“ગરવા ગુજરાતના સંસ્કાર વારસાના સંવર્ધનમાં સાહિત્ય અને
શબ્દોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે” – મુખ્ય મંત્રીશ્રી
ગુજરાત દીપોત્સવી – ૨૦૭૦નું મુખ્યમંત્રીશ્રીએ કરેલુ લોકાર્પણ
ગુજરાતના
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતની ભવ્ય સાંસ્કૃતિક
વિરાસતનું જતન અને સંવર્ધન કરવાની આપણા સૌની સહીયારી જવાબદારી છે. ગરવા ગુજરાતની
ગરીમાપૂર્ણ સંસ્કૃતિ અને સંસ્કારનું સંવર્ધન કરવા માટે પાયાની ભૂમિકા સાહિત્ય અને
શબ્દો ભજવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
માહિતી
ખાતા દ્વારા તૈયાર કરાયેલા ગુજરાત દિપોત્સવી-૨૦૭૦ અંકનું આજે મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન
પટેલે લોકાર્પણ કરતી વેળા વધુમાં જણાવ્યું હતું કે, દિવાળી એટલે પ્રકાશનું પર્વ
આપણી ભીતર પડેલા અજ્ઞાનરૂપી અંધકારને ઉલેચી ઉજળા થવા માટેના પર્વ દીપાવલીને આપણે
આપણા અને ગુજરાતના ‘વિકાસ પર્વ’ તરીકે મનાવીએ. તેમણે કહ્યું કે, ગુજરાતનું ખમીર
અને ઝમીર પ્રતિબિંબ કરતા ‘ગુજરાત દીપોત્સવી-૨૦૧૪’ને ગુજરાતના પ્રસિદ્ધ
સાહિત્યકારો, પ્રબુદ્ધ સર્જકો અભ્યાસુઓએ તેમની કલમથી શબ્દ સુવાસ અર્પી છે.
શ્રીમતી
આનંદીબહેન પટેલે કહ્યું કે, સાહિત્ય વારસાની સાથોસાથ પૂ. બાપુને પ્રિય એવા
સ્વચ્છતાના પદાર્થપાઠને પણ આપણે સૌએ સભાનતાપૂર્વક અમલમાં મૂકીને એક ઝૂંબેશ ઉપાડવી
જોઈએ. લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલમાં મુકાયેલા
‘સ્વચ્છતા અભિયાન’ને સામાજિક ચેતના સ્વરૂપે પરિણામલક્ષી જનઆંદોલન બનાવવા માટે
ગુજરાત રાજ્ય કૃતનિશ્ચયી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
માહિતી
પ્રસારણ વિભાગના અગ્રસચિવ શ્રી જી. સી. મુર્મુએ કહ્યું હતું કે, ગુજરાતના પ્રથમ
મહિલા મુખ્ય મંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતની વણથંભી વિકાસયાત્રામાં ગતિશીલતા
આવી છે. સાહિત્ય સૌરભ સાથે ગુજરાત દીપોત્સવી-૨૦૭૦ માહિતી ખાતાની આગવી પરંપરા
અનુસાર વાચકોની વાંચન ક્ષુધાને તૃપ્ત કરશે એમ તેમણે ઉમેર્યું હતું.
માહિતી
કમિશનરશ્રી ભાગ્યેશ જહાએ ગુજરાત દીપોત્સવી-૨૦૭૦ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,
૩૨ અભ્યાસ લેખ, ૩૫ નવલિકા, ૨૦ વિનોદિકા, પાંચ નાટિકા અને ૯૭ કવિતાઓની મૌલિક
રચનાઓથી દીપોત્સવી અંક વિશાળ સાહિત્યિક વાંચન મહાસાગરનો વાંચકોને લાભ મળશે. કલા,
સંસ્કૃતિ, સાહિત્ય, ઇતિહાસ સાથે આપણા સંસ્કાર વારસાનું પ્રતિબિંબ શબ્દો સાથે
પ્રસ્તુત કરવાનો માહિતી ખાતાનો આ પ્રયાસ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યની
પ્રત્યેક જિલ્લા માહિતી કચેરીએથી રૂ. ૪૦ની કિંમતે ગુજરાત દીપોત્સવી-૨૦૭૦ પ્રાપ્ત
થઈ શકે છે. આ ઉપરાંત મુંબઈ, અમદાવાદ અને નવી દિલ્હીમાં સ્થાનિક વિક્રેતાઓ પાસેથી
પણ ગુજરાત દીપોત્સવી અંક રૂ. ૪૦ની કિંમતે પ્રાપ્ત કરી શકાશે.
આ
પ્રસંગે ઉપસ્થિત સંપાદકીય ટીમના સભ્યો સર્વશ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી પુલકભાઈ
ત્રિવેદી, શ્રી કે. એ. કરમટા, શ્રી જગદીશ આચાર્ય, શ્રી રતિલાલ તુરી, શ્રીમતી
ઉર્વીબહેન રાવલ વગેરેને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.
No comments:
Post a Comment