ગુજરાત પબ્લિક ર્સિવસ કમિશન (જીપીએસસી) દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ માટે લેવાયેલી પરીક્ષાની ફાઇનલ આન્સર કી રજૂ ન કરાતાં ઉમેદવારો અકળાયા છે. ૧૨ ઓક્ટોબરે પરીક્ષા લેવાયા બાદ પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ પર જાહેર કરાઈ હતી અને આ આન્સર કીમાં રહેલી ભૂલો અંગે ૧૧ નવેમ્બર પહેલાં પુરાવા સાથે રજૂઆત કરવાની સૂચનાને પગલે ઉમેદવારોએ પુરાવા પણ રજૂ કર્યા હતા. પુરાવા રજૂ કરાયાને એક મહિનો થવા છતાં જીપીએસસીએ ફાઇનલ આન્સર કી જાહેર કરી નથી. આથી, પુરાવા સાથે રજૂ કરાયેલી ભૂલો માન્ય ગણી છે કે નહીં તે અંગે ઉમેદવારો મૂંંઝવણ અનુભવી રહ્યા છે.
વર્ગ-૧ અને વર્ગ-૨ની ૩૭૬ જગ્યા માટે જીપીએસસીએ ૧૨ ઓક્ટોબરે પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા માટે ૪.૧૯ લાખ ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જ્યારે ૨.૪૩ લાખ ઉમેદવારે પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થયા બાદ જીપીએસસીએ વેબસાઇટ પર પ્રોવિઝનલ આન્સર કી મૂકી હતી. સાથેસાથે કોઈ જવાબ ખોટો હોય તો પુરાવા સાથે ૧૧ નવેમ્બર સુધીમાં રજૂઆત કરવાની સૂચના પણ અપાઈ હતી. પેપર-૨ની કેટલીક આન્સર કી ખોટી હોવાની અનેક ઉમેદવારોએ પુરાવા સાથે રજૂઆત કરી હતી. ઉમેદવારોના પુરાવાના આધારે નિષ્ણાતો પાસે તપાસ કરાવીને પ્રશ્નમાં ભૂલ હોય તો સુધારો કરીને ફાઇનલ આન્સર કી જાહેર કરવાનો જીપીએસસીએ નિર્ણય લીધો હતો. એટલું જ નહીં, ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે ફાઇનલ આન્સર કીના આધારે જ પ્રશ્નપત્રોની ચકાસણી કરાશે, તેવું પણ જણાવાયું હતું. જોકે, પુરાવા સાથેની રજૂઆત સાંભળવાની મુદત પૂરી થયાને સમય થયો હોવા છતાં ફાઇનલ આન્સર કી તૈયાર કરાઈ નથી. અનેક ઉમેદવારોએ ૧૧ નવેમ્બર સુધીની નિયત સમયમર્યાદામાં પુરાવા રજૂ કર્યાને પણ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે ફાઇનલ આન્સર કી જાહેર ન કરાતાં ઉમેદવારો મૂંંઝવણમાં મુકાયા છે.
No comments:
Post a Comment