પોતાના મોબાઇલ ફોનમાં ફ્રી એપ્સ ઇન્સ્ટોલ કરનાર કરોડો લોકોની જાસૂસી થઇ રહી હોવાની ચેતવણી સિક્યુરિટી નિષ્ણાતોએ ઉચ્ચારી છે. ડિવાઇસને ટોર્ચ તરીકે વાપરવાની પરવાનગી આપતાં ઘણાં ફ્લેશલાઇટ એપ્સ ગુપ્ત રીતે સૌથી સંવેદનશીલ વ્યક્તિગત માહિતી રેકોર્ડ કરે છે, જેમાં ફોનનાં લોકેશન, તેના માલિકની વિગતો અને સંપર્ક ઉપરાંત ટેક્સ્ટ મેસેજની વિગતોનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતોનો દાવો છે કે આ માહિતી યૂઝર્સની શોપિંગ હેબિટ ચકાસવા માટે માર્કેટ રિસર્ચ કંપનીઓ અને એડવર્ટાઇઝિંગ એજન્સીઓને પૂરી પડાય છે.
ટેક્નોલોજીના નિષ્ણાતો કહે છે કે ગ્રાહકોએ આ ચેતવણીથી સાવચેત થઇ જવાની જરૂર છે કે જો કોઇ એપ ફ્રી મળી રહ્યું છે તો તેનું બિઝનેસ મોડલ કદાચને ગ્રાહકોની માહિતી વેચવામાં સંડોવાયેલું હોઇ શકે.
ગયા વર્ષે અમેરિકન વોચડોગ ફેડરલ ટ્રેડ કમિશને એક ફ્લેશલાઇટ એપ સામેની ફરિયાદના આધારે ચુકાદો આપ્યો હતો કે તે એપના સંચાલકોએ ગ્રાહકોને માહિતી આપી નહોતી કે તેમની માહિતી અન્ય એડવર્ટાઇઝર્સને આપવામાં આવી રહી છે. એજન્સીએ જણાવ્યું હતું કે અમેરિકન સોફ્ટવેર ડિઝાઇનર ગોલ્ડનશોર્સ ટેક્નોલોજીએ આ પ્રકારની ચાલબાજી અપનાવી હતી અને ગ્રાહકે એપ વાપરવાનું બંધ કર્યા બાદ પણ તેની માહિતીનો દુરુપયોગ કર્યો હતો.
બ્રિટનના પ્રાઇવસી કાર્યકરોએ સઘન ચકાસણીની માગ કરી છે, બિગ બ્રધર વોચના ડિરેક્ટર એમ્મા કાર્ર કહે છે કે ઘણાં ઓછાં લોકો જાણે છે કે એપ તમારા સંપર્કની યાદી, ટેક્સ્ટ મેસેજ અને લોકેશન ડેટા પણ હાંસલ કરી શકે છે, તેથી લોકોએ તેમનાં ડિવાઇસને કેવી રીતે સંરક્ષિત કરી શકાય તે માટે જાગ્રતિ કેળવવી જોઇએ.
તે ઉપરાંત આ પ્રકારનાં એપ્સમાં સુરક્ષા મોટી ચિંતાનો વિષય હોય છે. આ એપ્સ કેવી રીતે કામ કરે છે તેની થોડીઘણી જાણકારી ધરાવનાર તેમાંથી માહિતી પ્રાપ્ત કરી શકે છે. એન્ડ્રોઇડ ટેક્નોલોજી આપનાર અને એપ્સનો ઓનલાઇન સ્ટોર ચલાવનાર ગૂગલ કહે છે કે અમે વ્યક્તિગત એપ્સ પર ટિપ્પણી કરવા માગતા નથી પરંતુ અમારી નીતિનું ઉલ્લંઘન કરનારને અમે દૂર કરી દઇએ છીએ.
અજાણતાં બનીએ છીએ ભોગ
અમેરિકન સાઇબર સિક્યુરિટી ફર્મ સ્નુપવેલના મતે કેટલાક ગ્રાહકોને એમ લાગે છે કે ઘણા પ્રોગ્રામ ફોનલાઇટ ઓન કરવા ઉપરાંત ઘણી વધુ ક્ષમતા ધરાવતાં હોય છે. સ્નુપવેલના સ્થાપક ગેરી મિલિફ્સ્કી અમેરિકન સરકારના સલાહકાર છે, તેઓ કહે છે કે આપણે બધાં સ્માર્ટફોન અને ટેબ્લેટમાં ઘણાં એપ ઇન્સ્ટોલ કરીને ભોગ બની રહ્યાં છીએ. આપણે જાણતા નથી કે આ પ્રકારનાં એપ્સ આપણને જે સુવિધા આપે છે તેનાં કરતાં ઘણું વધુ કરી શકે છે. આપણે આ પ્રકારનાં એપ્સ પર આંધળો વિશ્વાસ મૂકીને સાઇબર અપરાધીઓ અને જાસૂસો માટે પેન્ડોરા બોક્સ ખુલ્લું મૂકી દીધું છે.
અપરાધીઓ દ્વારા દુરુપયોગની આશંકા
એવી પણ આશંકા છે કે ક્રિમિનલ ગેંગ, હેકર્સ અને આઇડેન્ટિટી થિવ્ઝે પોતાના ટોર્ચ એપ્સ વિકસાવ્યાં છે જેના દ્વારા તેઓ ગ્રાહકોની વ્યક્તિગત માહિતી પ્રાપ્ત કરી તેમનાં બેંકખાતાઓની જાણકારી પ્રાપ્ત કરી શકે.
SandeshNews
No comments:
Post a Comment