નળ સરોવર અને કચ્છના બન્નીના રણમાં વિદેશી પક્ષીઓના ઝુંડથી અદભૂત નજારો સર્જાયો છે પરિણામે દિવાળીની રજાઓમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
કચ્છના ભૂજ શહેરથી ૮૦ કિમી દૂર છારીઢંઢના છીછરા પાણીમાં ફલેમિંગો સહિત ઘણીં પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન થઇ ચૂક્યું છે. જાણકારોના મતે, છીછરા પાણીના બેટમાં ખોરાક સરળતાથી ઉપલબ્ધ થાય છે તે જોતાં ફલેમિંગો સહિતના વિદેશી પક્ષીઓ અહીં ઉતરી પડે છે. આગામી દિવસો હજુયે પક્ષીઓની સંખ્યા વધે તેવી સંભાવના છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી વિદેશી પક્ષીઓનું આગમન ગુજરાતમાં થઇ ચૂક્યું છે ત્યારે આ પક્ષીઓમાં ફલેમિંગો ઉપરાંત પેલિકન, ગ્રે હાઇપોકોલિસ, કાલબિલ્ટન, પેઇન્ટેડ સ્ટ્રોક, ગે હેરોન સહિતના વિવિધ પ્રજાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે.
નળસરોવરના આંતરિયાળ ભાગમાં આવેલાં બેટ પર પણ ફલેમિંગોના ઝુંડ જોવા મળી રહ્યાં છે. દિવાળીની રજાઓમાં પ્રવાસીઓનો નળ સરોવર પર ભારે ધસારો રહ્યો હતો. પ્રવાસીઓ બોટીંગ કરીને વિદેશી પક્ષીઓ જોવાની તક છોડતા નથી ત્યારે હજ આગામી મહિનામાં વધુ ફલેમિંગો આવી પહોંચે તેમ પક્ષીવિદોનું કહેવુ છે. બર્ડલવર્સ માટે પણ બર્ડવોચિંગ કરવા માટેની સિઝનનો જાણે હવે પ્રારંભ થયો છે.
કચ્છ અને નળ સરોવરમાં કુલ મળીને ૪૫ જાતિના વિદેશી પક્ષીઓ આવી પહોચે છે. આ પક્ષીઓનો ફેબુ્રઆરીના અંતિમ સપ્તાહ સુધી ગુજરાતમાં જ પડાવ રહેશે. વિદેશી પક્ષીઓએ છીછરા પાણી અને ઘાસિયા મેદાનમાં અદભૂત નજારો સર્જાયો છે ત્યારે ખાસ કરીને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરાનારાંઓ માટે પણ એક અનોખી તક બની રહી છે.
કચ્છમાં બન્નીનાં રણમાં ભુજથી અંદાજે ૮૦ કિ.મી. અને નખત્રાણાથી ૩૦ કિ.મી.નાં અંતરે આવેલા છારીઢંઢમાં હજારો પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠયો છે. ઓક્ટોબરનાં અંતિમ સપ્તાહમાં જ હજારો વિદેશી પક્ષીઓએ ઘાસિયા મેદાન અને છીંછરા તળાવોમાં મુકામ શરૃ કરી દીધો છે. હાલ, ૩૦ પ્રકારનાં વોટર બર્ડ અને ૧૫ પ્રકારનાં મેદાનમાં વસતા પક્ષીઓ સહિત લગભગ ૪૫ જેટલી જાતિનાં વિદેશી ઉપરાંત સ્થાનિક પક્ષીઓના હજારોની સંખ્યામાં છારીઢંઢમાં પડાવથી સર્જાયેલું અદ્દભુત દ્રશ્ય પ્રવાસીઓનું મન મોહી રહ્યુું છે.
વિસ્તારનાં અભ્યાસુ એવા છારીઢંઢની ચોકીદારી કરતાં મામદભાઈ મુતવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતંુ કે, ચોમાસાનાં અંતિમ દોરથી વિદેશી અને સ્થાનિક પક્ષીઓ મોટી સંખ્યામાં છારીઢંઢમાં પડાવ કરવા આવી પહોંચે છે. ઓક્ટોબરનાં અંતિમ દિવસો કે નવેમ્બરનાં પ્રારંભથી પક્ષીઓનું આગમન શરૃ થાય છે અને ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધી અહીં લાખોની સંખ્યામાં પક્ષીઓની હાજરી રહે છે.
હાલ, છારીઢંઢમાં મોટા પ્રમાણમાં કોમન ક્રેનની હાજરી છે, તેમનાં અંદાજ મુજબ ૨૫ હજાર કોમન ક્રેન ઉપરાંત પેલીકન, કુટ્સ, સવલર, ફ્લેમિંગો, પેઈન્ટેડ સ્ટ્રોક, ગ્રે હેરોન, સ્પુન બિલ, ગ્રે હાઈપોકોલીસ, કાલબિલ્ટન અને વિવિધ પ્રકારનાં ઈગલ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ચાલુ સાલ ઓછા વરસાદનાં પગલે મેદાનોમાં સર્જાતાં કુદરતી તળાવમાં સામાન્ય કરતાં વધુ છીંછરું પાણી હોવાથી પક્ષીઓને આસાનીથી પોતાનો ખોરાક ઉપલબ્ધ થતો હોવાનાં કારણે હજુ પક્ષીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.
No comments:
Post a Comment