ગાજરના રસમાં રહેલું ‘કેરોટિન’ (પ્રજીવક ‘એ’) આંખો માટે ખૂબ જ લાભદાયક છે.
પરિચય : ગાજરનો ઉદ્ભવ કાશ્મીર, પશ્ર્ચિમ હિમાલય પ્રદેશ, યુરોપ, ઉત્તર એશિયા, એબિસિનિયા અને ઉત્તર આફ્રિકામાં થયો હતો. હવે તો તેનો ફેલાવો જગતભરમાં થઈ ગયો છે. ગાજર કંદમૂળ છે. તે ચાર-પાંચ ઇંચથી માંડી દસ-બાર ઇંચ જેટલાં લાંબાં છે અને રંગ લાલ હોય છે. દિલ્હી ગાજરની જાત ખૂબ જ સારી અને મીઠી હોય છે.
ગુણધર્મ : ગાજર મધુર, ઉષ્ણ, હૃદ્ય, અગ્નિદીપક, રુક્ષ, રુચિકર, ચક્ષુષ્ય, મૂત્રલ, ગ્રાહી તથા કંઈક અંશે કડવું છે. તે ભગંદર, કૃમિ, સંગ્રહણીમાં રાહત આપે છે અને વાત-કફનો નાશ કરે છે. વધુ પ્રમાણમાં તે પિત્તકારક છે.
ગાજરમાં રહેલુ કેલ્શિયમ સુપાચ્ય હોવાથી ફક્ત ગાજર ખાઈને જ શરીર માટે જરૂરી કેલ્શિયમ મેળવી શકાય છે. બટેટા કરતાં ગાજરમાં છગણું કેલ્શિયમ છે. ડા. ડબલ્યુ. કુબ્બરના મત પ્રમાણે ગાજરમાં કેરોટિન અને કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોવાથી નાનાં બાળકો માટે ગાજરનો રસ યોગ્ય આહાર છે.
ગાજરમાં રહેલા ‘કેરોટિન’ તત્ત્વનું યકૃત દ્વારા પ્રજીવક ‘એ’માં રૂપાંતર થાય છે. યકૃતમાં તેનો સંગ્રહ પણ થાય છે.
લાભ : ગાજરને ચાવીને ખાવાથી દાંત મજબૂત અને સ્વચ્છ બને છે. તેને છીણીને, થોડું મીઠું નાખીને ખરજવા પર બાંધવાથી ફાયદો થાય છે. આંખોના સ્વાસ્થ્ય માટે ગાજર ઉત્તમ ખોરાક છે.
ગાજરના રસમાં ટોકોકિનિન નામનું તત્ત્વ છે. તે માનવશરીરમાં બનતા ઇન્સ્યુલિનને મળતું આવે છે અને મધુપ્રમેહમાં ઉપયોગી પુરવાર થયું છે.
No comments:
Post a Comment