નાસાનું માનવરહિત ‘એન્ટેરીસ’ રોકેટ મંગળવારે વર્જિનિયામાં એક કમર્શિયલ લોન્ચપેડ પરથી લિફ્ટ ઓફ્ કરાયાની અમુક સેકંડ બાદ જ ધડાકા સાથે ફાટ્યું હતું. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ખાતે કાર્ગો ડિલિવર કરવા માટે ખાનગી ઓપરેટરોની મદદ લેવા અમેરિકાની સ્પેસ રિસર્ચ એજન્સી ‘નાસા’એ શરૂ કરેલા પ્રયાસો બાદ આ પહેલી જ દુર્ઘટના સર્જાઈ છે. આઈએસએસ તરફ જતું તે રોકેટ ફાટ્યાની દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પણ આઈએસએસ તરફ મોકલાયેલો ૫૦૦૦ પાઉન્ડ વજનનો માલસામાન અને હાર્ડવેરનો જથ્થો નાશ પામ્યો છે.૧૪-માળ ઉંચું તે રોકેટ ઓર્બિટલ સાયન્સીસ કોર્પોરેશને બનાવ્યું હતું અને લોન્ચ પણ કર્યું હતું. તેણે રોકેટને સ્થાનિક સમય મુજબ સાંજે ૬.૨૨ વાગ્યે વેલોપ્સ ફ્લાઈટ ફેસિલિટી ખાતેથી અવકાશમાં છોડ્યું હતું. તેમાં સાઈગ્નસ કાર્ગો મૂકવામાં આવ્યો હતો જે સ્પેસ સ્ટેશન ખાતે પહોંચાડવાનો હતો, પરંતુ લિફ્ટઓફ્ફ કરાયાની અમુક સેકંડોમાં જ રોકેટ ધડાકા સાથે ફાટ્યું હતું અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.
આ ઘટના બાદ ન્યૂ યોર્ક શેરબજારમાં ઓર્બિટલ સાયન્સીસનો શેર ૧૨.૭ ટકા જેટલો તૂટ્યો હતો.
ધડાકાનું કારણ તત્કાળ જાણવા મળ્યું નહોતું. તે ફાટ્યું ત્યારે તેની નજીકમાં કોઈ અધિકારી કે કર્મચારી હોવાનો પણ અહેવાલ નથી.
No comments:
Post a Comment