- 2010માં 1706 વાઘ હતા તે વધીને 2014માં 2226 થયા
નવી દિલ્હીઃ આ વખતે ખુશ ખબર જંગલથી આવ્યા છે! ચાર વર્ષમાં દેશમાં વાઘોની સંખ્યા 30 ટકા વધી છે. દેશમાં 2010માં 1706 વાઘ હતા જે 2014માં વધીને 2226 થઇ ગયા છે.દુનિયાના 70 ટકા વાઘ હવે આપણા દેશમાં છે.
પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે દર ચાર વર્ષે એક વાર થતી વાઘની વસ્તી ગણતરીના આંકડા પ્રસિદ્ધ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કેક સતત થઈ રહેલા શિકારના કારણે દુનિયામાં વાઘોની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે જ્યારે ભારતમાં વધી રહી છે.આ આપણી સફળતાની કહાણી છે.આપણે તેની પર ગર્વ કરી શકીએ છીએ. તેનાથી આપના પ્રવાસન ઉદ્યોગને પણ ઘણો વેગ મળી રહ્યો છે.
આ વખતે કર્ણાટક, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને કેરલ જેવા રાજ્યોમાં વાઘોની સંખ્યા વધી છે. સૌથી વધારે 406 વાઘ કર્ણાટકમા, પછી ઉત્તરાખંડ (346 ) અને મધ્ય પ્રદેશ ( 308)માં વધ્યા છે.જોકે, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના સભ્ય સચિવ રાજેશ ગોપાલના અનુસાર ઓડિશા અને ઝારખંડમાં વાઘ ઘટ્યા છે.પૂર્વોત્તરના કેટલાક વિસ્તારો સર્વેમાં સામેલ નહતા.
2014માં ભારતે 64 વાઘ ગુમાવ્યા
નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2014માં ભારતે વિભિન્ન કારણોસર 64 વાઘો ગુમાવ્યા છે,જેમાં સૌથી વધારે વાઘના મોત તમિલનાડુમાં થયા હતા.
9,735 કેમેરાથી ગણતરી, 80 ટકા વાઘોના યુનિક ફોટા
દેશના 18 ટાઇગર સ્ટેટ્સમાં 3,78,118 ચોરસ કિલોમીટર જંગલમાં સર્વે કરવામાં આવ્યો હતો.9,735 કેમેરા લગાવીને વાઘોની યુનિક તસવીરો લેવામાં આવી હતી.દુનિયામાં ક્યાંય પણ આટલા કેમેરા લગાવીને વાઘોની ગણતરી કરવામાં આવી નથી.ભારત પાસે 80 ટકા વાઘોની યુનિક તસવીરો છે.
2006 બાદ વાઘ બમણા થયા
વર્ષ 2006માં વાઘોની સંખ્યા ચિંતાજનક રીતે 1,411ના આંકડે પહોંચી ગઇ હતી.સરિસ્કા અને પન્ના ટાઇગર રિઝર્વમાં વાઘ નહતા બચ્યા.પણ રાહતની વાત એ છે કે ત્યારથી પરિસ્થિતિ સુધરી રહી છે.આઠ વર્ષમાં વાઘની સંખ્યા લગભગ 58 ટકા વધી છે.
નકસલી વિસ્તારોમાં સંખ્યામાં ઘટાડો
નકસલવાદ પ્રભાવિત ઓડિશામાં 28 અને ઝારખંડમાં ત્રણ વાઘ છે જ્યારે 2010માં ઓડિશામાં 32 અને ઝારખંડમાં 10 વાઘ હતા. નકસલવાદને કારણે બંન્ને રાજ્યોમાં વાઘનું સંરક્ષણ પ્રભાવિત થયું છે.
વાઘોની સંખ્યા મુદ્દે ટોપ-5 રાજ્ય
વાઘોની સંખ્યા મુદ્દે ટોપ-5 રાજ્ય
રાજ્ય | 2014માં વાઘ | 2010માં વાઘ | વૃદ્ધિ |
કર્ણાટક | 406 | 300 | 35.33 ટકા |
ઉત્તરાખંડ | 346 | 227 | 52.42 ટકા |
મધ્ય પ્રદેશ | 308 | 213 | 44.13 ટકા |
તમિલનાડુ | 229 | 163 | 40.49 ટકા |
કેરલ | 136 | 71 | 47.79 ટકા |
No comments:
Post a Comment