બે દશક બાદ કરન્સી બજારમાં લુપ્ત થઇ ચુકેલી એક રૂપિયાની નોટ હવે નવા વર્ષથી ફરી તમારા હાથમાં આવશે. કેન્દ્ર સરકાર પહેલી જાન્યુઆરીથી તેનું છાપકામ ફરી શરૂ કરવા જઇ રહી છે. ઉંચા ખર્ચ અને ઓછી કિંમતની નોટોની છપામણીથી છુટકારો મેળવવા માટે લગભગ 20 વર્ષ પહેલા એક રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું.
એક, બે અને પાંચ રૂપિયાના સિક્કા ચલણમાં આવ્યા બાદ સરકારે તેની નોટો છાપવાની બંધ કરી દીધી હતી. એક રૂપિયાની નોટ નવેમ્બર 1994માં છાપવાની બંધ કરવામાં આવી હતી. જયારે, બે રૂપિયાની નોટ ફેબ્રુઆરી 1995 અને પાંચ રૂપિયાની નોટનું છાપકામ નવેમ્બર 1995માં બંધ કરાયું હતું. જો કે, પાંચ રૂપિયાની નોટને સરકારે ફરી છાપવાની શરૂ કરી હતી. હવે સરકાર એક રૂપિયાની નોટનું છાપકામ પણ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલયે ગેઝેટમાં આ અંગેનું નોટિફિકેશન બહાર પાડયું છે.કેવી હશે નવી 1 રૂપિયાની નોટ ?
અગાઉની જેમ આ વખતે પણ એક રૂપિયાની નોટનું છાપકામ રિઝર્વ બેંકની જગ્યાએ ભારત સરકારના પ્રિન્ટીંગ પ્રેસમાં થશે. નવી નોટ હાલના નાણાં સચિવ રાજીવ મહર્ષિની સહી સાથે બહાર પડશે. નોટનો આકાર 9.7x6.3 સેન્ટિમીટરનો હશે અને જેના મથાળે ભારત સરકાર છપાયેલું હશે. નોટ પર મલ્ટીટોનલ વોટર માર્કમાં સત્યમેવ જયતે શબ્દ લખ્યા વિના અશોકની પ્રતિકૃતિ અંકિત હશે. મધ્યભાગમાં સામાન્ય રીતે ન દેખાતી સંખ્યા ‘1’ છપાયેલી હશે. નોટની જમણી તરફ આ જ પ્રકારે ભારત શબ્દ અંકિત હશે. મહત્વની વાત એ છે કે એક રૂપિયા સિવાય બાકીની તમામ નોટમાં આરબીઆઇના ગર્વનરની સહી હોય છે.
નોટિફિકેશન અનુસાર, એક રૂપિયાની કરન્સી નોટનો આગળનો હિસ્સો ગુલાબી અને લીલા રંગના મિશ્રણથી બનાવેલો હશે. હિન્દી અને અંગ્રેજી ભાષામાં નાણાં સચિવના હસ્તાક્ષરની સાથે ‘ભારત સરકાર’ શબ્દ અને રૂપિયાના પ્રતીક ચિન્હની સાથે નવા એક રૂપિયાના સિક્કાની પ્રતિકૃતિ હશે. નોટના નિચલા ભાગમાં જમણી બાજુ નોટનો નંબર હશે.
( 1 રૂપિયાની નોટની પ્રતિકાત્મક તસવીર)
નોટના પાછળના ભાગમાં પુષ્પ ડિઝાઇનવાળા રૂપિયાના પ્રતીક ચિન્હ સાથે એક રૂપિયાના સિક્કાના ચિત્ર પર વર્ષ 2015ની સાથે અંગ્રેજીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને હિંદીમાં ભારત સરકાર અંકિત હશે. તેની ચારે ડિઝાઇનમાં ઓઇલ એક્સપ્લોરેશન પ્લેટફોર્મ સાગર સમ્રાટનું ચિત્ર અને 15 ભારતીય ભાષાઓમાં એક રૂપિયા લખેલું હશે. ઉપરાંત, વચ્ચે વર્ષની સંખ્યા હશે. આ ભાગને અન્ય રંગોની સાથે તૈયાર કરવામાં આવશે.
કેમ કરવો પડયો નિર્ણય ?
એક રૂપિયાની કેટલી નોટ છપાશે તેની કોઇ જાણકારી નોટિફિકેશનમાં આપવામાં આવી નથી પરંતુ સિક્કાઓની તંગી અને સિક્કાઓને પિગળાવીને તેની ધાતુનો ઉપયોગ અન્ય પ્રકારની પ્રવૃતિઓમાં કરવાના બનાવોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. મહત્વનું છે કે, ગત વર્ષે એક રૂપિયાની 440 લાખ નોટો છાપવામાં આવી હતી. એટલું જ નહીં, આરબીઆઇના જૂન 2002ના વાર્ષિક રિપોર્ટ અનુસાર માર્ચ 2002ના અંત સુધીમાં કુલ 308 કરોડ રૂપિયાની એક રૂપિયાની નોટો સર્કયુલેશનમાં હતી.
No comments:
Post a Comment