એર એશિયાનું ૧૬૨ પેસેન્જર સાથેનું વિમાન અદ્રશ્ય - GUJARAT GENERAL KNOWLEDGE

સોમવાર, ડિસેમ્બર 29, 2014

એર એશિયાનું ૧૬૨ પેસેન્જર સાથેનું વિમાન અદ્રશ્ય

એર એશિયાનું ૧૬૨ પેસેન્જર સાથેનું વિમાન અદ્રશ્ય

અચાનક મલેશિયાના વિમાનો ગુમ થવાનો નવો સિલસિલો

પ્રતિકૂળ હવામાનના કારણે પાઇલટોએ ફ્લાઇટ પ્લાનમાં ફેરફાર માગ્યાની થોડી જ વારમાં વિ


સુમાત્રાના પૂર્વીય કાંઠા નજીક ઇસ્ટ બેલિટુંગમાં મધદરિયે તૂટી પડયાની આશંકા
વિમાન ઇન્ડોનેશિયાથી સિંગાપોર જઇ રહ્યું હતું ઃ પ્રવાસીઓમાં એકેય ભારતીય નહીં

(પીટીઆઇ)    સિંગાપોર/જાકાર્તા, તા.૨૮
મલેશિયાની કોઇ એરલાઇનના વિમાનની આ વર્ષની ત્રીજી દુર્ઘટનામાં આજે ઍરએશિયાનું ૧૫૫ પ્રવાસીઓ સહિત કુલ ૧૬૨ વ્યક્તિઓ સાથેનું એક વિમાન લાપતા થયું હતું. ઇન્ડોનેશિયાના સુરાબાયાથી સિંગાપોર જતું આ વિમાન પ્રતિકૂળ હવામાનના કારણે પાઇલટ્સે ફ્લાઇટ પ્લાનમાં ફેરફાર માટે વિનંતી કર્યાની ઔથોડી જ વારમાં લાપતા થયું હતું.
ઍરએશિયાના ઍરબસ એ૩૨૦-૨૦૦એ (ફ્લાઇટ QZ8501) ઇન્ડોનેશિયાના સમયાનુસાર સવારે ૭.૨૪ કલાકે ઍર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક ગુમાવ્યો હતો. આ વિમાનના પ્રવાસીઓમાં ઇન્ડોનેશિયાના ૧૪૯ ઉપરાંત બ્રિટન, મલેશિયા અને સિંગાપોરના એક-એક તથા કોરિયાના ત્રણ નાગરિકો પણ સામેલ હતા જ્યારે ૭ ક્રૂ-મેમ્બર્સ હતા. પ્રવાસીઓમાં ૧૬ બાળકો અને એક નવજાત શિશુનો પણ સમાવેશ થતો હતો. જોકે, પ્રવાસીઓમાં કોઇ ભારતીય ન હોવાના અહેવાલ છે. વિમાન ઊડાન ભર્યાની ૪૨ મિનિટ બાદ સંપર્કવિહોણું બન્યું હતું. દરમિયાન, બિનસત્તાવાર અહેવાલ મુજબ આ વિમાન સુમાત્રાના પૂર્વીય કાંઠા નજીક ઇસ્ટ બેલિટુંગમાં મધદરિયે તૂટી પડયું હતું. દુર્ઘટનાસ્થળનું ચોક્કસ લોકેશન જાણી શકાયું નથી. ઇન્ડોનેશિયાના પરિવહન પ્રધાન હાદી મુસ્તોફાએ કહ્યું હતું કે વિમાને સંપર્ક ગુમાવ્યો તે અગાઉ ખરાબ હવામાનના કારણે તેને અસામાન્ય રૃટ પકડવા જણાવાયું હતું.  લાપતા વિમાનની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમના ૨૨ સભ્યો સાથે એક જહાજ બાંગ્કા બેલિટુંગના દરિયામાં રવાના કરાયું છે, જે વિસ્તાર ઇસ્ટ બેલિટુંગથી ૨૦ દરિયાઇ માઇલના અંતરે આવેલો છે. ઇન્ડોનેશિયાના સત્તાવાળાઓએ બેલિટુંગ ટાપુ નજીક પાંચ જહાજો અને વાયુદળના ૧૫ જવાનો સાથેનું એક સર્વેલન્સ વિમાન પણ તૈનાત કર્યું છે. ઇન્ડોનેશિયાની મદદ માટે ભારતે બંગાળના અખાતમાં એક અને આંદામાનના દરિયામાં બે જહાજ ઉપરાંત એક વિમાન પણ સ્ટેન્ડ-બાય રાખ્યા છે. દરમિયાન, વિમાન લાપતા થયાના અહેવાલો વચ્ચે ઍરએશિયાએ તેના લોગોનો રંગ લાલમાંથી બદલીને ગ્રે રાખ્યો છે.

૨૦૧૪માં મલેશિયાની ઍરલાઇનના વિમાનની આ ત્રીજી દુર્ઘટના
મલેશિયાની કોઇ ઍરલાઇનનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાનો ચાલુ વર્ષે આ ત્રીજો બનાવ છે. ૧૦ મહિના અગાઉ ૮ માર્ચે મલેશિયા ઍરલાઇન્સનું વિમાન MH370 કુઆલાલમ્પુરથી બીજિંગ જતી વખતે લાપતા થઇ હતી. આ વિમાનમાં ૧૫ દેશોના ૨૨૭ પ્રવાસીઓ અને ૧૨ ક્રૂ-મેમ્બર્સ મળીને કુલ ૨૩૯ જણાં સવાર હતા. દક્ષિણ હિન્દ મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા મનાતા આ વિમાનનો કાટમાળ હજુ સુધી હાથ લાગ્યો નથી. આ ઉપરાંત ૧૭ જુલાઇના રોજ મલેશિયા ઍરલાઇન્સના અન્ય એક વિમાન MH17ને યુક્રેઇનના દોનેત્સ્કમાં મિસાઇલ હુમલામાં તોડી પડાયું હતું. એમ્સ્ટરડેમથી કુઆલાલમ્પુર જઇ રહેલા આ વિમાન પર હુમલામાં પ્રવાસીઓ અને ક્રૂ-મેમ્બર્સ મળીને કુલ ૨૯૮ જણાં માર્યા ગયા હતા. મૃતકોમાં ૮૦ બાળકો પણ સામેલ હતા. હુમલા સમયે વિમાન ૩૩,૦૦૦ ફૂટની ઊંચાઇએ હતું. રશિયાની હવાઇ સીમાથી ૬૦ જ કિ.મી. દૂર વિમાન પર હુમલો થયો હતો.

ટિપ્પણીઓ નથી: