GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

૬ વર્ષની ઉંમરમાં કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવી જીયાએ વિશ્વભરમાં નામ ઉજાળ્યું

વાપીની જીયાએ ૪ વર્ષની ઉંમરથી જ કરાટેની આકરી તાલિમ

લઈ બ્લેક બેલ્ટ માટે ૨૨ કિમીનું ખુલ્લા પગે અંતર કાપ્યું


વાપી, ગુરૃવાર
નાના ભુલકાઓને બાળપણમાં રમકડા અને મોજમસ્તી સિવાયનો કોઈ વિકલ્પ હોતો નથી. પરંતુ વાપીની નાની બાળાએ ૬ વર્ષની ઉંમરમાં જ કરાટેની તાલિમમાં બ્લેક બેલ્ટ મેળવી વિશ્વભરમાં ગુજ્જુ તરીકે તેનું નામ ગુંજતું કર્યું છે. પહેલા ધોરણથી જ કરાટેની નિયમિત પ્રેક્ટિસથી બ્લેક બેલ્ટ મેળવનારી બાળાને ઉંમર અને ઊંચાઈ કરતાં પણ તેને મળેલો સર્ટિર્ફિકેટની લંબાઈ વધુ છે.
૬ વર્ષની બાળકી કરાટેની આકરી કસોટીમાં ખરી ઉતરી બ્લેક બેલ્ટ મેળવે એ વાત સૌ કોઈને નવાઈ પમાડે તેવી છે. પરંતુ વાપી નજીકના સરોંધી ગામે રહેતી અને સલવાવની સ્વામિનારાયણ સ્કુલમાં અભ્યાસ કરતી જીયા હરિશભાઈ પટેલે આ નવાઈ કરી છે. જીયાએ ચાર વર્ષની ઉંમરથી જ બાર્બી ડોલ કે રમકડાં કે મોજમસ્તી કરવાને બદલે કરાટેમાં રસ દાખવી  ગોલ્ડ મેડલ મેળવનાર અને વર્લ્ડ રેકોર્ડ ધરાવનારા બ્લેક બેલ્ટ ચેમ્પિયન હાર્દિક જોષી સાથે તાલિમ લેવાનું શરૃ કર્યું. ૪ વર્ષિય જીયા કરાટેની તાલિમ લેવા આવતી ત્યારે તેની સાથે તાલિમ લેતાં મોટી વયના તાલિમાર્થીઓ પણ આશ્ર્ચર્ય પામતા. જોકે તેઓને અંદાજ નહોતો કે આ નાની બાળકી નાનીં ઉંમરમાં જ બ્લેક બેલ્ટ ધારણ કરી લેશે.
૬ વર્ષિય જીયાએ બ્લેક બેલ્ટ કઈ રીતે મેળવ્યો તે પણ જાણવું રસપ્રદ છે. ભલભલાની આંખોમાં પાણી લાવી દે તેવી આકરી કસોટીમાં જીયાએ સવારે ત્રણ વાગ્યે ઉઠીને ખુલ્લા પગે ઠંડીની ઋતુમાં ૨૨ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. સાથે ૨ હજાર જેટલી કઠીન એક્સરસાઈઝ, મૌખિક કસોટી, ઈન્ટરનેશનલ કાતા, ઈન્ટરનેશનલ વેપન્સ કાતા, સેલ્ફડિફેન્સ ટેકનિક તેમજ ફાઈટ જેવી કસોટી સુપેરે પાર પાડતા જોઈ મોટેરાઓ પણ શરમાઈ ગયા હતા. જીયાની ઊંચાઈ અને ઉંમર કરતાં તો તેને મળેલ સર્ટિફિકેટની લંબાઈ વધુ છે. વૈશ્વિક સ્તરે નામ રોશન કરનારી જીયાની સિદ્ધિને બિરદાવવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આમંત્રણ આપ્યું છે.

No comments: