GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

અલીબાબાના જેક મા ચીનના સૌથી ધનવાન વ્યક્તિ : ફોર્બ્સ

ઇ-કોમર્સ જાયન્ટ અલીબાબાના સ્થાપક જેક મા ૨૦ અબજ ડોલરની સંપત્તિ સાથે ચીનના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયાં છે. ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા અનુસાર ચીનનું અર્થતંત્ર મંદ પડયું હોવા છતાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ૨૦૧૩માં ચીનમાં અબજોપતિઓની સંખ્યા ૧૬૮ હતી જે ૨૦૧૪માં વધીને ૨૪૨ પર પહોંચી ગઇ હતી. ગયા મહિને ચીનના હુરુન મેગેઝિનની આજ પ્રકારની યાદીમાં પણ જેક માને પ્રથમ સ્થાન અપાયું હતું. જેમાં તેમની સંપત્તિન અંદાજ ૨૫ અબજ ડોલર મંડાયો હતો. ફોર્બ્સની યાદી પ્રમાણે અમેરિકાની સિનેમા ચેઇન એએમસીને ચીનમાં લાવનાર વેંગ જિયાનલિને પ્રથમ સ્થાન ગુમાવી ચોથા સ્થાને પહોંચી ગયાં છે. તેમની સંપત્તિ ૧૪.૧ અબજ ડોલરથી ઘટી ૧૩.૨ અબજ ડોલર થઇ ગઇ છે. વર્તમાન નાણાકિય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ચીનનું અર્થતંત્ર મંદ પડયું છે. રિઅલ એસ્ટેટની કિંમતો ઘટાડવા સરકારે કરેલા હસ્તક્ષેપને કારણે વિકાસની ગતિ છેલ્લા પાંચ વર્ષના નીચલા સ્તર પર છે.
જેક માની સંપત્તિમાં તોતિંગ વધારો
સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં આવેલા અલીબાબાના રેકોર્ડ બ્રેક આઇપીઓને પગલે જેક માની સંપત્તિ ગયા વર્ષની ૭.૧ અબજ ડોલરથી વધીને ૧૯.૫ અબજ ડોલર પર પહોંચી ગઇ છે. કંપનીના ફાઇલિંગ અનુસાર જેક માએ આઇપીઓ દ્વારા શેરો વેચીને ૮૦૦ મિલિયન ડોલર કરતાં વધુની કમાણી કરી લીધી હતી.
૬૦,૦૦૦ ઇં થી કંપની શરૂ કરી
૧૫ વર્ષ પહેલાં જેક માએ પોતાના મિત્રો સાથે મળીને ૬૦,૦૦૦ ડોલરનું રોકાણ કરી અલીબાબાની સ્થાપના કરી હતી. અમેરિકન શેરબજારમાં લિસ્ટિંગ થયાં બાદ આ કંપની ૨૪૦ અબજ ડોલરની બની ગઇ છે.

SandeshNews

No comments: