*પાકિસ્તાની ટીનએજર મલાલા પણ સહ વિજેતા
*સંયુક્ત રીતે જાહેર કરવામાં આવ્યો પારિતોષિક
નવીદિલ્હી: ભારતમાં બાળકોના અધિકારો માટે કામ કરી રહેલા કૈલાશ સત્યાર્થીને શાંતિ માટેનો નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે. તેઓ 'બચપન બચાવો આંદોલન' સાથે જોડાયેલા છે. પાકિસ્તાનની ટીનએજર મલાલા યુસુફઝઈની સાથે તેમને સંયુક્ત રીતે આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.
આ સમાચાર પર ખુશી વ્યક્ત કરતા કૈલાશ સત્યાર્થીએ કહ્યું હતું, "ભારતને શાંતિ માટે પ્રથમ નોબલ પારિતોષિક મળ્યો છે. જે વાતનો મને ગર્વ છે. દુનિયાભરમાં કચડાયેલા બાળકોના અવાજનું સન્માન છે. સમગ્ર દેશવાસીઓનું સન્માન છે. તે વાતનો મને ગર્વ છે. બાળકોના બાળપણને માટે છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત છું. આ ગાળામાં જે કોઈ લોકોએ મને ટેકો આપ્યો, તેમનો હું આભારી છું. "
પચાસ વર્ષ પછી ખબર પડશે, કેવી રીતે મળ્યો એવોર્ડ?
નોબલ પારિતોષિકના વિજેતાઓનાં નામો એક સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. જેની ઉપર પીસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન આ સમિતિની કામગીરીને મોનિટર કરે છે. વર્ષ 2014માં કેટલા લોકોનું નોમિનેશન થયું હતું તે પચાસ વર્ષો બાદ વર્ષ 2064માં ખબર પડશે. કેટલા નોમિનેશન્સ થયા હતા તે અંગે જાહેરાત કરવામાં નથી આવતી. પરંતુ એવું કહેવામાં આવે છે કે યુદ્ધગ્રસ્ત આ કાળમાં એકસાથે 278 દાવેદારો હતા. તેમને 12.4 લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે.
ગાંધીજીની પરંપરાને આગળ ધપાવી
પરિષદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મહાત્મા ગાંધીને એવોર્ડ ન મળ્યો, પરંતુ કૈલાશ સત્યાર્થીએ તેમની પરંપરાને આગળ ધપાવી છે. જે ગાંધીજીનું જ સન્માન છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ નેલ્સન મંડેલા, દલાઈ લામા તથા મધર ટેરેસાને શાંતિ માટેના પુરસ્કાર મળી ચૂક્યા છે. કહેવાય છેકે આ વર્ષે પોપ ફ્રાન્સિસ, એડવર્ડ સ્નોડેન, ડેનિસ મૂકવેગ વગેરે સ્પર્ધામાં હતા. નોબલ એવોર્ડમાં લખવામાં આવ્યું છે, "દબાયેલા અને કચડાયેલા બાળકો તથા યુવાનો માટે સંઘર્ષ અને બાળકોના શિક્ષણ માટેના અધિકાર માટે. "
ભારતના નોબેલ વિજેતાઓ
1. કૈલાસ સત્યાર્થી, Peace, 2014
2. વેંકટરામન રામકૃષ્ણ, Chemistry, 2009
3. અમર્ત્ય સેન, Economic Sciences, 1998
4. સુબ્રમણ્યમ ચંદ્રશેખર, Physics, 1983
5. મધર ટેરેસા, Peace, 1979
6. હર ગોબિંદ ખુરાના, Physiology or Medicine, 1968
7. સી.વી.રામન, Physics, 1930
8. રવિન્દ્રનાથ ટાગોર, Literature, 1913
કૈલાશ સત્યાર્થી
કૈલાશ સત્યાર્થીનો જન્મ તા. 11 જાન્યુઆરી 1954ના મધ્યપ્રદેશના વિદિશામાં થયો હતો. તેઓ બાળ અધિકાર કાર્યકર્તા છે. તેમણે અત્યારસુધીમાં એંસી હજારથી વધુ બાળકોને મજૂરીકામમાંથી છોડાવ્યા છે. તેમણે બાળકોને સમાજની મુખ્યધારામાં પાછા વાળવા તથા શિક્ષણને માટે કામ કર્યું છે. તેઓ બચપન બચાવો આંદોલનના નામથી સંસ્થા ચલાવે છે.
મલાલા યુસૂફઝઈ
મલાલા યુસૂફઝઈ પાકિસ્તાની મૂળની ટીનએજનર છે. પાકિસ્તાનના હિંસાગ્રસ્ત સ્વાત ખીણ વિસ્તારમાં તાલિબાનો દ્વારા મહિલાઓ પર કેવા પ્રકારના અત્યાચાર થાય છે તેનું વિવરણ કરતો બ્લોગ બીબીસીમાં લખ્યો. મલાલાના માથામાં બે ગોળીઓ મારી હતી. છતાં મલાલા બચી ગઈ હતી. અત્યારસુધીમાં 850થી વધુ નોબલ પારિતોષિકો આપવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 44 જ મહિલાઓને આપવામાં આવ્યા છે. જેમાં મલાલા સૌથી યુવાન છે.
તસવીરમાં પાકિસ્તાની ટીનએજર મલાલા યુસૂફઝઈ
મારે પાકિસ્તાનના વડાપ્રધાન બનવું છે
તાલીબાનોને ધાવણ યાદ કરાવી દેનાર 17 વરસની છોકરીએ હુંકાર કર્યો હતો કે મારે પાકિસ્તાનના વડાપ્રધાન બનવું છે. તે બેનઝીર ભુટ્ટોને રોલમોડેલ માને છે અને તેમના પગલે ચાલી પાકિસ્તાનની અનેક દિશામાં લઇ જવા માંગે છે. તે વડાપ્રધાન બની પોતાના દેશની સેવા કરવા માંગે છે. તેણે બાળકોમાં શિક્ષણ, મહિલાઓમાં જાગ્રુતિ જેવી વાતો અંગે પણ ચર્ચા કરી હતી. તેણે અગાઉ ડોકટર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પણ તે હવે રાજકારણમાં જોડાવવા માંગે છે. તે કહે છે કે, રાજકારણ જેવું કોઇ માધ્યમ નથી જો તમારે ખરા મનથી સેવા જ કરવી હોય તો. તમે આખા દેશની તમામ બિમારીઓના ડોકટર બની શકો છો. તેની લાગણીને લોકોએ વધાવી લીધી હતી. પોતાની પર થયેલાં હુમલા બાબતે તેણે કહ્યું હતું કે તાલીબાનો મને ગોળી મારી શકે છે, મારાં સપનાંઓને નહીં. મારૂં મોત પણ મારા કામને રોકી શકશે નહીં. મલાલાના જન્મ દિવસને મલાલા ડે તરીકે જાહેર કરાયો છે.તેણે એ જ દિવસે પહેલીવાર સંયુકત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
No comments:
Post a Comment