્વારા પથ્થર અને પાડાની પૂજા વગેરે બાબતો ઉપર પણ તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. ભારતના લોકો પરદેશગમન કરતા નથી અને તેને લીધે તેમના જ્ઞાનમાં વધારો થતો નથી તેવો અભિપ્રાય તેમણે જાહેર રીતે વ્યક્ત કર્યો હતો. ભારતીય સમાજમાં સ્ત્રીઓની દુર્દશા જોઈને, તેમને ભણાવવી જોઈએ તેવો તેમનો મત હતો. હિંદુ સમાજમાં બાળલગ્નની પ્રથા સામે, તેમણે ઝુંબેશ ચલાવી હતી. ‘ડાંડિયો’ નામક પાક્ષિક દ્વારા સમાજમાં તે જમાનામાં પ્રચલિત દંભને તેમણે ખુલ્લો પાડ્યો હતો.
કરસનદાસ મૂળજીને વિધવાવિવાહની તરફેણ કરવા બદલ ઘર છોડવું પડ્યું હતું. ‘સત્યપ્રકાશ’ માસિકમાં જ્ઞાતિભોજન, હોળીના તહેવારના ભાગ તરીકે ચાલતી બીભત્સ ગાળાગાળીની પ્રથા, લગ્ન-સમયે ગવાતાં ફટાણાં, વૈષ્ણવ-મંદિરોમાં ચાલતા અનાચારો વગેરે પર તેમણે લેખો લખ્યા હતા. ‘હિંદુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ શીર્ષક હેઠળના તેમના લેખને કારણે વૈષ્ણવધર્મના તે જમાનાના અગ્રણી જદુનાથજીએ કરસનદાસ મૂળજી સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો. જોકે આ કેસમાં તેઓ નિર્દોષ જાહેર થયા હતા. 1862માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડવા બદલ તેમને જ્ઞાતિબહાર મૂકવામાં આવ્યા હતા.
મહીપતરામ રૂપરામે 1860માં જ્ઞાતિ અને સમાજના વિરોધ છતાં વિદેશયાત્રા કરી હતી અને તે માટે નાગરસમાજે તેમને બહિષ્કૃત કર્યા હતા. તેમની જ્ઞાતિએ તેમના આ આચરણ બદલ પ્રાયશ્ચિત્ત કરવાની ફરજ પાડી હતી, તેમ છતાં તેમણે પરદેશગમન દ્વારા ભાવિ યુવાનો માટે પશ્ચિમની કેળવણીનાં દ્વાર ખોલ્યાં તથા ગુજરાતી યુવાનોને સાહસ કરવા પ્રેર્યા – એ હકીકતો નકારી શકાય નહિ.
અમદાવાદમાં સમાજસુધારાની ઝુંબેશના અગ્રણી કવિ દલપતરામ હતા. તેમણે પણ તે જમાનાની અંધશ્રદ્ધા, જ્ઞાતિબંધનો અને બાળવિવાહ જેવા કુરિવાજોના વિરોધમાં નિબંધો લખ્યા હતા. ‘વેનચરિત્ર’માં તેમણે વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા પણ કરી હતી.
નર્મદે ઉત્તરવયમાં આર્યધર્મ પ્રત્યે પક્ષપાત દાખવીને ઉચ્છેદક સુધારાનો વિરોધ કરેલો. તેણે નવી પેઢીને આર્યધર્મ તરફ વળવા અનુરોધ કરેલો. પણ તેના વિચારપરિવર્તનને તેની નબળાઈ ગણવામાં આવી. પછી તેની જ વિચારસરણી મણિલાલ નભુભાઈ દ્વારા પૂરાં શાસ્ત્રીય પ્રમાણો સહિત અસરકારક રીતે રજૂ થઈ. પાશ્ચાત્ય સંસ્કારપ્રવાહને આર્યધર્મ અને સંસ્કૃતિના સદંશોની રજૂઆત દ્વારા અટકાવવાનો મણિલાલે તેમનાં ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’ માસિકોમાંનાં લખાણોથી સમર્થ પ્રયત્ન કર્યો. ધર્મતત્વ અને સમાજસુધારાના વિવિધ વિષયો પરત્વે તેમને ‘જ્ઞાનસુધા’ના તંત્રી રમણભાઈ સાથે 7–8 વર્ષ સુધી વિવાદ થયેલો.
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થનાસમાજની શાખા અમદાવાદમાં ભોળાનાથ સારાભાઈ અને મહીપતરામ દ્વારા ખોલાયેલી (1871). તેને ઉપક્રમે વિધવાવિવાહ, જ્ઞાતિભેદ દૂર કરવા વગેરે સુધારાની સાથે એકેશ્વરવાદના સિદ્ધાંતની સમજૂતી પણ રમણભાઈ નીલકંઠે આપેલી. સનાતનધર્મીઓની રૂઢિચુસ્તતા ઉપર સબળ પ્રહાર કરતી હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’ રમણભાઈએ લખી તે પણ સમાજસુધારાની પ્રવૃત્તિની સાહિત્ય પર પડેલી અસર ગણાય. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’માં પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ અને અર્વાચીન પશ્ચિમ – એમ ત્રણ સંસ્કૃતિઓનો સમન્વય ઉપદેશ્યો. મણિલાલે સમજાવેલાં વેદાન્તસિદ્ધાંત અને સંસ્કૃતિને આનંદશંકરે શુદ્ધ સ્વરૂપમાં સમજાવ્યાં ત્યાં એ પરંપરા પૂરી થાય છે. જીવનના ચાલક બળ તરીકે જે ધર્મનો ઉપદેશ ગુજરાતના વિચારકોમાં જોવા મળે છે તેનું મૂર્ત દૃષ્ટાંત તે આચાર અને વિચારની એકતા દર્શાવતું ગાંધીજીનું જીવન છે.
મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી 1915માં હિંદમાં આવ્યા ત્યારે ગુજરાતના સમાજસુધારાનું સ્વરૂપ ઉપર દર્શાવ્યા પ્રમાણે હતું. જ્ઞાતિપ્રથાની પકડ ઓછી થઈ હતી અને બાળલગ્નોનું પ્રમાણ કેટલેક અંશે ઓછું થયું હતું. વળી વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે પણ અસ્પૃશ્યો અને આદિવાસીઓની સ્થિતિ સુધારવાના પ્રયાસો કર્યા હતા. 1892માં તેમણે અમરેલી તાલુકામાં મફત અને ફરજિયાત શિક્ષણનો અખતરો શરૂ કર્યો હતો અને તે સફળ થતાં તેમણે 1906નો મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો સમગ્ર રાજ્યને લાગુ પાડ્યો હતો.
ગુજરાતમાં ગાંધીજીના આગમન બાદ સમાજસુધારાએ નવો વળાંક લીધો. ગાંધીજીએ ‘સુધારા’ના ખ્યાલને બદલીને ‘સમાજસેવા’નો નવો મંત્ર આપ્યો. વળી તેમના આગમન બાદ સમાજસુધારાનો પ્રવાહ અને સ્વાતંત્ર્યની લડત સંકળાયાં. તેથી જ સમાજસુધારાના પ્રવાહમાં ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, અનસૂયાબહેન સારાભાઈ, મીઠુબહેન પિટીટ, વિદ્યાબહેન, શારદાબહેન, દાદાસાહેબ માવળંકર, પરીક્ષિતલાલ મજમુદાર અને જુગતરામ દવે જેવાં સંનિષ્ઠ સામાજિક કાર્યકરો જોડાયાં. અત્યાર સુધી સામાન્ય રીતે ઘરકામમાં પ્રવૃત્ત રહેલી ગામડાં અને શહેરોની અસંખ્ય બહેનો પ્રભાતફેરીઓમાં ફરવા લાગી અને રેંટિયો કાંતવા લાગી. સમાજસુધારાના પ્રવાહને આવા વ્યાપક ષ્ટિકોણથી જોઈએ તો ગાંધીયુગ દરમિયાન ગુજરાતી સ્ત્રીઓ ઘણી મોટી સંખ્યામાં જાગ્રત બની.
હરિજનોના સામાજિક ઉદ્ધાર માટે ગાંધીજીએ 1932માં ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કરી. તેના ઉદ્દેશોમાં તેમનું સ્વચ્છતા અને આરોગ્યનું ધોરણ ઊંચું લાવવું, તેમના વ્યવસાયમાં સુધારેલી પદ્ધતિઓનો ઉપયોગ દાખલ કરવો, માંસાહાર છોડવો, માદક પીણાં છોડવાં, શાળાઓમાં બાળકોને સૌની સાથે ભણતર આપવું તથા હરિજનોની અંદરોઅંદરની અસ્પૃશ્યતા દૂર કરવી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંઘ સવર્ણ હિંદુઓએ પોતાનો પશ્ચાત્તાપ વ્યક્ત કરવા અને તેમને માથે ચડેલ હરિજનો પ્રત્યેની ફરજ ચૂકવવા માટે રચાયેલો છે તેવું ગાંધીજી કહેતા હતા. હરિજન સેવક સંઘના આદર્શોમાં સાર્વજનિક મંદિરો, શાળાઓ, કૂવાઓ અને તેવી અન્ય જાહેર સગવડો સમાન ધોરણે બધાંને મળી રહે તે માટે સભાન પ્રયત્નો કરવા, સ્વાવલંબન તરફ આગેકૂચ કરવી વગેરેનો ઉલ્લેખ હતો અને તેની જ રૂએ 1946માં ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ, ધારાસભાઓ વગેરેમાં હરિજનોના યોગ્ય પ્રતિનિધિત્વની માગણી આ સંસ્થાએ આગ્રહપૂર્વક રજૂ કરી હતી.
1932માં ભુજ ખાતે અલગ હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી. તેનો મુખ્ય ઉદ્દેશ હરિજનોનો સર્વાંગી વિકાસ કરવાનો હતો. આ હેતુને સિદ્ધ કરવા માટે તે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે; દા. ત., પછાત વર્ગનાં બાળકોને શિક્ષણ આપવું, તેમના ઉચ્ચશિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવી. બાલમંદિરો ચલાવવાં, સ્ત્રીઓને વ્યાવસાયિક તાલીમ આપવી, પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલ ઊભી કરવી.
હરિજનોના ઉત્કર્ષની જેમ અન્ય કેટલીક નિમ્ન ગણાતી જાતિઓના ઉત્કર્ષ માટે ઠક્કરબાપાના નેતૃત્વ હેઠળ 1922માં દાહોદમાં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના થઈ હતી. 1919–20માં દુષ્કાળ રાહતકાર્ય માટે પંચમહાલમાં જ્યારે તે ગયા હતા ત્યારે તે પછાત ભીલ જાતિના સંપર્કમાં આવેલા, જેના પરિણામ રૂપે જ ઇન્દુલાલ યાજ્ઞિકના સહકારથી ઠક્કરબાપાએ આ સંસ્થાની સ્થાપના કરી હતી અને તેના દ્વારા ભીલો તથા અન્ય આદિવાસી જાતિઓના જીવનમાં આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ઝડપભેર પરિવર્તનો આવે તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા. ઉપરાંત, આ મંડળ દ્વારા સ્વચ્છતા, શિક્ષણ અને ઉદ્યમની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત છોટાઉદેપુરના રંગપુર ગામમાં, ભિલોડાના મેઘરજ ગામમાં તથા વડોદરા જિલ્લામાં પછાત સેવા મંડળ જેવી સંસ્થાઓ પણ ક્રમશ: કાર્યરત થઈ હતી જેને પરિણામે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોના તદ્દન પછાત ગણાતા આદિવાસીઓમાં ઘણું પરિવર્તન આવેલું દેખાય છે. આ સંસ્થાના નેજા હેઠળ કેટલીક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ કામ કરે છે જેમાં આશ્રમશાળાઓ, બાલવાડીઓ, રાત્રિશાળાઓ, મહિલામંડળો વગેરેનો સમાવેશ થાય છે. ભીલ સેવા મંડળે આદિવાસીઓમાં સહકારી ધોરણે ચાલતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું છે. આ સંસ્થાએ 1939માં દાહોદ ખાતે સર્વપ્રથમ આદિવાસી ક્ધયા આશ્રમની સ્થાપના કરી હતી.
ગાંધીયુગમાં સમાજની કુટેવોને નાબૂદ કરવાની ઝુંબેશ પણ ઉપાડવામાં આવી હતી. ભારતમાં બ્રિટિશ શાસન દાખલ થયું તે પહેલાં મદિરાપાન એ રાજ્યકર્તા વર્ગ પૂરતું જ મર્યાદિત હતું. પરંતુ તેને સામાન્ય પ્રજા સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું વિદેશી શાસકોએ. મદ્યપાન ભારતના ગરીબ વર્ગનાં કુટુંબોની પાયમાલી માટેનું મુખ્ય પરિબળ ગણી શકાય. તેનાથી તે વર્ગને મુક્ત કરવા માટે અને તે દ્વારા તેમનો સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ઉત્કર્ષ સાધવા માટે ગાંધીજીએ દારૂનિષેધની ચળવળ શરૂ કરી હતી અને તેના ભાગરૂપે દારૂનું વેચાણ કરતી દુકાનો તથા પીઠા ઉપર પિકેટિંગ કરવામાં આવતું. 1930ના ગાંધી-ઇર્વિન કરારમાં દારૂનિષેધની શરત સામેલ કરવામાં આવી હોવા છતાં દારૂબંધીનો કાયદો ઘડવા માટે ભારતને આઝાદી સુધી રાહ જોવી પડી હતી.
ભારતીય સંસ્કૃતિના પરંપરાગત હાર્દને સમજીને ગાંધીયુગ દરમિયાન અને ત્યારપછી સ્વાતંત્ર્યોત્તર સમાજમાં જે વિવિધ પરિબળો અને સંસ્થાઓએ પરિવર્તન લાવવામાં ફાળો આપ્યો છે તેમાં 1934માં સ્થપાયેલ ‘જ્યોતિસંઘ’, 1936માં સ્થપાયેલ ‘વનિતા વિશ્રામ’ અને 1937માં સ્થપાયેલ વિકાસગૃહ વિશેષ ઉલ્લેખનીય છે. શ્રીમતી મૃદુલા સારાભાઈના પ્રયાસોથી સ્થપાયેલ જ્યોતિસંઘે સમાજની કચડાયેલી સ્ત્રીઓના ઉત્કર્ષ માટે પ્રયાસો કર્યા તથા સામાજિક અન્યાયનો ભોગ બનેલી સ્ત્રીઓને રક્ષણ આપ્યું. આ સંસ્થાએ ગાંધીયુગ દરમિયાન સ્ત્રીઓમાં આવેલી જાગૃતિને સ્થાયી રૂપ આપ્યું છે, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં સ્ત્રીશક્તિના ફાળાનો પરિચય કરાવ્યો તથા સ્ત્રીઓને નીડર અને સ્વાવલંબી બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી.
1923માં ભાવનગર ખાતે સ્થપાયેલ ‘વનિતા આશ્રમ’ના હેતુઓમાં વિધવાઓનું જીવન સુધારવું, નિરક્ષર સ્ત્રીઓને કેળવણી આપવી, કન્યાઓ ઉત્તમ ગૃહિણી અને નાગરિક બને તેવું તેમને શિક્ષણ આપવું અને સ્ત્રી-ઉપયોગી કાર્યો હાથ ધરવાં વગેરે ઉલ્લેખનીય છે. આ સંસ્થાના નેજા હેઠળ વિશ્રામશાળાઓ, ઉદ્યોગગૃહો, પુસ્તકાલયો અને માર્ગદર્શનકેન્દ્રો કાર્ય કરે છે. આ જ હેતુઓ અને કાર્યોને અનુલક્ષીને 1936માં અમદાવાદ ખાતે ‘વનિતા વિશ્રામ’ની સ્થાપના કરવામાં આવી હતી.
જાણીતા સામાજિક કાર્યકરો શ્રીમતી મૃદુલા સારાભાઈ તથા પુષ્પાબહેન મહેતાએ 1937માં અમદાવાદમાં વિકાસગૃહની સ્થાપના કરી હતી. આ સંસ્થાના ઉદ્દેશોમાં નિરાધાર સ્ત્રીઓને આશ્રય આપવો, તેમનાં વ્યક્તિત્વ તથા શક્તિઓનો વિકાસ કરવો, તેમને સારા નાગરિક બનવાની તક પૂરી પાડવી, તેમને સમાજસેવાના બોધપાઠ આપવા વગેરેનો સમાવેશ થાય છે. વિકાસગૃહ એ પહેલી સ્ત્રી-સંસ્થા છે, જે છાત્રાલય અને રક્ષણગૃહ દ્વારા વિધવા અને ત્યક્તા સ્ત્રીઓને તથા અનાથ બાળકોને આશ્રયસ્થાન પૂરું પાડે છે. આ જ હેતુઓને વરેલાં વિકાસગૃહોમાં વઢવાણ વિકાસ વિદ્યાલય, રાજકોટનું કાન્તા વિકાસગૃહ, અમરેલી વિકાસગૃહ, ભાવનગર વિકાસગૃહ, જામનગર વિકાસગૃહ અને કચ્છ વિકાસગૃહ ઉલ્લેખનીય છે. આ સંસ્થાઓ સ્ત્રી-ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.
ઉપર દર્શાવેલ ત્રણ સંસ્થાઓ ઉપરાંત સ્ત્રીઓના ઉત્કર્ષ માટે અમદાવાદ શહેરમાં મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ તથા ગુજરાતનાં અન્ય ગામોમાં પણ મહિલા સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે; દા. ત., ખેડા સ્ત્રીમંડળ, હળવદ સ્ત્રીસંસ્થા, પંચમહાલ-કાલોલ સ્ત્રીમંડળ, જેતપુર મહિલામંડળ, વેરાવળ મહિલામંડળ વગેરે.
જૂનાગઢ ખાતે 1935માં નવાબ મહોબતખાનના શાસન દરમિયાન તેમના દીવાન સર પૅટ્ટિક કેડલે અને તેમનાં પત્નીએ માત્ર ચાર બાળકો સાથે જનાના હૉસ્પિટલમાં ત્યજી દેવાયેલાં બાળકો માટે એક ‘ફાઉન્ડલિંગ હોમ’ (Foundling home) શરૂ કર્યું હતું. આઝાદી પછી 1948માં જૂનાગઢ પીપલ્સ ઍડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલ(Junagadh People’s Administrative Council)ના સભ્ય સમાજસુધારક શ્રીમતી પુષ્પાબહેન મહેતાએ આ ‘ફાઉન્ડલિંગ હોમ’ને વિકસાવવાનું નક્કી કર્યું. અને એ જ વર્ષે સ્થપાયેલી ‘શિશુમંગલ’ સંસ્થામાં આ ‘હોમ’ને વિલીન (merged) કરી દેવામાં આવ્યું. આ રીતે શિશુમંગલ સંસ્થા 1935માં સ્થપાયેલા નાનકડા ‘ફાઉન્ડલિંગ હોમ’ની અનુગામી સંસ્થા છે. ધીરે ધીરે આ સંસ્થાની કલ્યાણ પ્રવૃત્તિએ ગતિ પકડી અને બાળકોના કલ્યાણ માટે સ્થપાયેલી આ સંસ્થા સમાજ-ઉપયોગી કાર્યો તરફ પણ વળી. આ સંસ્થા સ્ત્રીઓને શિક્ષણ તથા નિરાધાર બાળકોને રક્ષણ આપે છે. આ હેતુઓ હાંસલ કરવા માટે આ સંસ્થા અને તેના ટ્રસ્ટીઓ જૂનાગઢમાં શિશુમંગલ ગૃહ, ક્ધયા છાત્રાલય, મહિલાસમાજ અને નારીમંડળ ચલાવે છે તેમજ પ્રભાસપાટણમાં મહિલામંડળ છાપખાનું અને ભોજનાલય, હરિજનવાસમાં બાળમંદિર તથા બૉર્ડિંગ હાઉસ ચલાવે છે. સાસણગીર વિસ્તારમાં લોકોને વૈદકીય સારવાર આપવા માટે આ સંસ્થા ‘વનવાસી સેવા મંડળ’ પણ ચલાવે છે. ભારત સેવક સમાજની ગુજરાત શાખાએ પણ લોકોના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે સંસ્થા ઊભી કરી છે; દા. ત., તે સીવણવર્ગો ચલાવે છે તથા બાલવાડી અને રાત્રિવર્ગો દ્વારા શિક્ષણનું કામ કરે છે. સાથોસાથ જરૂરિયાતવાળા દર્દીઓને તે દવાઓ, ફળફળાદિ વગેરે દ્વારા સહાય આપે છે. પ્રાકૃતિક આપત્તિના સમયમાં તે રાહતકાર્યો પણ હાથ ધરે છે.
સ્વાતંત્ર્યોત્તર કાળમાં ગુજરાતમાં કેટલીક નવી સેવાભાવી સંસ્થાઓ પણ સમાજકલ્યાણના ક્ષેત્રમાં કાર્યરત છે; દા. ત., સ્વરોજગાર ધરાવતી મહિલાઓના કલ્યાણ માટે અમદાવાદમાં ‘સેવા’ (SEWA), સામાજિક કુરિવાજો સામે સ્ત્રીઓને નૈતિક રીતે સંગઠિત કરવા તથા તેમની સમસ્યાઓના નિરાકરણમાં તેમને મદદરૂપ થવા અમદાવાદમાં ‘અવાજ’ અને ‘ચિનગારી’, વડોદરામાં ‘સહિયર’, સૂરતમાં ‘ઉદગાર’, વલસાડમાં ‘અસ્તિત્વ’ જેવી સંસ્થાઓ સક્રિય છે. આ બધી સંસ્થાઓએ સ્ત્રીમુક્તિ આંદોલનો ઉપાડ્યાં છે. આમાંની કેટલીક સંસ્થાઓ પોતાનાં સામયિકો અને પત્રિકાઓ બહાર પાડે છે; દા. ત., ‘સેવા’નું ‘અનસૂયા’. સમાજમાં છેક તળિયે રહેલા પીડિત, વંચિત અને શોષિત વર્ગના લોકો સુધી પહોંચીને તેમને તેમના હકો પ્રત્યે સભાન કરવામાં ‘સેતુ’, ‘લોકાયન’ અને ‘જનપથ’ જેવી સંસ્થાઓનો ફાળો પણ નોંધપાત્ર રહ્યો છે.
સ્વાધીનતા પછીના ગાળામાં ઉપર દર્શાવેલ સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપરાંત સામાજિક કલ્યાણના ક્ષેત્રે રાજ્યનો ફાળો ઉત્તરોત્તર વધતો રહ્યો છે; દા.ત., રાજ્ય અને સ્વૈચ્છિક સંસ્થાઓએ મળીને પછાત વર્ગો, દલિતો, આદિવાસીઓ અને સ્ત્રીઓ પર વિશેષ લક્ષ કેન્દ્રિત કર્યું છે અને તેમના પ્રશ્નને ઉકેલવાની દિશામાં નક્કર યોજના ઘડી કાઢી છે. 1953માં સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપક બનાવવાના હેતુથી કેન્દ્ર તથા રાજ્યકક્ષાએ સમાજકલ્યાણ બૉર્ડોની રચના કરવામાં આવી છે. સમાજકલ્યાણના ક્ષેત્રે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાઓનાં કાર્યો માત્ર નાણાંની અછતને લીધે અટકી ન પડે તે માટે આવી સંસ્થાઓને ઉદાર ધોરણે અનુદાન આપવાની નીતિ સરકારે આદરી છે. સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ હવે માત્ર શહેરી વિસ્તારો પૂરતી જ મર્યાદિત રહી નથી. પરંતુ તેનો વ્યાપ હવે ગ્રામવિસ્તારો સુધી વિસ્તર્યો છે અને લગભગ બધા જ સ્તરના લોકોને તે સ્પર્શે છે. જ્યાં જરૂરી હતું ત્યાં રાજ્યે કાયદા ઘડીને પણ પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે; દા. ત., અસ્પૃશ્યતાનિવારણને લગતા કાયદા; દારૂબંધીના કાયદા; અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીઓમાં આરક્ષણને લગતા કાયદા; પંચાયતોમાં સ્ત્રીઓ માટે 33 % બેઠકો અનામત કરવાના કાયદા વગેરે.
વીસમી સદીના ઉત્તરાર્ધમાં દેશના અન્ય પ્રદેશોની જેમ ગુજરાતમાં પણ સામાજિક ક્ષેત્રે મોટાં પરિવર્તનો આવ્યાં છે. ગુજરાતમાં 1970 પછી ઔદ્યોગિક વિકાસ વધુ ઝડપી બન્યો છે, એની અસર નીચે ગુજરાતમાં શહેરી વસ્તી વધુ ઝડપથી વધી છે, શિક્ષણનું પ્રમાણ અને સાક્ષરતા વધ્યાં છે. દેશનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ રાજકીય લોકશાહીની અસર ગુજરાતના સામાજિક વર્ગો પર પડી છે. સામાજિક કોટિક્રમમાં નીચો દરજ્જો ધરાવતી જ્ઞાતિઓના સભ્યો રાજકીય સત્તામાં ભાગીદાર બન્યા છે. ગુજરાતના આર્થિકઔદ્યોગિક વિકાસમાં એક જ્ઞાતિ તરીકે પટેલો મોટા પ્રમાણમાં સામેલ થયા છે અને ટોચની ગણાતી જ્ઞાતિઓ (બ્રાહ્મણો અને વણિકો) તેની પાછળ રહી છે. જ્ઞાતિબંધનો શિથિલ થયાં છે અને આંતરજ્ઞાતીય લગ્નો સામાન્ય બન્યાં છે. બીજી બાજુ, જ્ઞાતિમંડળો વધુ સક્રિય બન્યાં છે. ચૂંટણીઓમાં ઉમેદવારોની જ્ઞાતિ એક મહત્વનું પરિબળ બની છે. આમ જ્ઞાતિઓની ભૂમિકા (‘રોલ’) બદલાઈ છે અને જ્ઞાતિઓ જીવંત રહી છે.
વીસમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતના સમાજમાં જે છૂતાછૂત પ્રવર્તતી હતી તેમાં ગણનાપાત્ર ઘટાડો થયો છે. બ્રાહ્મણો અને વણિકો તેમનાથી ઊતરતી ગણાતી જ્ઞાતિઓના સભ્યો સાથે બેસીને ભોજન લેતા ન હતા કે તેમના ઘરનું પાણી પીતા ન હતા એ સ્થિતિ હવે રહી નથી, પરંતુ ગ્રામવિસ્તારોમાં પ્રવર્તતી અસ્પૃશ્યતાની સ્થિતિમાં અલ્પ સુધારો જ થયો છે, જોકે નગરવિસ્તારોમાં અસ્પૃશ્યતા ગણનાપાત્ર રીતે ઘટી છે. ગુજરાતમાં દલિત જ્ઞાતિઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઝડપથી વધ્યું છે; દા. ત., ગુજરાત રાજ્યની સ્થાપના પછી 1961માં થયેલી વસ્તીગણતરીના અહેવાલને આધારે ગુજરાતની દલિત જ્ઞાતિઓમાં સાક્ષરતાનું પ્રમાણ 22.46 ટકા હતું. એ સમયે સમગ્ર દેશમાં 10.27 ટકા દલિતો શિક્ષિત હતા, જ્યારે 2001માં ગુજરાતમાં અને સમગ્ર દેશમાં દલિત-સાક્ષરતા અનુક્રમે 70.5 ટકા (શહેરમાં 77.90 ટકા અનેગામડાંમાં 65.59 ટકા) અને 54.69 ટકા (શહેરમાં 68.12 ટકા અને ગામડાંમાં 51.16) થઈ હતી. 2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં દલિતોમાં સાક્ષરતાનું એકંદર પ્રમાણ 79.18 ટકા હતું. તેમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ 87.87 ટકા અને સ્ત્રીઓમાં 69.87 ટકા હતું. ગ્રામીણ વિસ્તારમાં દલિતોમાં સાક્ષરતાનું પ્રમાણ 75.18 ટકા હતું, જ્યારે નગર વિસ્તારમાં 84.17 ટકા હતું. ગ્રામીણ વિસ્તારમાં દલિત પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ 85.36 ટકા અને શહેરી વિસ્તારમાં 91 ટકા જેટલું હતું. દલિત સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ગ્રામીણ વિસ્તારમાં 64.39 ટકા અને નગર વિસ્તારમાં 76.79 ટકા હતું.
ગુજરાતમાં કેટલીક બાબતોમાં મહિલાઓની સ્થિતિમાં ગણનાપાત્ર સુધારો થયો છે. અલબત્ત, એ સુધારો મુખ્યત્વે ઉપલા વર્ગની સ્ત્રીઓમાં થયો છે. વ્યાવસાયિક અને સામાન્ય શિક્ષણની કૉલેજોમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ઉપલા મધ્યમ અને શ્રીમંત વર્ગનાં કુટુંબો તેમની પુત્રીઓને મોટી ફી ભરીને પણ વ્યાવસાયિક શિક્ષણની સ્વનિર્ભર કૉલેજોમાં મોકલે છે. અર્થતંત્રનાં આધુનિક ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓની સંખ્યા મોટી છે. આમ છતાં ગુજરાતમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતા મોટા પ્રમાણમાં ઘટી છે એવું આપણે કહી શકીએ તેમ નથી. ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ (સ્ત્રી : પુરુષ- ગુણોત્તર sex ratio) ઓછું છે; એટલું જ નહિ, તેમાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. 1961માં; ગુજરાત રાજ્યની સ્થાપના પછી તુરત જ થયેલી વસ્તી-ગણતરી મુજબ દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 940 હતી. એ સમયે સમગ્ર દેશમાં દર હજાર પુરુષોએ 941 સ્ત્રીઓ નોંધાઈ હતી. 2001માં ગુજરાતમાં અને દેશમાં પ્રતિ એક હજાર પુરુષોએ અનુક્રમે 921 અને 933 સ્ત્રીઓ હતી. જ્યારે 2011માં પ્રતિ હજાર પુરુષો-દીઠ ગુજરાતમાં 918 સ્ત્રીઓ અને ભારતમાં 940 સ્ત્રીઓ નોંધાઈ છે. કેરળમાં 2001માં પ્રતિ હજાર પુરુષોએ 1058 સ્ત્રીઓ નોંધાઈ હતી, જે 2011માં 1084 થઈ છે. ગુજરાતમાં 0થી 6 વર્ષના વયજૂથમાં આ પ્રમાણ જોઈએ તો 1961માં પ્રતિ એક હજાર છોકરાઓદીઠ છોકરીઓની સંખ્યા 956 હતી; એ સમયે સમગ્ર દેશમાં 974 છોકરીઓ હતી. પરંતુ ગુજરાત રાજ્યની સ્થાપનાના પાંચ દાયકા પછી 0થી 6ના વયજૂથમાં છોકરીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટ્યું છે. 2001માં પ્રતિ હજાર છોકરાઓએ છોકરીઓનું પ્રમાણ ગુજરાતમાં 883 થયું અને સમગ્ર દેશમાં 923 થયું. ત્યાર પછીના દસકા દરમિયાન ગુજરાતમાં ‘બેટી બચાવો’ જેવાં આંદોલનો દ્વારા દીકરીના જન્મને આવકારવા માટેના સરકારી અને બિનસરકારી પ્રયત્નો થયા આથી સહેજ ફરક પડ્યો, પરંતુ આ ફરક નોંધપાત્ર નથી. 2011માં 0થી 6ની વયના પ્રતિ હજાર છોકરાઓદીઠ ગુજરાતમાં 886 છોકરીઓ અને સમગ્ર દેશમાં 914 છોકરીઓ નોંધાઈ હતી. કેરળમાં 2001માં 962 અને 2011માં 959 છોકરીઓ નોંધાઈ હતી. એ રીતે 0થી 6 વર્ષના વયજૂથમાં છોકરીઓના ઓછા પ્રમાણની બાબતે ગુજરાત પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોની હરોળમાં આવી ગયું છે. ગર્ભાવસ્થામાં ગર્ભપરીક્ષણ કરીને મોટી સંખ્યામાં છોકરીઓની ભ્રૂણહત્યા કરવામાં આવે છે એ હકીકત છોકરીઓના ઘટી ગયેલા પ્રમાણ માટેનું પ્રમુખ કારણ છે. ગુજરાતના સમાજમાં જોવા મળેલું આ વલણ સ્ત્રીઓ સામેના વરવા ભેદભાવનું દ્યોતક છે; એટલું જ નહિ, એ વલણ જો ચાલુ રહે તો તેનાં ગંભીર સામાજિક પરિણામો આવી શકે તેમ છે.
No comments:
Post a Comment