પ્રાથમિક શિક્ષકોના બદલી કૌભાંડ પર પરદો - GUJARAT GENERAL KNOWLEDGE

મંગળવાર, ઑક્ટોબર 28, 2014

પ્રાથમિક શિક્ષકોના બદલી કૌભાંડ પર પરદો

પ્રાથમિક શિક્ષકોના બદલી કૌભાંડ પર પરદો

ખેડા જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓમાં


દોષિતો સામે પગલાં ભરવાના બદલે સત્તામંડળોએ તપાસ અટકાવી ભીનું સંકેલવા પ્રયાસ કર્યો
નડિયાદ, તા. ર૭
ખેડા જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓમાં આચરવામાં આવેલ શિક્ષકોની બદલીના કૌભાંડમાં દોષિતોની સામે નિયમોનુસાર પગલાં ભરવાના બદલે લાગતા વળગતા સત્તામંડળોએ તપાસને અટકાવી દઈ ભીનું સંકેલી લેવાની પેરવી કરી છે.  ઉલ્લેખનીય છે કે બદલી કૌભાંડ બહાર આવ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડી.પી.ઈ.ઓ.) સી.એમ. જાદવ એવો લૂલો બચાવ કરતા આવ્યા છે કે આ બદલીઓ વહીવટી કારણોસર કરાઈ છે.
પણ વહીવટી કારણમાં લાખો રૃપિયાનો વહીવટ થયો હોવાનું અને જેની સજાના ધોરણે બદલી કરવાની હતી તેવા શિક્ષક ભાઈ-બહેનોને મજા પડી જાય એ રીતે બદલી કરી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તેથી આ બદલી કૌભાંડમાં સત્વરે  ઉચ્ચકક્ષાએથી તપાસ કરી પગલાં ભરવામાં આવે તેવી  માંગ ઉઠી છે.
પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બદલી કરવા માટે બદલી કેમ્પ યોજ્યા બાદ  કાર્યવાહી કરવી તેવો નિયમ છે. પણ  ખેડા જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક શિક્ષણ વિભાગમમાં આ નિયમને નેવે મૂકી છેલ્લા એક વર્ષમાં ઘણાં  પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોની બદલી કરી નાંખવામાં આવી છે. જેમાં કેટલાક પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનો, એચ-ટાટ અંતર્ગત ભર્તી પામેલા શિક્ષકો અને શિક્ષિકાઓ સહિત ઘણાં વિદ્યાસહાયકોનો પણ સમાવેશ થાય છે. આ બાબતનું એક ઉદાહરણ જોઈએ તો ઠાસરા તાલુકાના બોરડીની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષિકાની સજાના ધોરણે બદલી કરવામાં તેમને મજા પડી જાય એવો ઘાટ ઘડયો છે. સજાના ધોરણે કરાયેલ આ બદલી કોઈ બોરડીથી કોઈ દૂરના સ્થળે કરવાના બદલે નજીકમાં આવેલા મહુધા તાલુકાના સણાલી ગામની પ્રાથમિક શાળામાં કરી આપવાનો હુકમ કરાયો છે. જ્યાં નજીકની શાળામાં આ શિક્ષિકાના પતિ નોકરી કરવાની સાથોસાથ તેમનું વતન પણ આ શાળાથી  નજીક હોવાનું ચર્ચાય છે.
ચોંકાવનારી વાત તો એ પણ છે કે આ બદલી શાળામાં હાજર થયાના ત્રણ વર્ષ પૂરા થતા પહેલાં કરી આપવામાં આવી છે. શું આ તમામ બાબતો લાગતા વળગતા અધિકારીઓના જાણ બહાર હતી ? કે પછી કોઈ બીજા પરિબળોએ ભાગ ભજવ્યો છે ? ખેડા જિલ્લામાં આ રીતે ઠાસરા તાલુકામાં ત્રણ, કપડવંજ તાલુકામાં ત્રણ તથા મહુધા તાલુકામાં એક સહિત નડિયાદ, કઠલાલ, મહેમદાવાદ તેમજ બીજા તાલુકાઓમાં કેટલાક શિક્ષકો અને શિક્ષિકાઓની બદલી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ બદલી કૌભાંડ જિલ્લાના શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તરફથી આ કૌભાંડમાં તપાસને અટકાવી દઈ ભીનું સંકેલી લેવાની પેરવી કરવામાં આવતી હોવાનું ચર્ચાય છે.

ડી.પી.ઈ.ઓ.સી. જાદવનો બચાવ લૂલો હોવાનું જણાયું
નડિયાદ, તા. ર૭
આ બાબતે ડી.પી.ઈ.ઓ. સી.એમ.જાદવ એવો ખુલાસો કરી રહ્યા છે કે જે શિક્ષક અને શિક્ષિકાઓની બદલી કરવામાં આવી છે તેમની સામે ફરિયાદો હોવાની શકયતા છે. તેથી શિક્ષકોની જયાં ઘટ હતી તે શાળામાં  વહીવટી કારણોસર અને સજાના ભાગરૃપે બદલી કરવામાં આવી છે. પણ જાણકારોના મત મુજબ સજાના ધોરણે દૂરના સ્થળે બદલી કરાય. પણ સજાના બદલે મજા પડી જાય એ રીતે બદલી કરવી તે શું સૂચવે છે ? જો આ રીતે બદલી કરવામાં આવતી હોય તો બદલી કેમ્પ યોજવાનો શું અર્થ છે.  વાસ્તવમાં વહીવટી કારણોસર બદલીની વાત એકમાત્ર બહાનું હોવાનું જાણકારો જણાવે છે. હકીકતમાં આ બદલીઓમાં લાખો રૃપિયાનો વહીવટ અને પત્રમ્ પુષ્પમ લઈ નિયમોને નેવે મૂકી આ પ્રાથમિક શિક્ષકો અને શિક્ષિકાઓની બદલી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ બાબતે ઉચ્ચકક્ષોથી નિષ્પક્ષ તપાસ કરી કસૂરવારોની સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. જો આ રીતે બદલીઓ કરવામાં આવશે તો શિક્ષણ જેવું પવિત્ર ક્ષેત્ર પણ ભ્રષ્ટાચારથી ખરડાતું રહેશે !

GujaratSamachar

ટિપ્પણીઓ નથી: