GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

છ વર્ષના ભારતીય બાળકે હિમાલયનું કાલા પથ્થર શિખર સર કર્યું

પર્વતારોહક પિતા અને બે શેરપા ગાઈડ સાથે નોંધાવ્યો રેકોર્ડ

પ,૫૫૪ મીટરની ઉંચાઈએ પહોંચીને અગાઉનો સાત વર્ષની ઉંમરે શિખર સર કરવાનો રેકોર્ડ તોડય


(પીટીઆઈ)     કાઠમંડુ, તા. ૧૯
પાંચ વર્ષ અને ૧૧ મહિનાના એક ભારતીય બાળકે હિમાલય પર આવેલું કાલા પથ્થર શિખર સર કરવાની અનોખી સિદ્ધિ નોંધાવી છે. આ શિખર માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પથી ૨૦૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. ૧૭મી ઓક્ટોબરે હર્ષિત સૌમિત્ર નામનો આ બાળક તેના પિતા રાજીવ સૌમિત્ર સાથે ૫,૫૫૪ મીટરની ઊંચાઈએ આવેલા આ શિખર પર સફળતાપૂર્વક પહોંચી ગયો હતો. આ યાત્રા દરમિયાન તેમની સાથે ગાઈડ તરીકે બે શેરપા પણ હતા.
હર્ષિતે સાતમી ઓક્ટોબરે નેપાળમાંથી હિમાલય પર ચઢાણ શરુ કર્યું હતું. હિમાલય પર બેઝ કેમ્પ સુધી પહોંચતા હર્ષિતને દસ દિવસ લાગ્યા હતા, જે ચઢાણ સામાન્ય પર્વતારોહકો સાત દિવસમાં પૂરું કરે છે. હર્ષિતના પિતા રાજીવ સૌમિત્રએ કહ્યું હતું કે, ''અમે તેની સુરક્ષા માટે અગમચેતીના પગલાં ભર્યા હતા અને તેનું આરોગ્ય ચઢાણ શરુ કર્યું ત્યારથી ખૂબ જ સારી હતી.''
હર્ષિત અને તેના પિતાએ બે ગાઈડ સાથે ઉત્તર-પૂર્વીય નેપાળની હિમાલય પર્વતમાળામાં આવેલા બેઝકેમ્પ તરફ એ સમયે પ્રયાણ શરુ કર્યું હતું, જે સમયે અહીં મોટા ભાગના પર્વતારોહકો બરફવર્ષાના કારણે મૃત્યુ પામતા હોય છે. હિમાલયમાં પર્વતારોહણ કરવા આવતા મોટા ભાગના પર્વતારોહકોને આ સમયે જ વધારે તકલીફ પડતી હોય છે અને અકસ્માતનું જોખમ પણ વધારે હોય છે. રાજીવ સૌમિત્રએ કહ્યું હતું કે, ''અમે બરફવર્ષાથી બચવા બેઝકેમ્પ પર અમારા ટેન્ટમાં બે દિવસ આરામ કર્યો હતો.''
હર્ષિતે યુરોપના માઉન્ટ બ્લેન્ક, એન્ટાર્કટિકાના માસિફ અને ઓસ્ટ્રેલિયાના કાર્સટેન્ઝ શિખરથી પણ ઊંચું શિખર સર કરવાની સિદ્ધિ નોંધાવીને સાત વર્ષીય આર્યન બાલાજીનો સૌથી નાની ઉંમરે કાલા પથ્થર શિખર સર કરવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવે હર્ષિતનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવવામાં આવશે.

No comments: