ભારતના અતિગીચ અને ઝડપભેર વૃદ્ધિ પામી રહેલા મોબાઇલ હેન્ડસેટ માર્કેટમાં વધુ સ્પર્ધાત્મક બનવાની વ્યૂહરચનાને નવો ઓપ આપવાના પ્રયાસના ભાગરૂપે માઈક્રોસોફ્ટે તેના સ્માર્ટફોનમાંથી પ્રતીકાત્મક નોકિયા બ્રાન્ડનું નામ દૂર કરવાની કવાયત શરૂ કરી દીધી છે. માઈક્રોસોફ્ટ ચાલુ વર્ષના અંત સુધીમાં આ નામ દૂર કરી દે તેવી શક્યતા છે. માઈક્રોસોફ્ટે એપ્રિલમાં ૭.૨ અબજ ડોલર ચૂકવીને નોકિયાનો મોબાઇલ ફોન બિઝનેસ ખરીદી લીધો હતો અને તેના થોડાક મહિના બાદ હવે આ હિલચાલ જોવા મળી છે.
પરિચિત લોકોના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટફોન પરથી નોકિયાનું બ્રાન્ડિંગ દૂર થશે કારણ કે, માઈક્રોસોફ્ટ એક પછી એક તમામ દેશોમાં રિબ્રાન્ડિંગ કવાયત કરવાની યોજના ધરાવે છે.
કંપની એકસાથે તમામ દેશોમાંથી નોકિયાનું નામ પડતું મૂકવા માંગતી નથી. માઈક્રોસોફ્ટ સૌ પ્રથમ ફ્રાન્સમાં આ કવાયત કરશે જ્યાં નોકિયાના ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું નામ ‘માઈક્રોસોફ્ટ લુમિયા’ થઈ જશે અને આ જ પ્રક્રિયા અન્ય દેશોમાં પણ ચાલશે.
નોકિયા ફ્રાન્સના ફેસબુક પેજ પર ફોલોઅર્સને જણાવવામાં આવ્યું હતું કે, આવનારા દિવસોમાં પેજનું નામ બદલાઈ જશે અને અન્ય માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.
ભારતમાં ચાલુ મહિનાના પ્રારંભમાં લોન્ચ થયેલા લુમિયા સ્માર્ટફોન મોડલ (લુમિયા ૭૩૦, લુમિયા ૮૩૦ અને લુમિયા ૯૩૦) પર નવું બ્રાન્ડિંગ કેવું લાગશે તે અંગે માઈક્રોસોફ્ટ હજુ સ્પષ્ટ નથી.
No comments:
Post a Comment