આઝાદી વેળાએ રજવાડાંમાં વહેંચાયેલા ભારતને અખંડ રાષ્ટ્ર બનાવનારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવિક્રમી ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નિર્માણ માટે સોમવારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા સાદા સમારંભમાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને વર્ક ઓર્ડર અપાયો હતો. રૂ.૨૯૮૯ કરોડના સમગ્ર પ્રોજેક્ટનું કામ એક જ કંપનીને સુપરત કરાયું છે અને આ કામને નિર્ધારિત ચાર વર્ષમાં એટલે કે ૨૦૧૮ના અંત સુધીમાં પૂર્ણ કરવા માટેનો લક્ષ્યાંક અપાયો છે. પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, '૭૫ વર્ષથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જાણીતી એલ એન્ડ ટીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણ તરફનું એક કદમ છે. ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની વિશાળ કદની પ્રતિમાના નિર્માણ થકી ભારતને એક અને અખંડ રાષ્ટ્ર બનાવવા માટેના એમના પરિશ્રમને એક સાચી અંજલિ રૂપ ગણાશે.'
એક વર્ષથી ચાલતી વિવિધ પ્રક્રિયા અને કેન્દ્ર-રાજ્યની મંજૂરીઓ બાદ ઇ- ટેન્ડરિંગના વૈશ્વિક બિડરો પાસેથી બિડ મેળવી પારદર્શી પ્રક્રિયાથી એલ એન્ડ ટી કંપનીને સોમવારે કોન્ટ્રાક્ટ અપાયો છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, મંત્રીઓ બાબુભાઇ બોખીરિયા, રમણલાલ વોરા, સૌરભ પટેલ તથા મુખ્યસચિવ વરેશ સિંહાની ઉપસ્થિતિમાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના મેમ્બર સેક્રેટરી શ્રીનિવાસને એલ એન્ડ ટીના ડિરેક્ટર એસ.એન. સુબ્રમણ્યમને વર્ક ઓર્ડર આપ્યો હતો. સંભવતઃ શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે કામનો પ્રારંભ થશે.
સરદાર સરોવર ડેમથી સાડા ત્રણ કિમી હેઠવાસમાં બનનારી વિશાળ કદની સરદાર પટેલની પ્રતિમા નવી પેઢી માટે રાષ્ટ્રીય ચેતના જગાવનારું પ્રતીક બની રહેશે, તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે કેન્દ્ર સરકારે રૂ.૨૦૦ કરોડની રકમ આ વખતના બજેટમાં ફાળવી આપી છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ પ્રતિમાના નિર્માણ સાથે જ કેવડિયા કોલોની સહિત સમગ્ર જિલ્લામાં પ્રવાસનને તક મળશે. લોકોને રોજગારી મળશે. એટલું જ નહીં અહીં બનનારાં શોધ સંશોધન કેન્દ્ર, કોમ્યુનિટી હોલ, પ્રદર્શન, લેસર શોની સાથોસાથ જિલ્લામાં કૃષિ, જળવ્યવસ્થાન, પ્રવાસન, અન્ય માળખાકીય સુવિધાઓને કારણે વધુ રૂ. ૬૦૦૦ કરોડના રોકાણની શક્યતા છે.
સરદાર જયંતીએ 'રન ફોર યુનિટી' કાર્યક્રમ
તા.૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં "રન ફોર યુનિટી"નો કાર્યક્રમ આપ્યો છે. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ૩૧ ઓક્ટોબરના રોજ સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે. આ માટે ભાજપ સંગઠનની મદદ લેવામાં આવશે. ગુજરાતની મહાનગરપાલિકાઓ,નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત મથકોએ સ્થાનિક સત્તાધીશો દ્વારા કાર્યક્રમોનું આયોજન થશે. મ્યુનિસિપલ કમિશનર, ડી.ડી.ઓ., ટી.ડી.ઓ. તથા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 'રન ફોર યુનિટી' નો કાર્યક્રમ- રૂટ વગેરે સ્થાનિક ભાજપના ચૂંટાયેલા સભ્યો સાથે નક્કી કરશે. ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ ગુજરાત ભાજપના કાર્યકરોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરી છે.
SandeshNews
No comments:
Post a Comment