ગુજરાતનો ઇતિહાસ બદલાશે? - GUJARAT GENERAL KNOWLEDGE

શુક્રવાર, જાન્યુઆરી 23, 2015

ગુજરાતનો ઇતિહાસ બદલાશે?

ધોળાવીરાની પાંચ હજાર વર્ષ જૂની ભવ્ય વિરાસતને વધારે મજબૂતી આપવા અને તેની આસપાસના પાંચ હજાર વર્ષ જૂના નાનાં શહેરનાં અવશેષો શોધી કાઢવા જાપાનનાં પુરાતત્ત્વવિદોએ આજથી મોટું ઉત્ખનન કાર્ય હાથ ધર્યું છે. આ કામમાં જાપાનને ઊંડો રસ પડતાં તેની સાથે ગુજરાતનું પુરાતત્ત્વ વિભાગ જોડાયું છે અને અત્યંત મહત્ત્વપૂર્ણ ઓપરેશન હાથ પર લીધુંં છે. પુરાતત્ત્વવિદોની ટીમ ઘટનાં સ્થળે પહોંચી ગઈ છે અને શોધખોળનું કામ શરૂ કરી દીધું છે. જો સંશોધકો સફળ રહ્યાં તો ગુજરાતનો ઈતિહાસ બદલી નાખે તેવી ઘટના બનશે.
ધોળાવીરા વેપારી અને ઔદ્યોગિક સામ્રાજ્યનું કેન્દ્ર હતું અને તેની આસપાસ નાના-નાના શહેરોમાં ઔદ્યોગિક ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હતું તે સિદ્ધ કરવા માટે કાનમેરની પુરાતત્ત્વીય સાઈટ અત્યંત મહત્ત્વની પુરવાર થશે. પુરાવા મળશે તો ધોળાવીરા ભારતની મોટી સભ્યતાની વસાહત પણ જાહેર કરી શકાય તેમ છે તેથી જાપાન પણ કાનમેરનાં ઔદ્યોેગિક ઉત્પાદનની ઊંડી વિગતો મેળવીને તેને વિશ્વ ફલક ઉપર જોડવા માગે છે. જાપાન આ શોધખોળ માટે જંગી નાણાં ખર્ચી રહ્યું છે, જો પુરાતત્ત્વવિદો આ શોધમાં સફળ થાય તો ધોળાવીરાને વિશ્વના પાંચ હજાર વર્ષ જૂના ઔદ્યોગિક સામ્રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરી શકાય તેમ છે.
કાનમેરનું પ્રવેશદ્વાર શોધવા અભિયાન
કાનમેર શહેરનો દરવાજો શોધવા માટે પ્રયાસના ભાગરૂપે ઉત્ખનન શરૂ કરાયું છે. જો તેનું પ્રવેશદ્વાર શોધવામાં સફળતા મળે તો શહેરની ભૂગોળ અને તેનો ઇતિહાસ સરળ બની શકે તેમ છે. તેની સાથે જોડાયેલી સુરક્ષાની દીવાલ એટલે કે કોટ પણ મળી આવશે. તેમ થશે તો કાનમેર સાઈટની રચના તેમાં આવેલાં માર્ગો, મકાનો અને તેનાં ઓેદ્યોગિક કેન્દ્રો શોધવા વધારે સરળ રહેશે. જેના આધારે શહેરની વસતી કેટલી હતી અને તે ધોળાવીરાને કઈ રીતે પુરવઠો પૂરો પાડતું હતું તે જાણી શકાશે. તેમ શોધકાર્યમાં જોડાયેલા નિષ્ણાતોએ જણાવ્યું હતુંુ.
ઉત્ખનનનો ૮૦ ટકા ખર્ચ જાપાન આપશે
ત્રણ તબ્બકે વિકસેલ આ શહેરના સ્થળે પાંચથી છ મીટર ઊંડેે સુધી માટી ખોદવામાં આવી રહી છે. લગભગ ૨૦ મીટરના ચોરસમાં ખોદકામ કરીને વૈજ્ઞાાનિક રીતે તેના નકશા તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટ ખર્ચનો ૮૦ ટકા હિસ્સો જાપાન દ્વારા આપવામાં આવશે. આ અંગે ગુજરાત સરકાર સાથે અગાઉ એમ.ઓ.યુ. પણ થયાં હતા. કેન્દ્ર સરકારનાં પુરાતત્ત્વ વિભાગ - એ.એસ.આઈ.એ ગુજરાતના પુરાતત્ત્વ વિભાગને ખોદકામ માટે જાન્યુઆરીમાં મંજૂરી આપી છે.
કારખાના મળ્યા
રાજ્યના પુરાતત્ત્વ વિભાગે ૨૦૦૫માં અહીં શોધખોળ કરી તેમાં ઘણી નવી કડીઓ મળી હતી. શહેરનાં ત્રણ તબક્કા મળ્યા હતા. જેમાં કાચના મોતીનું ઉત્પાદન કરવા માટેના અહીં કારખાનાં હતા. વસ્તીના પુરાવા અને મકાનોની પૂરી વસાહત મળી આવી હતી.
પુરાતત્ત્વ ખાતાની આગેવાનીમાં ઉત્ખનન માટે કામગીરી શરૂ કરાઈ છે. બે મહિના સુધી ચાલનારા ખોદકામમાં ધોળાવીરાના ઔદ્યોગિક સામ્રાજ્યની સાથે આ ૧૦૦ મી. ત્રિજ્યાનું શહેર કઈ રીતે જોડાયેલું હતું તે શોધી કઢાશે. તે ધોળાવીરાથી ૧૦૦ કિ.મી. દૂર હતુંુ. જમીનની અંદર જે સ્થળેથી અવશેષો મળશે તે પુરાવાઓને નકશામાં વૈજ્ઞાાનિક રીતે દર્શાવવામાં આવશે.'      
-          વાય.એસ. રાવત, ડાયરેક્ટર
કોણ છે નિષ્ણાતો ?
  • જાપાનની દોષીસા યુનિર્વસિટીના રિસર્ચ સેન્ટર ફોર નોલેજ સાયન્સ ઈન કલ્ચરલ હેરિટેજનાં ૩ નિષ્ણાતો આવેલા છે.
  • ગુજરાત પુરાતત્ત્વ ખાતાના ૪થી ૫ નિષ્ણાતો
  • રાજસ્થાનની રાજસ્થાન વીદ્યાપીઠના ૩ નિષ્ણાતો
 
કાનમેર બંદર હતું
કાનમેર, દરિયા સાથે નદી દ્વારા જોડાયેલું સ્ટ્રેટેજિક પોઈન્ટનું બંદર હતુંુ. આયાત નિકાસ કરીને ભારતના અંદરના વિસ્તારોમાં માલ પહોંચાડતું. જેનાં સંબંધો મેસોપોટેમિયસ સાથે જોડાયેલાં હતા. અહીં સંપૂર્ણ ઔદ્યોગિક ક્રાંતિ થઈ હોવાનું મનાય છે.
બકરા કોટનો ટીંબો
કાનમેર નામનું ગામ હાલ અસ્તીત્વ ધરાવે છે તેની બાજુના ટીંબાને બકરાકોટ કહે છે, ટીંબાની નીચે જમીનમાં શહેર મળી આવ્યું છે. આ સાઈટનું નામ કાનમેર રખાયું છે. ઈતિહાસની કિંમતી ચીજો મળી હતી.
પિત્રોડા કુળ અહીંના છે
પિત્રોડા કુળ કાનમેરની સાથે જોડાયેલાં છે. પિત્રોડા કુળનાં અહીં પાળિયા હાલ આવેલાં છે. અમદાવાદ, ગાંધીનગરમાં ઘણાં પિત્રોડા કુળના વંશજો રહે છે.

ટિપ્પણીઓ નથી: