GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

સાયબર આતંકવાદ જેહાદીઓનું નવું હથિયાર

સાયબર આતંકવાદ જેહાદીઓનું નવું હથિયાર
23.jpgસાયબર અપરાધ, સાયબર યુદ્ધ અને હવે સાયબર આતંકવાદ... સોશિયલ મીડિયા પર આતંકવાદી સંગઠન ઈંજઈંજનો પ્રચાર કરનાર મેહદી મશરૂર વિશ્ર્વાસની બેંગલોરમાંથી ધરપકડ થઈ... ભારત વિરોધી પ્રચાર કરનાર આતંકવાદી હાફિજ સઈદનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું... સાયબર આતંકવાદની હયાતીના આ તાજેતરનાં ઉદાહરણો છે. આતંકવાદીઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરી આતંકી ઘટનાઓને આકાર આપી રહ્યા છે. છેલ્લા દોઢ દાયકા દરમિયાન ભારત સહિત વિશ્ર્વમાં થયેલ આતંકવાદી હુમલાઓ પર નજર નાખો તો ખબર પડશે કે આ બધી ઘટનાઓને આકાર આપવા કઈ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ થયો છે. આ ઉપયોગ ભયંકર રીતે વધી રહ્યો છે જે ભારત સહિત વિશ્ર્વના દેશો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યો છે... જુઓ કેટલાંક ઉદાહરણ...
મેહદીની ધરપકડ...
24.jpgબ્રિટિશ ન્યૂઝ ચેનલ-4 દ્વારા એક ઘટસ્ફોટ કરવામાં આવે છે કે બેંગલોરનો 24 વર્ષનો મેહદી નામનો ભારતીય યુવક ઈંજઈંજની તરફેણમાં ચર્ચિત ટ્વિટર એકાઉન્ટ ‘શામી વિટનેસ’ ચલાવી રહ્યો છે. આ ઘટસ્ફોટ બાદ ભારતીય સુરક્ષા એજન્સી અને પોલીસ સફાળી જાગે છે. તપાસ કરે છે અને બેંગલોરમાંથી મેહદી મશરૂર વિશ્ર્વાસની ધરપકડ પણ કરે છે. ચેનલ-4 પર પ્રસારિત થયેલ મેહદીનું ઇન્ટરવ્યૂ અને ‘શામી વિટનેસ’ ટ્વિટર એકાઉન્ટની તપાસ કરતાં જાણવા મળ્યું કે મેહદી ઈંજનો જવાન બનવા માગે છે. તે અરબીભાષામાં છપાયેલ જેહાદી ગતિવિધિઓનો અંગ્રેજી અનુવાદ કરી ટ્વિટર પર પોસ્ટ કરતો. ઈંજમાં જોડાવાનાં સૂચનો પોસ્ટ કરતો. ઈંજના મરનાર આતંકવાદીઓને શહીદ કહેતો... ટૂંકમાં ઈંજના આતંકવાદીઓનો ઉત્સાહ વધારતો અને યુવાનોને આઈએસમાં જોડાવા પ્રોત્સાહિત કરતો... આવા તો કેટલાય ‘મેહદીઓ’ સોશિયલ મીડિયા પર આતંકવાદ માટે જમીન તૈયાર કરી રહ્યા છે. જેહાદ અને આતંકવાદ માટે યુવાનોની ભરતી કરી રહ્યા છે.
માર્ગ ખુલ્લો છે... જોડાઈ જાવ
સપ્ટેમ્બર 2003. ઇન્ટરનેટના માધ્યમથી ‘ચૈટરૂમ’ પર રિડેમ્પ્શન ઇજ ક્લોજ’ નામના એકાઉન્ટથી એક વ્યક્તિ એક સંદેશ નેટ ઉપર વહેતો કરે છે.
‘ભાઈઓ, હું જેહાદ માટે ઇરાકમાં કઈ રીતે જઈ શકું? શું ત્યાં કોઈ સૈન્ય શિબિર છે? આ શિબિરને નિયંત્રિત કરનારું કોઈ ત્યાં છે?’
4 દિવસ પછી ‘મર્સિલેસ ટેરરિસ્ટ’ નામનો એક વ્યક્તિ આ પોસ્ટનો જવાબ આપે છે.
પ્રિય ભાઈ, માર્ગ ખુલ્લો છે. ઇરાકમાં અનેક સમૂહો છે. જાઓ... અને જે તમને પસંદ આવે, વિશ્ર્વાસપાત્ર લાગે તેમાં ભળી જાવ. જે જશે તે ઇરાકની ભૂમિનો રક્ષક ગણાશે. અલ્લાહની મહેરબાનીથી એક દિવસ તમે મુઝાહિદ્દીન બની જશો...
ત્યાર પછી રિડેમ્પ્શન ઇજ ક્લોઝે થોડી વધુ અને સચોટ જાણકારી માગી તો મર્સિલેસ ટેરરિસ્ટે એક આતંકવાદી વીડિયો પોસ્ટ કર્યો. ઉપરાંત કહ્યું કે, ‘પૈલ ટોક’ નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરી લો. આ સોફ્ટવેરથી બીજાની કે ગુપ્તચર એજન્સીઓની નજરમાં આવ્યા વિના ઇન્ટરનેટ પર વાર્તાલાપ થઈ શકે છે... આતંકવાદીઓ આઈટી ક્ષેત્રે કેટલા આગળ છે તેનું આ એક વાસ્તવિક ઉદાહરણ છે. આવા તો અનેક લોકો આતંકવાદ માટે ઇન્ટરનેટની મદદથી જેહાદી યુવાનોને શોધી રહ્યા છે...
* * *
હાફિસનું એકાઉન્ટ બંધ... ફરી ચાલુ...
25.jpgથોડા દિવસ પહેલાં જ એક સમાચાર હતા કે ભારત વિરોધી પ્રચાર કરવા બદલ પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તૈયબાના અમીર હાફિજ સઈદનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે. ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયાના થોડા જ સમય બાદ હાફિસ સઈદનાં બીજાં ત્રણ ટ્વિટર એકાઉન્ટ ખૂલી જાય છે અને ભારત વિરોધી પ્રચાર પણ શરૂ થઈ જાય છે.
* * *
તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો હુમલો અટકાવી શકાત
11 સપ્ટેમ્બર, 2001. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલ આતંકવાદી હુમલો યાદ જ હશે! અમેરિકાની ગુપ્તચર એજન્સીને ખબર હતી કે મોટો આતંકવાદી હુમલો થવાનો છે. આ માટે તેના અધિકારીઓએ અનેક સંદિગ્ધ લોકોના ઇ-મેલ ચેક પણ કર્યા. 26.jpgનવાઈની વાત એ હતી કે આ લોકો એકબીજાને રમૂજી ટૂચકા, જોક્સ, હાસ્યાસ્પદ ફોટાઓની આપ-લે કરતા. અધિકારીઓ પણ આ ઈ-મેલથી આશ્ર્ચર્યમાં હતા. તેમને સમજાતું નહોતું અને અમેરિકા પર હુમલો થયો. હુમલા બાદ અધિકારીઓએ ફરી પેલા સંદિગ્ધોના મેઈલ ચેક કર્યા. પાછળથી ખબર પડી કે આ ફોટા, જોક્સ, રમૂજી ટૂચકાઓ દ્વારા ગુપ્ત સંદેશાઓની આપ-લે થઈ હતી. ઇન્ટરનેશનલ નિયમો મુજબ અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ આ ફોટાઓને, માહિતીને ડાઉનલોડ કરી શકતી ન હતી. જો ડાઉનલોડ કરી તપાસ કરી હોત તો આ હુમલો અટકાવી શકાત. જો કે આ ઘટના બાદ અમેરિકાએ પોતાના નિયમો બદલ્યા. એક કાયદો ઘડ્યો અને એજન્સીના અધિકારીઓને સંદિગ્ધ માહિતી ડાઉનલોડ કરવાની પરવાનગી પણ આપી. જો કે આ બહુ મોડું થઈ ગયું હતું. ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સિફતપૂર્વક આતંકવાદીઓએ સૂચનોનું આદાન-પ્રદાન કર્યું હતું.
* * *
મુંબઈનો આતંકવાદી હુમલો
27.jpg26 નવેમ્બર, 2008. મુંબઈ પર થયેલ આતંકવાદી હુમલાને જ્યારે ટેલિવિઝન પર આખી દુનિયા જોઈ રહી હતી ત્યારે આતંકવાદીઓ પણ તેનાં કારનામાં જોઈ સાંભળી શકતા હતા. તાજ અને ટ્રાઇડેન્ટ હોટલની વીજળી ડૂલ કરી દેવાઈ હતી. બધાં જ કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હતાં, છતાં આતંકવાદીઓને બધી ખબર પડતી હતી. કેવી રીતે? પોતાના બ્લેકબેરી સ્માર્ટફોનો દ્વારા તે બહારની દુનિયા સાથે જોડાયેલા હતા. સેટેલાઇટ ફોન દ્વારા આતંકવાદીઓ તેમના આકાઓ સાથે વાતચીત પણ કરતા અને ઇન્ટરનેટ પરની માહિતી પણ તેમને મળી રહેતી.
મુંબઈ હુમલામાં આતંકવાદીઓએ ટેક્નોલોજીનો જે રીતે ઉપયોગ કર્યો તેનાથી આઈટી વિશેષજ્ઞો પણ ચક્કર ખાઈ ગયા હતા. તાજ હોટલમાં ફસાયેલા વિદેશી નાગરિક એન્ડ્રિયાસ લિવેરસે બીબીસીનો સંપર્ક કર્યો અને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે ક્યાં અને કેવી રીતે ફસાયા છે. આ ઇન્ટરવ્યૂના થોડા સમય બાદ આતંકવાદીઓ તેની પાસે પહોંચી ગયા હતા અને તેને ગોળી મારી દીધી હતી. હોટલમાં ફસાયેલા લોકો જે અંદરથી ન્યૂઝ ચેનલ્સ અને મીડિયા સંસ્થાઓ સાથે સંપર્કમાં હતા... જેઓ કોલ્સ, એસએમએસ, એમએમએસ, ઈમેલ દ્વારા આપ-લે કરતા હતા તેમને ડર હતો કે આનાથી આતંકવાદીઓ તેમની પાસે પહોંચી જશે. કેમ કે સેટેલાઇટ ફોન અને ઇન્ટરનેટથી આતંકવાદીઓને તેમનું લોકેશન ખબર પડી જતી હતી. આતંકવાદીઓ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હતા...
* * *
સાયબર આતંકવાદી!
28.jpgઆક્ટોબર 2005. સ્કોટલેન્ડની પોલીસ એક ફ્લેટમાં રેડ પાડે છે અને યુનુસ ત્સોબી નામના યુવાનની ધરપકડ કરે છે. ધરપકડ થઈ તે સમયે પોલીસ યુનુસને ખતરનાક ગણતી નહોતી પણ ધીરે ધીરે તપાસ કરતાં જે માહિતી બહાર આવી તેનાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. યુનુસ સોશિયલ મીડિયા પર આતંકી નેટવર્ક ઊભું કરી રહ્યો હતો. તે યુવાનોને જેહાદ માટે એકત્રિત કરી રહ્યો હતો. આતંકી હુમલો કરવા પ્રેરિત કરી રહ્યો હતો. તેની ઈ-મેલ આઈડીનો પાસવર્ડ હતો ‘ટેરરિસ્ટ 007’.
* * *
ઇન્ટરનેટનો ઉપયોગ કરી, ટેક્નોલોજીનો ઉપયોગ કરી આતંકવાદીઓ કઈ રીતે ઘટનાઓને અંજામ આપે છે તેનાં આ કેટલાંક ઉદાહરણો છે. હથિયાર અને બોમ્બ વિનાનું યુદ્ધ લડી આતંકવાદીઓ વિશ્ર્વને બાનમાં લેવાની વાત આજે જાહેરમાં કરી રહ્યા છે. ઇન્ટરનેટ દ્વારા કોઈ દેશને નુકસાન પહોંચાડી શકાય? પહોંચાડી શકાય. ઇન્ટરનેટ કનેક્શન વગરના દેશની તમે કલ્પ્ના કરી શકો? ભારતની જ વાત કરો... આજે સરકારી, બિન-સરકારી સંચાર પ્રણાલીઓથી લઈને શેરબજાર અને ઈ-કોમર્સ જેવી આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણ રીતે કોમ્પ્યુટર પર નિર્ભર છે. મીડિયાથી લઈને અનેક કોર્પોરેટ કંપ્નીઓનું કામ ઇન્ટરનેટના માધ્યમથી થાય છે. અનેક મહત્ત્વપૂર્ણ કંપ્નીઓ પોતાની દૂર-દૂરની શાખાઓને ઇન્ટરનેટના માધ્યમથી પાસે રાખે છે. સેવાઓની - માહિતીની આપલે કરે છે. વિભિન્ન સુરક્ષા એજન્સીઓ અને સૈન્ય અંગેની માહિતીથી લઈને દેશની અનેક માહિતી આજે કોમ્પ્યુટરાઇઝ છે. બેંકિંંગ, પરિવહન, સૂચના, સુરક્ષા, ઉદ્યોગ, કારોબાર... ભલે એકબીજાથી અલગ હોય પણ કોમ્પ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેટ દ્વારા આ બધાં એક બીજાસાથે જોડાયેલાં છે. આ જોડાણ તૂટે નહિ તેનું ધ્યાન રાખવું આજે અઘરું છે. જો કોઈ આતંકવાદી, હેર્ક્સ વાઇરસ દ્વારા આ જોડાણ તોડવામાં કે કોઈ કંપ્નીની માહિતી, સરકારની માહિતી કોમ્પ્યુટરમાંથી લેવામાં સફળ થઈ જાય તો તેનું શું પરિણામ આવે તેની ખબર છે? એક ઉદાહરણ જુઓ...
મે 2007. રશિયા સાથે મતભેદ થયા બાદ એસ્તોનિયા દેશ પર ખૂબ મોટો સાયબર હુમલો થયો. આ સાયબર હુમલો એટલો જબરજસ્ત હતો કે લગભગ ત્રણ અઠવાડિયાં સુધી આ દેશની બેંકિંંગ વ્યવસ્થા, સરકારી કામકાજ, અનેક ખાનગી સંસ્થાઓની ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ. કોમ્પ્યુટર સાથે જોડાયેલાં કામો ઠપ્પ થઈ ગયાં. આ સાયબર હુમલામાં ત્યાંની સંસદ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાનની આફિસ, સરકારી આફિસને પણ નિશાન બનાવવામાં આવી. બેન્કોમાં એટીએમથી લઈને બધા જ કોમ્પ્યુટર ઠપ્પ થઈ ગયાં. ખૂબ મોટું આર્થિક નુકસાન તે દેશને ભોગવવું પડ્યું. એક સાયબર હુમલો શું કરી શકે તેનું આ ઉદાહરણ છે. પ્રશ્ર્ન ગંભીર છે. શું ભારત પર આવો હુમલો થઈ શકે?
ટેક્નોલોજીના જાણકાર આતંકવાદી
આઈટીના વિશેષજ્ઞો હોય તેવા લોકો પણ આજે જેહાદી આતંકવાદ સાથે જોડાયેલા છે. આઈટીના યુવાનો આતંકવાદ સાથે જોડાઈ રહ્યા છે. આતંકવાદીઓને સાથ આપવા બદલ જે યુવાનોની ધરપકડ થઈ છે તેના પર નજર નાખો. થોડા વર્ષો પહેલાં મંસૂર પીરભાઈની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી. આ પીરભાઈએ દિલ્હીના હાલિયા બોમ્બ વિસ્ફોટમાં આતંકવાદીઓની મદદ કરી હતી. આ પીરભાઈ કોણ હતા ખબર છે? તેઓ ‘યાહુ’ના ટેકનિકલ વિશેષજ્ઞ તરીકે નોકરી કરતા હતા. કેટલાંક બીજાં નામો જુવો... મોબિન કાદર શેખ પુણેનો કોમ્પ્યુટર સાયન્સનો ગ્રેજ્યુએટ યુવાન, આસિફ બશીર શેખ પુણેનો મીકેનિકલ એન્જિનિયર, સુરતમાં બોમ્બ મૂકનાર મોહમ્મદ ઈસ્માઈલ ચૌધરી જે કોમ્પ્યુટર મીકેનિક છે. આ ભારતમાંથી પકડાયેલા આતંકવાદીઓ છે. ભારત સહિત વિશ્ર્વમાં આતંકવાદીઓનાં ટેક્નીશીયન ભેજાંઓ કામ કરી રહ્યા છે. આવામાં ભારતીય સુરક્ષા એજન્સીઓ અને વિશ્ર્વની ગુપ્તચર એજન્સીઓનું કામ કેટલું વધી ગયું છે તેનો અંદાજ આપણને આવી જવો જોઈએ.
ધમકી આપવા ઈ-મેલનો ઉપયોગ
કોઈપણ આતંકવાદી હુમલા થાય એટલે તેની જવાબદારી લેતો ઈ-મેલ આ આતંકવાદી સંગઠનો કરતાં હોય છે. ધમકી આપવી હોય કે હુમલાની જવાબદારી લેવાની હોય... આ માટે આતંકવાદીઓ હંમેશાં ઈ-મેલનો ઉપયોગ કરે છે. આ ઈમેલ પરથી આઈપી એડ્રેસ મળતું હોવા છતાં આપણી પોલીસ કે ઇન્ટેલિજન્સ આતંકવાદીઓ સુધી કે મેઈલ મોકલનાર સુધી પહોંચી શક્યું નથી. આતંકવાદીઓ કોઈનું બ્રોડબેન્ડ કનેક્શન હેક કરી અથવા ‘રીમેલર સર્વિસ’ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઈ-મેલ મોકલતા હોય છે, પરિણામે મેઈલ મોકલનાર સુધી પહોંચી શકાતું નથી. આતંકવાદીઓ ટેકનિકલી કેટલા સજ્જ છે તેનું આ પણ ઉદાહરણ છે.
આતંક ફેલાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ
29.jpgમેહદી અને યુસુફ જેવા અનેક લોકો આતંકવાદીઓને ઇન્ટરનેટ પર આતંક ફેલાવવા તથા જેહાદ માટે યુવાનોને એકત્રિત કરી આપવા કાર્ય કરી રહ્યા છે. તમે જુવો, તાલિબાન હોય, લશ્કર-એ-તૈયબા હોય કે આઈએસ હોય... આતંક ફેલાવવા કે પોતાનો સંદેશ વિશ્ર્વ સુધી પહોંચાડવા આ માધ્યમનો જ ઉપયોગ કરે છે. યુ-ટ્યુબ પર આ લોકોનો સંદેશ આપતા કરોડો વીડિયો છે, જેમાંથી જેહાદીઓ પ્રેરણા લઈ રહ્યા છે. બ્રિટનના ગવર્નમેન્ટ કોમ્યુનિકેશન હેડક્વાટ્ર્સના પ્રમુખ રોબર્ટ હૈનિગૈનનું કહેવું છે કે ફેસબુક અને ટ્વિટર આતંકવાદીઓ અને અપરાધીઓના ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ’ નેટવર્ક બની ગયા છે. ફાઈનાન્સિયલ ટાઇમ્સમાં પ્રકાશિત થયેલ એક લેખમાં લખવામાં આવ્યું છે કે આઈએસ સંગઠન વેબ દ્વારા આખી દુનિયામાં ભાવી જેહાદીઓ ઊભા કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સાયબર આતંકવાદીઓ પોતાની ઓળખ છુપાવવામાં સફળ થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જ સમાચાર હતા કે ઇરાકમાં મોસુલ શહેર પર હુમલો કરતી વખતે આઈએસ સંગઠને એક દિવસમાં લગભગ 40,000 ટ્વીટ કરી. ટ્વિટર પર લોકપ્રિય હોય તેવા હેશટેગનો ઉપયોગ કરી આતંકવાદીઓ પોતાની વાત કરોડો યુવાનો સુધી પહોંચાડી રહ્યા છે. ઈંજના આતંકવાદીઓ આજે ફેસબુક, યુ-ટ્યુબ, વોટસઅપ, ટ્વિટર, ઇંસ્ટાગ્રામ, ટમ્બલર જેવા સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. ટ્વિટરે થોડા સમય પહેલાં જ લગભગ 1000 સંદિગ્ધ આતંકવાદીઓના એકાઉન્ટ બંધ કરી દીધાં હતાં. પણ ત્યાર પછી પાછાં કેટલાં ટ્વિટર એકાઉન્ટ ખૂલી ગયાં તે કોઈ જણાવી શકે તેમ નથી!
મીડિયા ક્યારે સમજશે?
એવું કહેવાય છે કે આતંકવાદ પ્રચાર-પ્રસારના ઓક્સિજન પર જીવી રહ્યો છે. જો તેનો પ્રચાર-પ્રસાર ઓછો થઈ જાય - બંધ થઈ જાય તો તેની અસર પણ ઓછી થઈ જશે, પણ આવું થતું નથી. એવું લાગે છે કે આતંકવાદીઓનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવા મીડિયા તેમની મદદ કરી રહ્યું છે. 2008માં મુંબઈમાં થયેલ હુમલા વખતે આતંકવાદીઓએ ન્યૂઝ ચેનલમાંથી અનેક માહિતી મેળવી અને તેનો લાભ ઉઠાવ્યો હતો. આતંકવાદીઓ યુ-ટ્યુબ પર કોઈની હત્યા કરતો વીડિયો કે દુનિયાને ધમકી આપતો વીડિયો મૂકે એટલે મીડિયા માટે તે હેડલાઇન બની જાય છે. આજે મીડિયાએ પણ વિચાર કરવાની જરૂર છે. આતંકવાદીઓએ અપલોડ કરેલા વીડિયો, સંદેશો ઘરેઘરે પહોંચાડવાથી આતંકવાદીઓનો ઉદ્દેશ પૂર્ણ થાય છે. આટલી નાનકડી વાત મીડિયા ક્યારે સમજશે?
ગૂગલ અર્થ - ઇન્ટેલીજન્સ નકશો
30.jpgમુંબઈ હુમલા બાદ આપણી સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ આતંકવાદીઓને મુંબઈ સુધી પહોંચાડનારી ‘કુબેર’ નામની બોટમાં શોધખોળ કરી તો તેમને ત્યાંથી સેટેલાઇટ ફોનની સાથે દક્ષિણ મુંબઈનો વિસ્તૃત નકશો દર્શાવતી ગ્લોબલ પોઝિશનિંગ ડિવાઇસ (જીપીએસ) પણ મળી. જર્મન કંપ્નીની આ ઇલેક્ટ્રોનિક્સ ચીપ્સ પશ્ર્ચિમના દેશોમાં ખૂબ પ્રખ્યાત છે. આ ચીપ્સ વિશ્ર્વમાં કોઈપણ ખૂણે તમારી વર્તમાન સ્થિતિ દર્શાવી શકે છે. ઉપરાંત યોગ્ય માર્ગ પણ બતાવી શકે છે. આ એક પ્રકારનો ઇન્ટેલીજન્સ નકશો છે. બીજું એક હથિયાર છે ‘ગૂગલ અર્થ’. ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાનો કોઈ પણ ખૂણો તમે થર્ડ ડાયમેન્શન (થ્રીડી)માં જોઈ શકો છો. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ ગૂગલની આ સેવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તમે સૂચનાઓ વાંચી હશે કે ‘અમુક સંવેદનશીલ વિસ્તાર હોવાથી ‘કેમેરા’ લઈ જવાઈ મનાઈ છે...’ પણ ઇન્ટરનેટ પર ગૂગલ અર્થ અને ગૂગલ મેપ્સ જેવી અનેક સુવિધાઓથી તમે ત્યાંના બધા જ લોકેશન ફોટા સહિત જોઈ શકો છો. મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓએ યોગ્ય રસ્તો શોધવા ગૂગલ મેપ્સનો જ ઉપયોગ કર્યો હતો. ટૂંકમાં ગૂગલ અર્થથી આતંકવાદીઓ દુનિયાના ખૂણે-ખૂણે નજર રાખી શકે છે. હવે આવી ટેક્નોલોજીનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય તે વિચારો.
ભારતની સ્થિતિ નાજુક છે...
આઈટી ક્ષેત્રે હાલ વિશ્ર્વમાં ભારતનો ડંકો વાગે છે પણ ‘સાયબર’ ક્ષેત્રે ભારત ખૂબ પાછળ છે. આપણા આઈટીના અધિકારીઓ ઈ-મેલ પરથી જે-તે ઈમેલ કરનાર વ્યક્તિ પાસે પણ પહોંચી શકતા નથી. મોટા ભાગે આ માટે આપણે અમેરિકાની મદદ લેવી પડે છે. આ દુ:ખ સાથે કહેવું પડે છે કે મુંબઈના દરિયાકિનારે જે ‘કુબેર’ બોટ મળી તેની જીપીએસ ડિવાઇસમાંથી ‘ડેટા’ કઈ રીતે બહાર કાઢવા તેની જાણકારી આપણા સુરક્ષા વિશેષજ્ઞો પાસે ન હતી. આ માટે આપણે અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈની મદદ લેવી પડી હતી. મુંબઈ હુમલા બાદ તપાસમાં જો ભારતને એફબીઆઈની મદદ ન મળી હોત તો આપણે આતંકવાદીઓની સેટેલાઇટ પર થયેલી વાતચીતથી લઈને બ્લેકબેરી ટેલિફોનનો ઉપયોગ, ઈમેલ-સંદેશા સુધીની તપાસ પણ કરી શક્યા ન હોત. સાયબર યુદ્ધના આ જમાનામાં આપણે આ સંદર્ભે આગળ વધવાની જરૂર છે.
નવી સરકાર આ દિશામાં કાર્યરત
આંતર્રાષ્ટ્રીય આતંકવાદ સામે લડાઈ લડવી હોય તો આંતર્રાષ્ટ્રીય સ્ટેજ હોવું જરૂરી છે. વિશ્ર્વના દેશોએ એક મંચ પર આવવું પડે. ભારતની મોદી સરકારે ‘સાયબર આતંકવાદ’ને ગંભીરતાથી લીધો છે. હમણાં જ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ ભારતમાં નરેન્દ્ર મોદીને મળવા આવ્યા. તેમણે સાયબર આતંકવાદને રોકવા અંગે વાતચીત કરી. આપણા વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પણ આ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો અને કોપ્રિહેન્સીવ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટેરરિઝમનો સ્વીકાર કરવાની અપીલ કરી હતી. ત્યાર પછી નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં પણ આસ્ટ્રેલિયાની સંસદમાં ઇન્ટરનેટના માધ્યમથી આગળ વધતા આતંકવાદને રોકવાની અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતીય રાજદૂત અશોક કુમાર મુખર્જીએ મુંબઈ હુમલાને યાદ કરતાં કહ્યું હતું કે, આ અમારા માટે પહેલી ઘટના હતી જેમાં અમને આતંકવાદી ગતિવિધિઓનો નિર્દેશ આપ્નારી ‘વોઇસ ઓવર પ્રોટોકોલ’નો સામનો કરવો પડ્યો. ભારતે સાયબર આતંકવાદ રોકવા ઇન્ટરનેટના કાયદા-કાનૂનમાં બદલાવ લાવવાની વાત કરી છે.
અને છેલ્લે...
દુનિયા સામે આ નિર્ણાયક સમય છે. એક બાજુ લોકશાહી, સ્વતંત્રતા, અભિવ્યક્તિની માંગ વધી રહી છે ત્યારે બીજી બાજુ આનો ઉપયોગ કરી કેટલાંક આતંકવાદી સંગઠનો વિશ્ર્વને ગંભીર નુકસાન પહોંચાડવાના કામે લાગેલા છે. આવા સમયે સામૂહિક પહેલ જ આનો એક માત્ર ઉપાય છે. આતંકવાદ હોય કે સાયબર આતંકવાદ હોય વિશ્ર્વના દેશોએ એકજૂથ થઈને આનો સામનો કરવા આગળ આવવું પડશે. સાથો સાથ વૈશ્ર્વિક સ્તરે ટેક્નોલોજી અને તેના કાયદા સંદર્ભે સમન્વય કેળવી આગળ વધવું પડશે.
સાયબર યુદ્ધ... સાયબર અપરાધ
સાયબર આતંકવાદની જેમ સાયબર યુદ્ધ અને સાયબર અપરાધને પણ ગંભીરતાથી લેવાની જરૂર છે. સાયબર આતંકવાદ, સાયબર યુદ્ધ અને સાયબર અપરાધ જુદા-જુદા છે પણ તેનું માધ્યમ એક જ છે... ઇન્ટરનેટ. ઇન્ટરનેટના માધ્યમથી આ બધુ થાય છે.
સાયબર યુદ્ધ
વિશ્ર્વના દેશો વચ્ચે આજે સાયબર યુદ્ધ જામ્યું છે. થોડાં વર્ષો પહેલાં સમાચાર આવ્યા હતા કે ચીની હેર્ક્સોએ ભારતની સૈન્ય આફિસ અને વડાપ્રધાન કાર્યાલયના કોમ્પ્યુટરમાં ઘૂસણખોરી કરી. ચીની હેર્ક્સોએ ચીનમાં બેઠા બેઠા સેનાના અને વડાપ્રધાન કાર્યાલયના કોમ્પ્યુટરમાંથી ગુપ્ત, સંવેદનશીલ માહિતીઓ હતી તે મેળવી લીધી હતી. ચીને આવું અમેરિકા સાથે પણ કર્યું. હેર્ક્સની બાબતે ચીન આજે નંબર વન છે. મહત્ત્વની વાત એ છે કે ચીને આ માટે ‘સાયબર આર્મી’ ઊભી કરી છે અને આઈટીના વિશેષજ્ઞો આ આર્મીમાં છે. બ્રિટન અને અમેરિકાએ પણ આવી સાયબર આર્મીઓ ઊભી કરી છે. ઇન્ટરનેટ પર યુદ્ધ લડવા ‘સાયબર આર્મી’ કેવું! નવાઈ લાગેને! પણ આ વાસ્તવિક છે. જલ-થલ-વાયુ સેનાની જેમ વિશ્ર્વના દેશોને આજે ‘સાયબર સેના’ની જરૂર છે. ચીન, અમેરિકા, બ્રિટને આ આર્મી બનાવી લીધી છે. ભારતની સ્થિતિ હજુ શરૂઆતના તબક્કામાં છે. સમય આવી ગયો છે કે ભારત પણ પોતાની ‘સાયબર આર્મી’ ઊભી કરે... સમયની આ માંગ છે!
સાયબર અપરાધ
ઇન્ટરનેટ દ્વારા દુનિયામાં અપરાધ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા થતો અપરાધ આપણને દરરોજ છાપામાં વાંચવા મળે છે. કોઈના ખરાબ ફોટા ફેસબુક, ટ્વિટર, યુ-ટ્યુબ પર અપલોડ કરી દેવા, ઇન્ટરનેટ દ્વારા બ્લેકમેઇલ કરવું, ઇન્ટરનેટ દ્વારા ચોરી કરવી, ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન બેંકમાંથી પૈસા ઉપાડી લેવા... આવા તો અનેક અપરાધ આજે સાયબર વર્લ્ડ પર થઈ રહ્યા છે. આ માટે પણ ભારતની પોલીસથી લઈને આઈટી વિશેષજ્ઞો સુધી સૌએ વધુ તૈયાર રહેવાની આજે જરૂર પડી છે.

Source:Sadhana

No comments: