GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ભારતના મંગળયાને ધૂમકેતુ સાઈડિંગ સ્પ્રિંગનો અભ્યાસ કર્યો

ધૂમકેતુ મંગળથી ૧,૩૨,૦૦૦ કિલોમીટરના અંતરેથી પસાર થશે

અમદાવાદ,

મંગળના અભ્યાસ માટે ભારતે મંગળ પર મોકલેલા મંગળયાન માટે દિવાળી બોનસ જેવી સુખદ ઘટના આકાશમાં સર્જાઈ છે. મંગળ પાસેથી આજે સાઈડિંગ સ્પ્રિંગ નામનો એક ધૂમકેતુ પસાર થવાનો છે. મંગળયાનને તેનો નજીકથી અભ્યાસ કરવાની તક મળશે. પ્રતિ સેકન્ડે ૫૬ કિલોમીટરની ઝડપે પસાર થતાં ધૂમકેતુના ધસમસતા પ્રવાસ વખતે મંગળયાનને નુકસાન ન થાય એવી સ્થિતિમાં ઈસરોએ તેને પહેલેથી જ ગોઠવી દીધું છે.

આ ધૂમકેતુની સૌથી પહેલી હાજરી ઓસ્ટ્રેલિયામાં આવેલી સાઇડિંગ સ્પ્રિંગ વૈધશાળાએ ૨૦૧૩માં પારખી હતી. જાન્યુઆરી ૨૦૧૩માં અવકાશનો અભ્યાસ કરતી વખતે રોબર્ટ મેકનોટ નામના ખગોળવિદ્ના ધ્યાનમાં સુર્યમાળાની મુલાકાતે આવી રહેલો આ ધૂમકેતુ આવ્યો હતો. એ વખતે તેનું તત્કાળ સી-૨૦૧૩-એ-૧ એવુ નામકરણ થયું હતું. બાદમાં તેની શોધ કરનારી વૈધશાળાના નામે તેને ઓળખવામાં આવે છે.

ધૂમકેતુઓ સુર્યમાળા માટે મહેમાન જેવા છે, જે દર થોડા વર્ષે મુલાકાતે આવતાં હોય છે. સુર્યમાળાના છેવાડે આવેલા કૂઈપર બેલ્ટ અને ઊર્ટના વાદળ નામના વિસ્તારમાંથી ધૂમકેતુ સુર્ય તરફ આવતાં હોય છે અને ચક્કર કાપીને નીકળી જતાં હોય છે. કૂઈપરમાંથી આવતા ધૂમકેતુ ટૂંકા ગાળાના અને ઊર્ટમાંથી આવતા લાંબા ગાળાના હોય છે. સ્લાઈડિંગ સ્પ્રિંગ એ ઊર્ટમાંથી આવી રહ્યો છે.

બાહ્ય તત્વો હોવાથી ધૂમકેતુ વિશે હજુ સુધી જોઈએ એટલી જાણકારી મળી શકી નથી. માટે દરેક ધૂમકેતુ ખગોળજ્ઞાો માટે અભ્યાસનો વિષય હોય છે. એમાં પણ આ ધૂમકેતુ તો મંગળ પાસેથી પસાર થઈ રહ્યો છે, જ્યાં ભારતનું મંગળયાન (અમેરિકાનું માવેન પણ) પહેલેથી મોજુદ છે. માટે ધૂમકેતુનો અભ્યાસ કરવાની આ વિશિષ્ટ તક છે.

દર વર્ષે ઘણા ધૂમકેતુઓ સુર્ય આગળથી પસાર થતાં હોય છે. પરંતુ કેટલાક વધારે પડતા દૂરથી નીકળતા હોય છે તો વળી કેટલાક બહુ નાના હોય છે. માટે વિજ્ઞાાનીઓ સિવાય ખાસ તેની નોંધ કોઈ લેતું નથી. છેલ્લે ૧૯૮૬માં હેલીનો ધૂમકેતુ દેખાયો હતો અને હવે ફરી ૨૦૬૧માં દેખાય એવી સંભાવના છે. પૃથ્વી પરનો સૌથી જુનો નોંધાયેલો ધૂમકેતુ જોકે ૧૬૮૦માં દેખાયો હતો. ધ ગ્રેટ કોમેટ ઓફ ૧૬૮૦ના નામે જાણીતો થયેલો એ ધૂમકેતુ બાદમાં ક્રિચના ધૂમકેતુ તરીકે ઓળખાયો હતો.

પૂંછડિયા તારા ધૂમકેતુ


ધૂમકેતુ એ સૂર્યમાળાનું એક આગવુ અંગ છે. અવકાશમાં આમ-તેમ ઘણા ધૂમકેતુઓ આંટા મારતા હોય છે, પરંતુ એ સૂર્યની સપાટી આગળથી પસાર થાય ત્યારે જ જોઈ શકાતા હોય છે. મોટે ભાગે તો ધૂળના બનેલા ધૂમકેતુના નક્કર ગોળા પાછળ નાની-નાની કાંકરીઓ પૂંછડાની માફક ઢસડાતી આવતી હોય છે. એટલે દૂરથી જોનારને (પૃથ્વીવાસીઓને તો કાયમી દૂરથી જ જોવાનો રહે ને!) ધૂમકેતુ કોઈ તારો પૂંછડી સાથે બ્રહ્માંડમાં ભાગમભાગ કરી રહ્યો હોય એવુ લાગે. એટલે જ તેનું એક નામ પૂંછડિયો તારો પડી ગયુ છે.
ધૂમકેતુઓ થોડાક મીટરથી લઈને સેંકડો કિલોમીટરના વ્યાસના હોઈ શકે છે. મોટે ભાગે તો એ ધૂળ કે બરફનો બનેલો ગોળો હોય છે અને તેની પાછળ ઢસડાતા આવતા ધૂળ-રાખ-બરફના ટૂકડા તેની પૂંછડી બનતી હોય છે.

No comments: