GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

GUJARATI POEMS

આપની યાદી

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની !

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની

જો ઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !

આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં,
આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની !

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાળ ખેંચાઈ રહી છે આપની !

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની !

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં ત્યાં મિલાવી હાથને,
અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર:
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની !

રો ઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની !

જૂનું નવું જાણું અને રો ઉં હસું તે તે બધું:
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની !

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !


કસુંબીનો રંગ
                  
લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના  હૈયામાં  પોઢંતા  પોઢંતા  પીધો  કસુંબીનો  રંગ;
ધોળાં  ધાવણ કેરી  ધારાએ  ધારાએ  પામ્યો કસુંબીનો  રંગ… રાજ..
                           
બહેનીને  કંઠે  નીતરતાં  હાલરડાંમાં  ઘોળ્યો  કસુંબીનો  રંગ
ભીષણ  રાત્રિ  કેરા  પહાડોની  ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..
                      
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો  કસુંબીનો રંગ… રાજ..
                    
ભક્તોના તંબૂરથી  ટપકેલો મસ્તીભર  ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી  દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..  
                      
નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને  ક્યારે  નિજ  રક્તો  રેડણહારે  પાયો  કસુંબીનો રંગ… રાજ..
                      
પીડિતની   આંસુડાધારે  -  હાહાકારે   રેલ્યો   કસુંબીનો  રંગ
શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..
               
ધરતીનાં  ભૂખ્યાં  કંગાલોને  ગાલે  છલકાયો  કસુંબીનો  રંગ
બિસ્મિલ  બેટાંઓની  માતાને  ભાલે  મલકાયો  કસુંબીનો રંગ … રાજ ..    
                       
ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ
દોરંગા  દેખીને  ડરિયાં  :  ટેકીલાં  હો!  લેજો  કસુંબીનો  રંગ … રાજ ..
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ  -
લાગ્યો કસુંબીનો રંગ !
                      

ઝવેરચંદ મેઘાણી
દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ  રતનની  ખાણ હતી, કોણ માનશે?

શૈયા  મળે છે  શૂલની  ફૂલોના પ્યારમાં!
ભોળા  હ્રદયને જાણ હતી,  કોણ માનશે?

લૂંટી  ગઈ  જે  ચાર  ઘડીના  પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા  જ  રામબાણ  હતી,  કોણ  માનશે?

આપી  ગઈ જે  ધાર જમાનાની જીભને,
નિજ  કર્મની  સરાણ હતી,  કોણ માનશે?

જ્યાં જ્યાં  ફરુકતી હતી  સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની  બુમરાણ   હતી,   કોણ   માનશે?

‘શૂન્ય’ પાલનપુરી
આંખોનું શરણ
         
તારલા શોધી રહ્યા છે મારી આંખોનું શરણ
એમને પણ જિંદગીભરનું મળ્યું છે જાગરણ.
        
પાપ  કીધાં  છે  પરંતુ  હું નહીં  શોધું  શરણ 
ઘેર બેઠાં શક્ય છે ગંગાનું જ્યારે અવતરણ!
       
બંધ આંખો જોઈ ઘૂંઘટ ખોલનારા ભૂલ થઈ
હોય ના  કૈં  પારદર્શક  પાંપણોનું  આવરણ.
        
દિલ અને દુનિયા ઉભયને આપનો આધાર છે
બેઉ  પલ્લાં  છે  બરાબર  શું  કરું  વર્ગીકરણ?
         
પાંપણેથી  જાગતું  મન જોઈને  પાછી ફરી
ઊંઘ આવી’તી બિચારી ચોરવા તારું સ્મરણ.  
         
આ સનાતન ખોજની દ્વિધા  ટળે  પળવારમાં
મારી દ્રષ્ટિએ  જો સ્પર્શે આપનાં દુર્લભ ચરણ.
       
શુષ્ક આંખો જોઈ મારી લાગણી  માપો નહીં
દિલને ભીંજવવામાં ખૂટી જાય છે અશ્રુઝરણ.
        
‘શૂન્ય’ પાલનપુરી   
ખાંભી રચાઈ છે
      
દિલમાં કોઈના પ્યારની જ્વાળા લપાઈ છે,
ઓ કાળ! સાવધાન કે શિર પર તવાઈ છે!
       
મિત્રો  હતા  એ શત્રુ થયાની વધાઈ છે!
ઓ મન!  ઉમંગે  નાચ કે બેડી કપાઈ છે!
       
હોડીનું ડૂબવું અને તોફાનનું શમન!
એ તો ખુદાઈ ઢંગની એક નાખુદાઈ છે.
       
મારીને ઠેકડા અમે પહોંચીશું મંઝિલે,
શક્તિ અગાધ છે, ભલે પાંખો કપાઈ છે.
       
છે કંટકોનાં ઝૂમખાં ફૂલોના સ્વાંગમાં!
ઉપવન મહીં વસંતની કેવી ઠગાઈ છે.
       
સસ્તામાં ઓ જમાના આ સોદો નહીં પતે,
મારું સ્વમાન મારા યુગોની કમાઈ છે.
           
ખુદ કાળ એને શૂન્ય ખસેડી નહીં શકે!
પ્રેમાંગણે હ્રદયની જે ખાંભી રચાઈ છે.
        
‘શૂન્ય’ પાલનપુરી   
હેમને કસતાં જોયો
      
પ્રેમને કાળનાં બંધન મહીં ફસતાં જોયો!
એક પર્વતને અમે ખીણમાં ધસતાં જોયો!
        
બાગની આંખમાં જે ખારને વસતાં જોયો,
ફૂલના રક્તની રસલ્હાણ પીરસતાં જોયો!
       
ભાન ભૂલી પડ્યા છે અહીં લાખો પંથી,
સર્પની જેમ સ્વયમ્ પંથને ડસતાં જોયો!
       
કાલ જે રડતો હતો અશ્રુને અશ્રુ માની,
એ જ માનવને અમે વ્યંગમાં હસતાં જોયો!
       
અશ્રુઓ પણ ન બુઝાવી શક્યા દિલની જ્વાળા,
નીરને કાજ સમંદરને તરસતા જોયો!
        
શૂન્ય છે શૂન્ય જગતનું આ બધું મૂલ્યાંકન!
એક પથ્થરને અહીં હેમને કસતાં જોયો!
            
‘શૂન્ય’ પાલનપુરી   

No comments: