GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

GPSC પરીક્ષામાં પૂર્વમંત્રીનાં પુત્રવધૂ સહિત ૧૦૦ ઉમેદવારોનું સેટિંગ !

અનેક શંકાસ્પદ ગતિવિધિઓ વચ્ચે પરીક્ષા યોજાઈ

સરકારી નોકરી મેળવવા GPSCમાં સેટિંગ થયાની ચર્ચા ક્લાસિસ અને પરીક્ષાલક્ષી સાહિત્યવ


ગાંધીનગર, રવિવાર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે લેવાયલી પરીક્ષામાં અંદાજે ૩.પ લાખ જેટલા ઉમેદવારો બેઠાં હતાં. આજની પરીક્ષામાં એક પૂર્વ મંત્રીના પુત્રવધુ સહિત સો જેટલાં ઉમેદવારોનું અગાઉથી સેટિંગ થઈ ગયું હોવાનું સરકારના સૂત્રોમાં ચર્ચાતું હતું. જીપીએસસીના ક્લાસીસ ચલાવવા વાળા અને પરીક્ષાલક્ષી સાહિત્ય બહાર પાડવા વાળા દ્વારા છેલ્લા બે માસથી જીપીએસસીની ખાનગી શાખામાં સંપર્કો વધારીને સમગ્ર ખેલ પાડયાની શંકા સેવાઈ રહી છે.
ગુજરાતના યુવાનો ક્લાસ-વન, ક્લાસ-ટુની સરકારી નોકરી માટે જેની આતુરતાથી રાહ જોતાં હોય છે તે જીપીએસસીની આજે પ્રિલીમનરી પરીક્ષા લેવામાં આવી હતી. આ ઉમેદવારોમાં અને સરકારના સૂત્રોમાંથી અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. જેમાં એક પૂર્વ મંત્રીના પુત્રવધુ સહિતના સો ઉમેદવારોનું અલગ-અલગ પ્રકારે અગાઉથી જ સેટિંગ થઈ ગયું છે.
આ સો ઉમેદવારો છેક નિમણૂંક સુધીની પ્રક્રિયા સરળતાથી પાસ કરી જાય તે મુજબની મોટી ગોઠવણ કરી દેવામાં આવી છે. લાખો ઉમેદવારો છેલ્લા થોડા મહિનાઓથી રાત-દિવસ મહેનત કરીને તૈયારી કરતાં તેઓના હક્ક પર તરાપ મારીને આ ગોઠવણ કરી દેવાતાં આગામી દિવસોમાં વિવાદ થાય તેવી શક્યતાં છે.
જીપીએસસીની તાલીમ આપતાં કેટલાક ક્લાસીસ વાળા તથા જીપીએસસી પરીક્ષાનું સાહિત્ય બહાર પાડતાં કેટલાક પ્રકાશકોએ જીપીએસસીમાં ડાઈરેક્ટ સેટિંગ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. આવા તત્વો છેલ્લા બે માસથી જીપીએસસીમાં રાત-દિવસ પડયાં પાથર્યા રહેતાં હતા. પરીક્ષાની તમામ સામગ્રી તૈયાર કરવાનું જેમની જવાબદારીમાં આવે છે તે ખાનગી શાખામાં આવા તત્વોના આંટાફેરા ખુબ વધી ગયા હતા.
આ ઉપરાંત સરકારે પણ પૂર્વ મંત્રીના પુત્રવધુ સહિતના ઉમેદવારોને પાસ કરી દેવા માટે પરીક્ષા અગાઉ જ નિયમોમાં ફેરફાર કરી નાખ્યાં છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે જેટલી જગ્યા હોય તેનાથી ૧પ ગણા વધુ ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરવામાં આવતાં હતા. તેના બદલે નિયમ બદલાવીને આ વખતે એવું કરાયું છે કે જેટલી જગ્યા છે તેના છ જ ગણા ઉમેદવારોને પાસ કરવા. ઉમેદવારો ઓછા હોય તો કૌભાંડ આચરવું સહેલું પડે અને બહુ હોબાળો ન થાય.
આ ઉપરાંત એક ચર્ચા એવી થઈ રહી છે કે જીપીએસસીના એક સત્તાધિશ આ પહેલા અન્ય એક બોર્ડ-નિગમમાં હતા ત્યારે તેમના પત્ની ઓવર એઈજના હોવા છતાં તેમને સરકારી નોકરી અપાવડાવી હતી અને બાદમાં વિવાદ થતાં તે નિમણૂંક રદ થઈ હતી. આવી જ રીતે અન્ય એક સત્તાધિશ થોડા સમય પહેલાં ચીફ ઓફિસરનું નામ ચીફ ઓફિસરની પરીક્ષાનું પેપર ફુટવાની ઘટનામાં સંડોવાયેલું છે. તેમની સામે ફરિયાદ પણ થઈ છે અને તેમની સામે તપાસ પણ ચાલું છે. છતાં તેઓને જીપીએસસીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ સત્તાધિશો કેટલી હદે વિશ્વાસપાત્ર કહી શકાય તે સૌ કોઈ સમજી શકે તેવી બાબત છે.

Gujarat Samachar

No comments: