Friday, October 10, 2014

ભારતમાં સરેરાશ 7175 વ્યક્તિએ એક પોસ્ટ ઓફિસ છે

ભારતમાં સરેરાશ 7175 વ્યક્તિએ એક પોસ્ટ ઓફિસ છે

9થી 15 ઓક્ટોબર ભારતભરમાં પોસ્ટલ વીક તરીકે ઉજવાય છે

દાલ સરોવરમાં તરતી અને હિમાચલમાં સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ છે

અમદાવાદ, ઓક્ટોબર 10, 2014
દર વર્ષે ઓક્ટોબરમાં 9 થી 15 તારીખ વચ્ચે ભારતભરમાં પોસ્ટલ વીકની ઉજવણી થાય છે. ભુલાતી જતી ટપાલ પ્રથા અંગે લોકો જાગૃત રહે અને પોસ્ટ વિભાગના કામકાજથી વાકેફ રહે એ માટે આ ઉજવણી થાય છે. એ દરમિયાન ટપાલતંત્ર વિશે કેટલીક રસપ્રદ વિગતો..
- ભારતીય ટપાલ ખાતામાં કુલ 1, 55,015 પોસ્ટ ઓફિસો છે, જે જગતમાં સૌથી વધુ છે. એટલે કે ભારતનું પોસ્ટલ નેટવર્ક સૌથી મોટું છે. અલબત્ત, મોટું છે, પરંતુ કાર્યક્ષમ નથી. ટપાલો તો ટાઈમે નથી જ પહોંચતી. દરેક પોસ્ટ ઓફિસ સરેરાશ  21.21 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે અને અંદાજે 7175 વ્યક્તિઓને સેવાનો લાભ આપે છે.

- 2011ના ઓગસ્ટમાં ટપાલતંત્રએ શ્રીનગરના દાલ સરોવરમાં તરતી પોસ્ટ ઓફિસ શરૃ કરી છે. આ પોસ્ટ ઓફિસ જંગી કદની હોડી પર તૈયાર કરવામાં આવી છે. એ પોસ્ટ ઓફિસમાં ટપાલ સેવાઓ ઉપરાંત નાનકડું સંગ્રહાલય પણ બનાવામાં આવ્યુ છે, જેથી પ્રવાસીઓ તેની મુલાકાત લઈ શકે. ભારતનું સૌથી મોટુ પોસ્ટલ સંગ્રહાલય દિલ્હીમાં આવેલુ નેશનલ ફિલાટેલી મ્યુઝિયમ છે. જેમાં ભારતના ઈતિહાસની તમામ અનોખી ટપાલ ટિકિટો અને ટપાલ સેવા સાથે સંકળાયેલી ચીજો રાખવામાં આવી છે.

- ભારતમાં ટપાલનો ઈતિહાસ બ્રિટિશકાળથી શરૃ થાય છે. 1764માં બ્રિટિશરોએ મુંબઈમાં પહેલી ટપાલ ઓફિસ ખોલી હતી. પરંતુ ટપાલ ટિકિટનો વપરાશ તો છેક 1852માં શરૃ થયો હતો. એ પહેલાં ચલણી સિક્કા દ્વારા ટપાલની આપ-લે થતી હતી. આઝાદી પછીની પહેલી ટિકિટ 1947ની 21મી નવેમ્બરે રજુ થઈ હતી. તેના પર ભારતનો રાષ્ટ્રધ્વજ હતો. જ્યારે ટપાલ ટિકિટ પર સ્થાન પામનારા પહેલા મહામહિમ સ્વાભાવીક રીતે જ મહાત્મા ગાંધી હતાં.
- એરમેલ એટલે કે હવાઈ જહાજ દ્વારા ટપાલ પહોંચાડવાની પ્રથા ભારતમાં શરૃ થઈ હતી. 1911માં અલાહાબાદ અને નૈની વચ્ચે વિમાન ઉડ્યુ હતું, જેમાં ટપાલો હતી.
- ટપાલો નાખવા માટે ભારતમાં  5,73,749 લેટરબોક્ષ ઠેર ઠેર ગોઠવાયેલા છે.
- ભારતમાં ટપાલતંત્રનો વપરાશ માત્ર પત્રની લેતી દેતી માટે નથી થતો. ગ્રામ્ય વિસ્તારમાં પોસ્ટ ઓફિસ બચતનું મોટું કેન્દ્ર છે. આજના જેટલા બચત અને નાણા રોકાણના વિકલ્પો ન હતાં, ત્યારે લોકો પોસ્ટ ઓફિસની યોજનાઓમાં જ રોકાણ કરવાનું પસંદ કરતાં હતાં. બેન્કો હજુ ગામડામાં પહોંચી ન હતી. માર્ચ, 2013ના આંકડાઓ પ્રમાણે ભારતીય પોસ્ટ વિભાગ પાસે 23.8 કરોડ બચત ખાતાઓ છે, જેમાં વિક્રમજનક કહી શકાય એટલી રૃપિયા 68.4 ટ્રિલિયની બચત થયેલી છે.

- હિમાચલ પ્રદેશના હિક્કીમમાં આવેલી પોસ્ટ ઓફિસ જગતની સૌથી ઊંચી પોસ્ટ ઓફિલ છે. કેમ કે તે 15,500 ફીટ ઊંચે ગોઠવાયેલી છે. 600 માણસોની વસતી ધરાવતી હિક્કમના ટપાલખાતામાં રોજના દસ-પંદર પત્રોની આવન-જાવન થતી રહે છે.


- ભારતની ધરતી બહાર પહેલી પોસ્ટ ઓફિસ 1983માં એન્ટાર્કટિકા ખંડમાં આવેલા ભારતના સંશોધન કેન્દ્ર દક્ષિણ ગંગોત્રીમાં સ્થપાઈ હતી.
- 2001ના વર્ષમાં સૌથી વધુ 76 ટપાલ ટિકિટો બહાર પડાઈ હતી. અલબત્ત, 1955નું વર્ષ એવુ હતું, જ્યારે એક પણ ટપાલ ટિકિટ રિલિઝ નહોતી થઈ. સૌથી ઓછા મૂલ્યની ટપાલ ટિકિટ 1959માં આવી હતી, જેની કિંમત 60 નૈયા પૈસા હતાં. જ્યારે 2003માં 447 રૃપિયા સાથે સૌથી વધુ કિંમતની ટિકિટ જાહેર થઈ હતી.
- સમય સાથે પરિવર્તન ન થવાથી અને ખાસ તો ટપાલ વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે થતાં ઉદ્ધત વર્તનથી ત્રાસીને લોકોએ ટપાલ સેવાનો લાભ લેવાનું ઓછુ કરી દીધુ છે. ભારત પાસે વિશ્વનું સૌથી મોટુ ટપાલ તંત્ર છે, પરંતુ એ કહેવા માટે મોટુ છે. હકીકત એ છે કે મોટા ભાગની પોસ્ટ ઓફિસો એવી છે, જ્યાં શારીરિક રીતે અપંગ વ્યક્તિઓ સરળતાથી પહોંચી શકતા નથી.

Source : Gujarat Samachar
Post a Comment